મોહન ડેલકરની શહાદતનો બદલો પ્રજા વાળશે? : 2 નવેમ્બરે જાહેર થશે પરિણામ
અબતક, નવી દિલ્હી
આજે દાદરા અને નગર હવેલી સહિતની ત્રણ લોકસભા અને 29 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. મોટા ભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ખાસ તો દાદરા નગર હવેલીની ચૂંટણી ઉપર સૌની નજર છે. ત્યાંના પૂર્વ સાંસદ મોહન ડેલકરની શહાદતનો બદલો પ્રજા વાળશે કે કેમ તે ઉપર સૌની મીટ છે. આજે દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશમાં મંડી અને મધ્ય પ્રદેશની ખાંડવા એમ કુલ ત્રણ લોકસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ ઉપરાંત આસામની પાંચ, પશ્ચિમ બંગાળની ચાર, મધ્ય પ્રદેશમાં ત્રણ, હિમાચલ પ્રદેશમાં ત્રણ, મેઘાલયમાં ત્રણ, બિહારમાં બે, કર્ણાટકમાં બે, રાજસ્થાનમાં બે, આંધ્ર પ્રદેશમાં એક, હરિયાણામાં એક, મહારાષ્ટ્ર્માં એક, મિઝોરમમાં એક તથા તેલંગણામાં એક વિધાનસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે.
આ તમામ બેઠકોની મત ગણતરી બે નવેમ્બરે યોજાશે. નાગાલેન્ડની શામાતોર-છેસ્સોર વિધાનસભા બેઠક ઉપર પણ પેટા ચૂંટણી યોજાવાની હતી પણ અહીં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ઉમેદવારને 13 ઓક્ટોબરે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.
દાદરા અને નગર હવેલીની લોકસભા બેઠક ઉપર સૌની નજર છે. પૂર્વ અપક્ષ સાંસદ મોહન સાંજીભાઈ ડેલકરનો મૃતદેહ ફેબ્રુઆરી 2021માં મુંબઈના મરિન ડ્રાઇવ ખાતેની એક હોટલમાં મળી આવ્યો હતો. જેને સ્યુસાઇડ જાહેર કરવામાં આવ્યું હતું. હવે તે બેઠક પર થઈ રહેલી પેટાચૂંટણીમાં તેમનાં પત્ની કલાબહેન ડેલકર શિવસેનામાંથી લડી રહ્યાં છે. ભાજપે આ બેઠક પરથી મહેશ ગાવિતને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, જેઓ નિવૃત્ત સબઇન્સ્પેક્ટર છે. તો કોંગ્રેસે મહેશ ધોળીને ઉતાર્યા છે. જેઓ પણ પોલીસસેવામાંથી નિવૃત્ત થયેલા છે. આ બેઠકની ચૂંટણી ઉપર સૌની નજર છે.