શુક્રવારે દાદરાનગર હવેલીનો મુકિત દિવસ: આ દિવસે દાદરાનગર હવેલીને પોર્ટૂગીઝનાં શાસનમાંથી મુકિત મળી હતી: મુકિતદિન ઉજવવા લોકોમાં ખુશીનો માહોલ
દાદરાનગર હવેલીનો આગામી ૨ ઓગસ્ટને શુક્રવારનાં રોજ ૬૬મો મુકિત દિવસ છે જેની ઉજવણી કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ૪૯૧ વર્ગ કિલોમીટરમાં આવેલા દાદરાનગર હવેલીનો ઈતિહાસ કંઈક જુદો જ છે. આ દિવસે દાદરાનગર હવેલીને પોર્ટુગીઝનાં શાસનમાંથી મુકિત મળી હતી. મુકિત દિવસ ઉજવવા માટે આજરોજ કલેકટર કચેરીએ પરેડ રીહર્સલ યોજાઈ હતી.
૨ ઓગસ્ટની ઉજવણી અંતર્ગત પૂર્વ તૈયારીનાં ભાગરૂપે આજે કલેકટર કચેરીએ યોજાયેલી પરેડની તૈયારીનું નિરીક્ષણ ઋષિ રીસીપાલસિંહ, આઈજી એસ.પી.શરદ દરાડે, સંદીપકુમારસિંહની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ પોલીસ પરેડ કાર્યક્રમનાં આકર્ષણનો એક ભાગ હોય છે. આ ઉપરાંત પોલીસ સહિત આઈઆરબી જવાન, હોમગાર્ડ, મહિલા કોન્સ્ટેબલ, બાલભવનનાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી માટે પર્ફોમન્સ આપ્યું હતું. બ્યુગલ અને ઢોલનાં તાલની સાથે પરેડની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. મુકિત દિવસે સેલવાસ સમાહર્તા પરીસરમાં ઘ્વજારોહણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે ૯:૦૦ કલાકે દિવ-દમણ પ્રશાસક, દાદરાનગર હવેલી દ્વારા ઘ્વજારોહણ અને રાષ્ટ્રગાન ત્યારબાદ માર્ચપાસ્ટ, દાદરાનગર હવેલીનાં સાંસદનું સંબોધન, પ્રશાસકનું સંબોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન તેમજ અંતમાં રાષ્ટ્રગાન યોજાશે.
આ સંઘ પ્રદેશ દાદરા, નગર અને હવેલી આ નામનાં ૩ અલગ-અલગ ગામડાઓથી, વિસરણથી બનેલો પ્રદેશ છે. આ પ્રદેશ પર ૧૮મી સદીનાં વર્ષ ૧૯૫૪ સુધી અંગ્રેજો નહીં પણ પોર્ટુગીઝોનું આદિપત્ય હતું ત્યારે આ દિવસને ૬૬ વર્ષ પૂર્ણ થતાં આગામી ૨ ઓગસ્ટ અને શુક્રવારનાં રોજ દાદરાનગર હવેલીનો મુકિત દિવસ ગૌરવભેર ઉજવાશે.