દાહોદ: ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થિની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવા ગયો હતો. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે તેમાં ચોકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં આ નાની 6 વર્ષની માસૂમ બાળકીનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નિકળ્યો. આચાર્યએ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગાડતાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીએ બૂમાબૂમ કરતા આચર્યએ ક્રુરતા પૂર્વક માસૂમની હત્યા કરી હતી. જે બાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમમાં મુકી દીધી હતી.

ત્યારે તેની પ્રતિક્રિયા આપતા સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા બળાત્કારી આચાર્યનું પૂતળું બાળી દાહોદ કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે અંગે મળતી માહિતી મુજબ આજ રોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા સિંગવડ  તાલુકાના માસી તોયણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 01 માં અભ્યાસ કરતી દીકરી પર બળાત્કાર કરવાની કોશિશમાં શાળાના આચાર્ય દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હતી.એ હત્યારા આચાર્યને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે સીંગવડ તાલુકાના બળાત્કારી આચાર્યને દાખલારૂપ સજામાં જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે “ન્યાય આપો ન્યાય આપો” અને “અત્યાચાર કરનાર નેં ફાંસી આપો”ના નારા સાથે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ દાહોદ ખાતે બળાત્કારી આચાર્યનું પૂતળાં દહન કરવામાં આવ્યું. અને બાઈક રેલી કાઢી કલેકટરશ્રી દાહોદને આવેદન પત્ર આપવામાં આવ્યું.તથા ગુનેગાર હત્યારા આચાર્યને જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી.

આ સાથે જ વિશેષમાં કલેક્ટર અને RTO ને વિનંતી કરવામાં આવી હતી કે જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં જે ગાડીઓને કાળી ફિલ્મ લગાવવામાં આવી હોય એ સત્વરે દૂર કરવામાં આવે અને મોટી રકમનો દંડ વસૂલ કરવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.

અભેસિંહ રાવલ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.