- યુવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અને પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં
- પ્રદેશમાંથી મીડિયાની જવાબદારી યુવા ભાજપના મંત્રી કેયુર અનડકટને સોંપવામાં આવી હોવા છતાં પત્રકાર પરિષદમાં મહામંત્રી હેમાંગ પીપળીયાએ તેઓને બહાર કાઢતા મામલો બીચકાયો: ચાર ઉપપ્રમુખ અને પાંચ મંત્રીઓ કારોબારી છોડી જતાં રહ્યા: પ્રદેશ સુધી પહોંચતી ફરિયાદ
ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાની વિશેષ ઉપસ્થિતિમાં આજે રાજકોટ ખાતે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં યુવા ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. તે વેળાંએ જ યુવા ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર ડખ્ખો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પ્રદેશ હાઇકમાન્ડ સુધી પણ ફરિયાદ પહોંચી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મામલો એટલી હદે વકર્યો હતો કે શહેર ભાજપ યુવા મોરચાના ચાર ઉપપ્રમુખ અને પાંચ મહામંત્રીઓ સહિતના કેટલાક કાર્યકરો કારોબારીની બેઠક છોડીને ચાલ્યા ગયા હતા.
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટમાં આજે યોજાનારી પ્રદેશ યુવા ભાજપની કારોબારી બેઠક માટે મીડિયાની જવાબદારી શહેર યુવા ભાજપના મંત્રી કેયુર અનડકટને જવાબદારી સોંપવામાં આવી હતી. દરમિયાન આજે સવારે તેજસ્વી સૂર્યાની પ્રેસ કોન્ફરન્સનું આયોજન સરકીટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં ઉ5સ્થિત રહેલા કેયુર અનડકટને યુવા ભાજપના મહામંત્રી હેમાંગ પીપળીયાએ નીકળી જવાનું આદેશ આપ્યો હતો છતાં તેઓએ એવી દલીલ કરી હતી કે પ્રદેશમાંથી તેઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. છતાં મહામંત્રી એકના બે થયા ન હતા. આ અંગે પ્રદેશ સુધી ફરિયાદ પહોંચી હતી.
પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ અટલ બિહારી વાજપાઇ ઓડિટોરીયમ ખાતે યુવા ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો પ્રારંભ થયો હતો. જ્યાં યુવા મોરચાના શહેરના હોદ્ેદારો અને કારોબારી સભ્યોની એ વાતની ખબર પડી હતી કે પ્રદેશમાંથી જવાબદારી સોંપવામાં આવી હોવા છતાં મંત્રી કેયુર અનડકટને મહામંત્રી હેમાંગ પીપળીયાએ પત્રકાર પરિષદમાંથી બહાર કાઢ્યા હતા. સમગ્ર ઘટના અંગે સાચી વાત બહાર આવતાની સાથે જ હોદ્ેદારો સમસમી ઉઠ્યા હતા. યુવા ભાજપના ચાર ઉપપ્રમુખ અને પાંચ મંત્રીઓ કારોબારી બેઠક છોડી નીકળી જતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.