દાહોદના ચીલાકોટાના કનેશના મૃત્યુના મામલે ગ્રામજનો તથા પરિવારજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. મૃતક કનેશના ભાઇ નરેશ પર ચોરીનો આરોપ હતો, આ મામલે પૂછપરછ કરવા માટે પોલીસ બે ભાઇઓ કનેશ અને રાજુને લઇ ગઇ હતી. ઘરે પરત ફર્યા બાદ મોડી રાત્રે કનેશનું મૃત્યુ થયું હતું. પરિવારજનો મૃતકના શરીરને પોસ્ટમોર્ટમ માટે લઇ જતા હતા, એ પહેલાં પોલીસ કાર્યવાહી માટે જેસવાડા પોલીસ મથક પહોંચ્યા હતા. એ સમયે રોષે ભરાયેલ એક ટોળાએ પોલીસ મથક પર પથ્થરમારો કર્યો હતો તથા પોલીસના વાહનને આગ પણ ચાંપી હતી. આ બનાવ બાદ પરિસ્થિતિ ખૂબ તંગ બની છે.
1નું મૃત્યુ, 2 ઘાયલ
પોલીસ અનુસાર, આ કામ અસામાજિક તત્વોનું છે. સૂત્રો અનુસાર, આ દરમિયાન ગોળીબારમાં ઉસરવા ગામના રામસુ મોહનિયાનું પણ મૃત્યુ થયું હતું. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, તેનું મૃત્યુ પોલીસના ગોળીબારને કારણે થયું હતું કે કોઇ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
પરિવારજનોની માંગણી
પરિવારજનો અનુસાર, પોલીસના મારથી કનેશનું મૃત્યુ થયું છે. પોલીસે તેમને લાકડી અને બંદૂકથી માર માર્યો હતો અને રાતે 1 વાગ્યે કનેશને છોડી મુક્યો હતો. ત્યાર બાદ ઘરે જ રાત્રે 1.45 વાગે કનેશનું મૃત્યુ થયું હતું. આથી પરિવારજનોની માંગણી છે કે જવાબદાર પોલીસ કર્મચારી સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. પોલીસે ટોળાને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ અકસ્માતે થયેલ મૃત્યુ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કરશે, પરંતુ પરિવારજનોની હઠ છે કે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે, પૂછપરછ બાદ યુવકોને ગામના કેટલાક લોકો સામે જ છોડવામાં આવ્યા હતા. પરિવારજનોના આરોપ સામે અમે તેમને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ ભીજ નિયંત્રણ બહાર થઇ ગઇ અને તેમણે પથ્થરમારો શરૂ કરી દીધો.