દાદરા નગર હવેલીના વર્ષ ૨૦૧૯માં અપક્ષ તરીકે ચૂંટાયેલા સાંસદ મોહન ડેલકરે મુંબઈ ખાતેની સી-ગ્રીન હોટલમાં આપઘાત કરી લીધાની ઘટનાથી રાજકીય આલમમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે સ્યુસાઈડ નોટના આધારે આપઘાતનું કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે.
વધુ વિગત મુજબ દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકર મુંબઈ સ્થિત મરીન ડ્રાઈવ પરની સી-ગ્રીન હોટલમાં મૃત હાલતમાં મળી આવતા આ બનાવની જાણ સ્થાનિક પોલીસે કરતા દોડી જઈ સ્ટાફે મૃતદેહને હોસ્પિટલે ખસેડ્યો હતો. આ બનાવમાં આપઘાત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મોહન ડેલકરે સ્યુસાઈડ નોટ ગુજરાતીમાં લખી અને જીવન ટૂંકાવી લીધુ છે. આ બનાવમાં પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી આપઘાત કરવાનું કારણ જાણવા તેમજ પીએમ રિપોર્ટ બાદ આપઘાતનું કારણ બહાર આવશે તેમજ વર્ષ ૨૦૨૦માં જનતા દળ યુનાઈટેડમાં મોહન ડેલકર જોડાયા હતા. તેઓ સતત ૭ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા હતા. ક્યાં કારણોસર તેઓએ આપઘાત કર્યો તે હજુ રહસ્ય ઘેરાઈ રહ્યું છે. મુંબઈ પોલીસ દ્વારા મોહન ડેલકરે જે મુંબઈની હોટલ સી-ગ્રીનમાં જ્યાં આપઘાત કર્યો હતો તે રૂમ હાલ સીલ કરી દીધો છે. એક જન સેવકના નિધનથી સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ડેલકરે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી કંઈ જ બહાર આવ્યું નથી. સુત્રોના જણાવ્યાનુસાર તેઓએ ગુજરાતી ભાષામાં એક સ્યુસાઈડ નોટ લખી છે જેમાં આપઘાતનું કારણ કે કોઈ વ્યક્તિનું નામ લખવામાં આવ્યું છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ૨૦૧૯ની ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે દાદરાનગર હવેલી બેઠક પરથી ચૂંટાયા હતા. હાલ મુંબઈના મરીન ડ્રાઈવ પર આવેલ સી-ગ્રીન ખાતે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓએ ડેલકરના અકાળે નિધનથી ઉંડા શોકની લાગણી વ્યકત કરી હતી અને દેશવાસીઓએ એક જમીની જનસેવક ગુમાવ્યાનું પણ જણાવ્યું હતું.