શરદી-ઉધરસના 366, સામાન્ય તાવના 39 અને ઝાડા-ઉલ્ટીના 61 કેસ નોંધાયા
ઉનાળાના આરંભે પણ ડેન્ગ્યૂના ડાકલા વગાડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યૂ તાવના બે કેસ મળી આવ્યા હતાં. જ્યારે મચ્છરોની ઉત્પતિ સબબ 272 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શરદી-ઉધરસના 366 કેસ, સામાન્ય તાવના 39 કેસ, ઝાડા-ઉલ્ટીના 61 કેસ અને ડેન્ગ્યૂના બે કેસ મળી આવ્યા હોવાનું જાહેર કરાયું છે. રોગચાળાની અટકાયત માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 6,537 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.
જ્યારે 655 ઘરોમાં ફોગીંગ કરાયું હતું. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બિન રહેણાંક હોય તેવી મિલકત જેવી કે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 48 સ્થળોએથી મચ્છરનો ઉપદ્રવ જણાતા નોટિસ ફટકારવામાં આવી હતી.
જ્યારે બિનરહેણાંક હોય તેવી 224 મિલકતોના ચેકીંગ દરમિયાન મચ્છરોની ઉત્પતિ જણાતા તમામને નોટિસ ફટકારવામાં આવી હતી. સામાન્ય રીતે ઓક્ટોબર અને નવેમ્બર માસમાં ડેન્ગ્યૂના કેસ નોંધાતા હોય છે પરંતુ આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ડેન્ગ્યૂના આઠ કેસો મળી આવ્યા છે. સવારે અને રાત્રે ઠંડક અને બપોરે આકરા તડકાના કારણે મિશ્ર ઋતુથી રોગચાળાએ માથું ઉંચક્યું છે.