બુધવારી બજારમાં પેટીયુ રળવા આવેલી મહિલાને લેડી ફોજદારને લાઠ્ઠીથી ફટકારવાનું ભારે પડયું
બાબરા ખાતે દર બુધવારે ભરાતી બજારમાં પેટીયુ રળવા આવેલી મહિલાને લેડી ફોજદારે વર્દીનો રોફ બતાવી લાઠ્ઠીથી ફટકાર્યાનો વીડિયો વાયરલ થતા મહિલા પીએસઆઇને તાકિદની અસરથી જિલ્લા પોલીસ વડા નિલિપ્તિ રાયે સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.
બાબરાના ગાયત્રી મંદિર નજીક દર બુધવારે ભરાતી બજારમાં મોટી સંખ્યામાં જરૂરીયાત મંદ વેપાર ધંધા માટે આવતા હોય છે અને કેટલીક જીવન જરૂરીયાતની ચિજ વસ્તુનું વેચાણ કરી પેટીયુ રળતા હોય છે. સંક્રાત પૂર્વે બાબરાની બુધવારી બજારમાં પેટીયુ રળવા આવેલી મહિલાઓ કોરોના ગાઇડ લાઇનનું પાલન ન થતું હોવાનું કહી ખાનગી ડ્રેસમાં આવેલી મહિલા પી.એસ.આઇ. દિપિકા ચૌધરીએ લાકડીથી બેફામ ફટકારી માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
ગરીબ અને નિસહાય મહિલાઓને બાબરાના મહિલા પી.એસ.આઇ. દિપીકા ચૌધરી માર મારતા હોવાનો વીડિયો અમરેલી જિલ્લા પોલીસ વડાના ધ્યાને આવતા તાકીદની અસરથી મહિલા પી.એસ.આઇ. દિપીકા ચૌધરીને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.