૯૫ વર્ષીય મૃણાલ સેન છેલ્લા કેટલાય સમયથી અસ્વસ્થ હતા: હાર્ટ એટેક આવતા બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સફળ નિર્માતાનું નિધન
દેશનો સૌથી મોટી ફિલ્મોના નિર્માતાઓમાના એક અને ભારતમાં નવા સિનેમાના અગ્રણી રહેલા મશહુર ફિલ્મ સર્જક મૃણાલ સેનનું ૯૫ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગઈકાલે સવારે ૧૦:૩૦ વાગ્યે કલકતાના ભવાનીપુર સ્થિત તેમના નિવાસ સ્થાને નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી ગંભીર બિમારીથી પીડાતા હતા. તેમની દેખભાળ કરતા કેયર ટેકરે સેનના મૃત્યુની જાણકારી આપી. કેયર ટેકરે જણાવ્યું કે, તેમની હાલત વધુ ગંભીર થઈ ત્યારે એક ડોકટરને બોલાવવામાં આવ્યા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહીં. તેમને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેમનું નિધન થયું.
મહત્વનું છે કે ફિલ્મ સર્જક મૃણાલ સેનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સેનની ઈચ્છા પ્રમાણે તેમના પાર્થિવ શરીરની હાલ કોઈ જ વિધી કરવામાં નહીં આવે તેમના પુત્ર કૃણાલના વિદેશથી આવ્યા બાદ જ તેમના પાર્થિવ શરીરનું શું કરવું તેનો નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા જ સેનના પત્નીનું નિધન થયું હતું. સેન દાદા સાહેબ ફાળકે અને પદ્મભૂષણથી સન્માનિત છે. સેનને એક એવા ફિલ્મ સર્જક તરીકે ઓળખવામાં આવે છે. જે ફિલ્મોમાં નવા એકસપ્રીમેન્ટ કરતા હતા. તેમની ફિલ્મોમાં સમાજની છબી દેખાતી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતના જાણીતા ફિલ્મ મેકર સેનનો જન્મ ૧૮ મે ૧૯૨૩નાં ફરીદપુરમાં થયો હતો. આ જગ્યા હાલ બાંગ્લાદેશમાં છે. હાઈસ્કુલનું ભણતર પુરુ કરીને સેન કલકતા આવી ગયા. તેઓ સ્કોટીશ ચર્ચ કોલેજમાં ફિજિકસ ભણ્યા અને ત્યારબાદ કલકતા યુનિ.માંથી પોસ્ટ ગ્રેજયુએટ કર્યું. વિદ્યાર્થીકાળમાં જ તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે જોડાયા. મૃણાલ સેન ૧૯૯૮ થી ૨૦૦૦ સુધી સંસદસભ્ય પણ રહ્યા હતા. ૧૯૫૫માં તેમણે પોતાની પહેલી લાક્ષણિક ફિલ્મ ‘રાતભોર’ બનાવી તેમની ફિલ્મ ‘નીલ આકાશેર નીચે’એ તેમને ઓળખાણ આપી. ત્રીજી ફિલ્મ ‘બાઈરો શ્રાવણ’ને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્થાપિત કરી દીધા.
૧૯૮૨માં મૃણાલ સેનને પદ્મભૂષણ અને ૨૦૦૫માં દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મૃણાલ સેનાના નિધનને લઈ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુ:ખ વ્યકત કર્યું છે. આ ઉપરાંત સીપીઆઈ સેક્રેટરી જનરલ સિતારામ યુચ્ચુરીએ પણ સેનના સર્જનને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલી આપી હતી. સેનના નિધનને લઈ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક સફળ ફિલ્મ સર્જકને ગુમાવ્યા છે તેવું પ્રસન્નોજીત ચેટર્જીએ જણાવ્યું હતું.