ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે ઉજવાયો દાદાનો જન્મોત્સવ: ‘અબતક’ની સંગાથે હજારો લોકોએ નિહાળી લાઈવ આરતી
કળિયુગના હજરા-હજુર દેવ એવા હનુમાનજી મહારાજનો જન્મોત્સવ દેશભરમાં ઉજવવામાં આવ્યો હતો ત્યારે રાજકોટના પૌરાણિક હનુમાન મઢી મંદિરે પણ આ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ખાસ જન્મોત્સવ નિમિત્તે દાદાની મહા આરતી કરવામાં આવી હતી જેનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિકોએ લીધો હતો.
રાજકોટના રૈયા રોડ પર આવેલ હનુમાનમઢી મંદિર એક પૌરાણિક મંદિર છે.132 વર્ષથી પણ વધુ સમયથી દાદા અહીંયા હજરા-હજૂર બિરાજમાન છે.દેશભરમાં જ્યારે હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવાયો હતો ત્યારે હનુમાનમઢી મંદિરમા પણ દાદાના જન્મોત્સવને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સાંજે દાદાની 31 દીવાની મહાઆરતી પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.ખાસ 11 કિલોનો લાડુ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો તથા મહા આરતી બાદ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.બટુક ભોજન બાદ ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું અને ભજન,ભોજન અને ભક્તિ સાથે દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
દાદા અહિ 132 વર્ષથી બિરાજમાન છે: કશ્યપભાઈ
અબતક સાથેની વાતચીતમાં હનુમાન મઢી મંદિરના પૂજારી કશ્યપભાઈ જણાવે છે કે આજરોજ હનુમાનજીની જન્મજયંતી હનુમાન મઢી સહિત સમગ્ર દેશ ધૂમધામ થી ઉજવી રહ્યો છે ત્યારે અહીં પણ ભક્તોનું જાણે ઘોડાપૂર છે ખાસ 11 કિલોનો લાડુ આકર્ષણનું કેન્દ્ર છે તથા સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે આજે 132 વર્ષથી અહીંયા દાદા બિરાજમાન છે અને અનેક લોકોને પરચા આપેલા છે તથા આજરોજ બટુક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.
પૌરાણિક મંદિર હોવાથી એક અલગ ઉર્જાનો અનુભવ: સુરેશભાઈ પરમાર
અબતક સાથેની વાતચીતમાં સુરેશભાઈ પરમાર જણાવે છે કે આ સવાસો વર્ષથી પણ વધુ સમયથી આ મંદિર છે તથા આજરોજ હનુમાનજી જીના ભાવિકો મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે આવી રહ્યા છે મેં પણ દાદા ના દર્શન નો લાભ લીધો છે પૌરાણિક મંદિર હોવાથી મંદિરની ઉર્જા પણ એક અલગ પ્રકારની છે તથા બિરાજતા દાદા ના અનેક પરચાઓ લોકોને મળ્યા છે તથા આજે ભજન અને ભોજન સાથે આ હનુમાન જયંતિ નો તહેવાર ખૂબ સહપૂર્વક ઉજવવાના છીએ.