પાંચ માસમાં પાંચ ફોજદારોની બદલી અને ખૂન કેસમાં પોલીસ તરફ આંગળી ચીંધાવાના કારણે મુળી ફોજદારના રાયટર તરીકે ફરજ બજાવવા કોઈ તૈયાર ન હતુ
અમદાવાદનાઅમરાઈવાડી ટ્રીપલ ખૂન કેસમાં એલીબીનો (ગેરહાજરીનો) પુરાવો ઉભો કરવામાં ગેંગસ્ટર બાબુભૈયાને મદદ કરી કાવત્રામાં સામેલ થવા બદલ ફોજદાર ગોસાઈએ પોતે તો જેલવાસ ભોગવ્યો અને જેલમાં જ મૃત્યુ થયું, પરંતુ તેના કારણે મુળી પોલીસની જે નૈતિક હિંમત (મોરલ) સાવ ખલાસ થઈ ગયેલ તે વધારવાનું કામ અશકય તો નહિ પરંતુ ઘણું અધરૂ તો હતુ જ. તેમજ મનોબળ અને નૈતિક હિંમત વધારવાનું કાર્ય અગ્રતાના ધોરણે પહેલુ આવતું હતુ,કેમકે મુળી થાણામાં પાંચ મહિનામાં પાંચ ફોજદારો હાજર થઈ સીક રજા મૂકી જતા રહેલ હતા અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ મનોબળ ઓછુ થવાના ઘણા નાના મોટા કારણો હતા. પણ તે પૈકીનું મુખ્ય આ પોલીસની ભાંગી પડેલી નૈતિક હિંમત અને મનોબળ તથા બીજા સરકારી ખાતાઓ અને જનતાનો પોલીસ ઉપરથી ઉઠી ગયેલો વિશ્ર્વાસ અને તુટી પડેલી પ્રતિષ્ઠા હતી.
પોલીસ ખાતામાં જે આવા મુળી જેવા સજા અને શિક્ષાનાં થાણા હોય તેમાં જે કર્મચારીઓની નિમણુંક થાય તેઓ પણ ગુન્હાઈત માનસ ધરાવતા ખાતાકીય તપાસો સજા વાળા, અશિસ્ત ભર્યા વર્તન વાળાઓ ને જે તે જીલ્લા આખામાંથી શોધીશોધીને મૂકવામાં આવે છેતેવું સામાન્ય રીતે અનુભવાયેલ છે. જેથી આતાને કોઈ દેતુ ન હતુ અને આતિને કોઈ લેતુ ન હતુ તે ન્યાયે બંને નભી રહે અને આવાને ચલાવી લેવા પડે અને સજા પણ પરોક્ષ રીતે થાય અને ખરાબ અનુભવમાંથી સુધારો થવો હોય તો થઈ શકે.તે હેતુ હોય શકે મુળી પોલીસ થાણુ પણ આજ કક્ષામાં આવતું હતુ તેથી તેના પોલીસ દળના તમામ સભ્યો ૧૦૦ ટચનું સોનું ન જ હોય તે પણ હકિકત હતી.
વળી વધારામાં તે સમયે અસ્તિત્વમાં રહેલ પોલીસ યુનિયનના રાજય પોલીસ હેડ કોન્સ્ટેબલ યુનિયનના પ્રમુખ કાંતીલાલ પટેલ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કોન્સ્ટેબલ યુનિયનના પ્રમુખ ઘનશ્યામસિંહ ને પણ મુળીનો આ લાભ મળેલો તો જયદેવને આ યુનિયન નેતાઓની હાજરીમાં પોલીસ દળ પાસેથી પુરૂ કામ લેવુ એ મોટો યક્ષ પ્રશ્ર્ન હતો.
પ્રાથમિક સ્કુલના અભ્યાસ દરમ્યાન જ જયદેવે સંત તુલસીદાસકૃત રામાયણ વાંચેલી શ્રી રામ વનવાસમાં હતા અને લંકાના રાક્ષસો સાથે યુધ્ધ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે શ્રી રામે લંકા સાથે યુધ્ધ કરવા માટે કાંઈ અયોધ્યાથી સૈન્ય મંગાવ્યું નહતુ પરંતુ એક શકિતશાળી વ્યકિત હનુમાનજીને શોધી લીધાહતા. વાનરસેનાનો ઉપયોગ કરી યુધ્ધ કરી વિજય મેળવી લીધેલો ! લંકાની રાક્ષસ સેનામાં પણ વિભીક્ષણ જેવો જ્ઞાનીવ્યકિત પણ હતો તેને પણ મુત્સદીગીરીથી પોતાના પક્ષમાં લઈ ઉપયોગ કરી રાક્ષસોને પરાજીત કરેલા. આ ઉદાહરણ જયદેવને યાદ હતુ જ, તે પ્રમાણે મુળી પોલીસ દળમાં પણ ઘણા સજજન જ્ઞાની અને હિંમતવાળા કર્મચારીઓ હશે જ તેને શોધી પ્રોત્સાહન આપી, તેની સાથે આત્મીયતા કેળવીને કાર્ય (આમતો પોલીસનું કાર્ય પણ પરોક્ષ રીતે યુધ્ધ જ છે. પણ તે ગુનેગારો અને અસામાજીકો સાથે છે) માટે તૈયાર કરવાના હતા તે માટે થોડી ધીરજ સમય અને આત્મીયતા કેળવવા માટે પ્રયાસ કરવાની જરૂરત હતી. પોલીસ દળના મનમાં એવી ભાવના ઉભી કરવાની હતી કે જયદેવે કાંઈ ખોટું કે ગેરકાયદેસર કરવાનું નથી. સમાજનાસારા અને સજજન માણસો સાથે સંબંધ પણ રાખવાના છે. અને મોજથી અને સન્માન ભેર જીવવાનું છે કોઈથી પણ ડરવાનું નથી.
આ માટે જયદેવને સુંદર તક મળી ગઈ. મહા શિવરાત્રીનો તહેવાર આવતો જ હતો. જયદેવે વિચાર્યું કે શિવરાત્રીના દિવસે શિવમંદિરમાં લઘુરૂદ્ર અભિષેકનો કાર્યક્રમ રાખવો તેમાં પોલીસ દળના તમામ સભ્યો ઉપરાંત અન્ય સરકારી અધિકારીઓ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ડોકટરો તથા ગામના તટસ્થ અને પ્રતિષ્ઠીત અને વજનદાર આગેવાનોને શિવમંદિરે અભિષેકમાં આવવા તથા સાથે જ ફરાળ નો પ્રસાદ લેવાનું પણ આમંત્રણ આપવું, (હાલમાં આને ડીનર ડીપ્લોમસી કહે છે) આથી અન્યોને જે પોલીસ ઉપરથી વિશ્ર્વાસ ડગી ગયો છે તે પાછો બેસે તેવું વાતાવરણ બનાવવું.
આથી જયદેવે એક શકિતસિંહ જમાદાર જે પ્રથમ દ્રષ્ટીએ જ સજજન અને વિવેકી લાગ્યા તેમને આ મહાશિવરાત્રીનો કાર્યક્રમ કરવા અંગે વાત કરી તો તેમણે તુરત જ કહ્યું ‘સાહેબ આ બહુસરસ કાર્ય અને વિચાર પણ છે. પરંતુ અહી આવો કોઈ રીવાજ નથી પણ એક નાની સલાહ છે કે આ કાર્યક્રમનું તમામ સંચાલન કોને કોને બોલાવવાથી લઈ ભોજન ફરાળ સહિતનું સરા ઓ.પી.ના જમાદાર મંગળસિંહને સોંપી દો. આ જમાદાર આખા તાલુકામાં લોકપ્રિય છે. જય સ્વામિનારાયણ તરીકે પ્રખ્યાત છે. એક સાથે બે સારા જમાદારો જયદેવને મળી ગયા. મંગળસિંહે મહાશિવરાત્રીના કાર્યક્રમનું તમામ સંચાલન (ઈવન્ટમેનેજમેન્ટ) સંભાળી લીધું. આમંત્રીતોમાં મંગળસિહે ગામના પ્રતિષ્ઠીત આગેવાનોની યાદી તૈયાર કરી તેમાં દીલુભા ભગત, જકાત ઈજારદાર મહિપતસિંહ, ગામના સરપંચ માંડવરાયજી મંદિર અને સ્વામીનારાયણ મંદિરના મહંતો, સરકારી અધિકારીઓ અને ગામના ડોકટરોને આમંત્રણ આપવાનું નકકી કર્યું તેમજ રૂદ્રાભિષેક કરનાર બ્રાહ્મણ તથા પૂજાપાની સામગ્રીની વ્યવસ્થા પણ તેમણે જ ઉપાડી લીધી.
મહાશિવરાત્રીના દિવસે આમપણ લોકો શિવમંદિરે ખાસ દર્શન કરવા જતા જ હોય છે. અભિષેકમાં જયદેવ પોતે ધોતી પહેરીને પૂજામાં બેઠો. જેની નોંધ તમામે લીધી આથી લોકોમાં એવો સંદેશો ગયો કે હવે ખાવા પીવા (નોનવેજ)ની મહેફીલો બંધ રહેશે જે બાકી રહેતું હતુ તે પોલીસ દળના સભ્યોએ જ જનતામાં જયદેવનો એવો સંદેશો પહોચાડયો કે હવે મુળી પોલીસમાં નબળુ કાંઈ ચાલશે નહી પોલીસ દળના કર્મચારીઓ પણ નાત જાતના ભેદ ભાવ વગર સાથે જમ્યા અને તેમને એકતા સંગઠનનો ભાવ થયો.
શકિતસિંહ તથા મંગળસિંહ બંને જમાદારોથી બાકી કર્મચારીઓની કામ કરવાની ક્ષમતા અને નિષ્ઠા અંગે ચર્ચા કરી તેમનાથી જાણ્યું કે ફોજદારનો રાયટરતો ગોસાઈ જેલમાં જતા બદલી કરાવી ધ્રાંગધ્રા ચાલ્યો ગયો છે. સામાન્ય રીતે ફોજદારના રાયટરમાં રહેવા માટે પોલીસદળમાં પડાપડી થતી હોય છે. પરંતુ મુળી ફોજદારના રાયટરમાં રહેલા કોઈ કોન્સ્ટેબલ સ્વેચ્છાએરાજી ન હતો. મંગળસિંહે કહ્યું કે એક કોન્સ્ટેબલ આમ હોંશીયાર છે. પરંતુ આ બાબુભૈયા વાળા કાંડમાં આરોપીઓના આંગળાની છાપો તેણે લીધેલી. તેથી સી.આઈ.ડી. ક્રાઈમની તપાસમાં જયાં ત્યાં ફરી ફરીને ફોજદારના રાયટરમાં રહે કે કેમ તે એક પ્રશ્ર્ન છે. આ જસુભા છે તો એમ.ઓ.બી. કોન્સ્ટેબલ પણ બુધ્ધીશાળી છે. આટલા દિવસના અનુભવે તમામને એટલું તો નકકી થયેલું કે જયદેવ સલામત અધિકારી છે. જસુભાનો રાયટર તરીકે હુકમ થયો તેઓ તૈયાર તો થયા પણ એક વિનંતી જયદેવને કરી કે થાણાના રજીસ્ટર ઉપર જે નિમણુંક એમ.ઓ.બી.માં છે તેજ રહેવાદો પોતે બંને કામ કરશે આમ જસુભા એ એમ.ઓ.બી.ની નિમણુંક ચાલુ રાખી સલામતીનું કવચ ધારણ કર્યું કે ઓનરેકડર ફોજદારના રાયટર નહિ ! કેવા પ્રત્યાઘાત પડઘા અને ભણકારા વાગે છેગુન્હાહીત ભૂતકાળનાં? ખુદ પોલીસ દળને જ પોલીસ અધિકારી ઉપર વિશ્ર્વાસ નહોયતો પછી અન્ય સરકારી તંત્રો અને જનતા વિશ્ર્વાસ ન કરે તે સહજ જ કહેવાય.
મુળીમાં અન્ય જમાદારો પણ હતા જેઓ જમાનાના ખાધેલા ઘાઘસ જમાદારો પોતાની વ્યકિતગત તમામ પ્રકારની સલામતી રાખીને બાદ જ સરકારી કામ કરે તેવા હતા. પરંતુ તેમાં એક ‘ભામા ઝાલા’ ઊર્ફે ભારતસિંહ માનસિંહ ઝાલા કે જેઓ નમૂના રૂપ ‘અંગ્રેજો કે જમાને કે અફસર’ જેવા હતા. આમતો ભારતસિંહને સાયકલ પણ ચલાવતા આવડતી નહિ પરંતુ વાતો હાથી અને સિંહને પાડી દેવાની કરતા. તેઓ હાલતા ચાલતા ડાયલોગ મારતા ‘શું? ભૂકા કાઢી નાખુ, હું ભામા ઝાલા’ તેઓ ફરજ દરમ્યાન વારંવાર તાબાના કોન્સ્ટેબલોને કહ્યા કરતા ‘તમારા મોઢામાંથી હજુ દુધની વાસ આવે છે, તમે હજુ દુનિયા જોઈ નથી. પહેલા તો પોલીસ બહારવટીઓથી બાથ ભીડતી તમે તો ઉંદરડી પણ પકડી શકો તેમ નથી ડુબી મરો ડુબી મરો’
આ ભામા ઝાલા ઉર્ફે ભારતસિંહે ગામમાં મકાન ભાડે રાખેલુ ત્યાંથી ઉભી બજારે પગપાળા ચાલી ને આવે કેમકે સાયકલતો આવડે નહિ મોજા વગરના પ્લાસ્ટીકના બુટ ખાખી યુનિફોર્મ સરકારી આવે તેજ ફીટીંગ કરાવ્યા સીવાયનો, માથે તીરછી ટોપી આંખે મોટા નંબરનાં ચશ્મા એક હાથમાં પોર્ટફોલીયું અને બીજા હાથમાં દંડો,ઉભી બજારે દંડો પછાડતા પછાડતા મગ‚રીથી ચાલતા આવે અને રસ્તામાં કોઈ રામ રામ કહે તો તે સામેથી રામ રામતો કહે પણ રોફથી કહે.
રાજયમાં રોસ્ટર વિરોધી આંદોલન થયેલું અને ખુબ તોફાનો થતા અને તોફાનો બેકાબુ થતા રાજયના પોલીસ વડા તરીકે મુંબઈના કડક પોલીસ કમિશ્નર શ્રી જે.એફ. રીબેરોને ખાસ કિસ્સા તરીકે ગુજરાતમાં મૂકેલા તેમણે ઘણી જ કડક કાર્યવાહી કરી રમખાણો શાંત કરેલા અને પ્રજા તથા પોલીસ બંનેના દીલ જીતી લીધેલા બાદમાં રીબેરો એ પંજાબમાં પણ શીખ આતંકવાદ સામે શૌર્ય ભયુર્ંં કામ કરેલુ આથી મુળી પોલીસે આ કડક પોલીસ અધિકારી રીબેરોનાં નામનો ઉપયોગ કરી આ ભામા ઝાલા ઉર્ફે ભારતસિંહનું નવું ઉપનામ કે તખલ્લુસ નામ આપેલુ ‘સવાઈ રીબેરો’ !
જયદેવે જોયું કે જમાદાર આ સિવાયરીબેરો ને થોડુ પ્રોત્સાહન આપવામાં આવે તો બહુ સારી હકિકત મેળવી આપે તેમ છે.તેથી જયદેવે આ ભામા ઝાલા ઉર્ફે ભારતસિંહ ઉર્ફે ‘સવાઈ રીબેરો ને વિશ્રામ ગૃહમાં એકલાજ મળવા બોલાવ્યા જયદેવને જે પ્રશ્ર્ન મનમાં ખૂબજ મુંઝવતો હતો તે તેમને પૂછયો કે ‘મુળી પોલીસ સ્ટેશનમાં આ પાંચ મહિનામાં પાંચ ફોજદારો ખરેખર કયા કારણે સીક રજામાં ભાગી ગયા તથા ફોજદારના રાયટરમાં રહેવા આમતો પડાપડી થતી હોય પણ અહિકેમ કોઈ રહેવા તૈયાર નથી? તે પ્રશ્ર્નનો જવાબ આ જમાદાર સવાઈ રીબેરોએ જે આપ્યો તે સાંભળીને જયદેવના તો રૂવાડા ઉભા થઈ ને ખાંગા થઈ ગયા અને થોડીવાર માટે તેનું મગજ જ બંધ થઈ ગયું!
પરંતુ આ ‘સવાઈ રીબેરો’ એ કહેલી વાત જયદેવને ખરેખર ગળે ઉતારવા અને તે નાટકના સુત્રધારોને ઓળખવા માટે ખરો શાબ્દિક પરિચય મેળવવા અનુભવી જમાદારો શકિતસિંહ અને મંગળસિંહથી વાત કરવી જરૂરી હતી. તેમજ મુળીના રાજકારણ વિશે પણ માહિતી મેળવવી જરૂરી હતી.
બંને જમદારોએ જે મૂળીના તથા જીલ્લાના રાજકારણ અને પોલીસના સંબંધો, વ્યવહાર અને ઉપયોગ દૂરૂપયોગની વાત કરી તે પણ કયાંય કયારેય સાંભળી પણ ન હોય તેમવાંચી પણ નહોય તેવી કાલ્પનીક વાર્તા જેવી લાગી!