યુકે અને અમેરિકા તથા એશિયા-આફ્રિકાના દેશોમાં કાળો કારોબાર અનીષ ઈબ્રાહીમ સંભાળી લે તેવી દાઉદની ઈચ્છા
અનેક કુટુંબો તબાહ કર્યા બાદ હવે પોતાના પરિવાર સાથે સમયગાળો વિતાવવાના ડોનના ઓરતા
તાજેતરમાં લંડન ખાતે દાઉદ ઈબ્રાહીમના ખજાનચી જાબીર મોતીની ધરપકડ થતાં દાઉદની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ત્યારે હવે દાઉદ ડી-ગેંગનું સામ્રાજય તેના ભાઈ અનીશ ઈબ્રાહીમને સોંપી નિવૃત થવાના મુડમાં છે. સૂત્રોના દાવા અનુસાર દાઉદ હવે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે.
અનીશ ઈબ્રાહીમ અને તેના સાગ્રીતો ડી-ગેંગના વ્યવહારો સંભાળી લે તેવી ઈચ્છા દાઉદ વ્યકત કરી ચૂકયો હોવાનું સૂત્રોનું કહેવું છે. યુકે અને અમેરિકા જ નહીં પરંતુ એશિયા અને આફ્રિકાના દેશોમાં દાઉદના ધંધા સંકેલાવા લાગ્યા હોવાનું પણ જાણવા મળે છે. દાઉદ પોતાનું ગુનાહિત સામ્રાજય ટૂંકુ કરી પોતાના સ્થાને ભાઈ અનીશ ઈબ્રાહીમને ગોઠવવા માંગે છે.
ભારતીય સુરક્ષા સંસ્થાના સૂત્રોએ જણાવ્યા મુજબ લંડન ખાતે જાબીરની ધરપકડ બાદ હવે દાઉદ ભાંગી પડયો છે. જાબીરને તાજેતરમાં લંડનની હોટલ ખાતે ઝડપી પડાયો હતો. મોઝમ્બીકના ઉદ્યોગપતિ પ્રમોદ ગોયન્કાના અપહરણના કેસમાં તેની ધરપકડ થઈ હોવાનું જાણવા મળે છે. હાલ તો આ મામલે ઈન્ટરપોલ મધ્યસ્થી બની જાબીરને ભારતને સોંપવામાં આવે તેવા પ્રયાસો કરી રહી છે.
અમેરિકા અને યુકેમાં દાઉદ ઈબ્રાહીમના આર્થિક વ્યવહારો જાબીર સંભાળી રહ્યો હતો. જાબીર મુળ પાકિસ્તાની નાગરિક છે. તે ઈકબાલ મીરચીનો ખાસ માણસ પણ હોવાનું માનવામાં આવે છે. મોઝમ્બીકના ઉદ્યોગપતિ ગોયન્કાના અપહરણમાં પુરતી કડીઓ જોડવાનો પ્રયાસ ભારત, અમેરિકા, યુકે અને ઈઝરાયલની તપાસ સંસ્થાઓ કરી રહી છે. જે દરમિયાન જાબીર ઉપરાંત લંડનના ઉદ્યોગપતિ આશીફને પણ સકંજામાં લેવાય તેવી શકયતા છે.