હાલ યુવાનો ડ્રગ્સના રવાડે ચડી નશાના કાળા અંધારામાં ધકેલાઈ જતાં હોય તેવા અનેક કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે. ડ્રગ્સ પેડલર્સ મોટાભાગે કોલેજીયન યુવાનોને જ ટાર્ગેટ કરતા હોય છે. એકવાર ડ્રગ્સના કાળા અંધારામાં ગરકાવ થયાં બાદ ડ્રગ્સના હેન્ડલર્સ યુવાનોનો ઉપયોગ પેડલર તરીકે કરતા હોય છે અને દિવસે દિવસે યુવાનો નશાના દલદલમાં વધુને વધુ ખૂંચતા જાય છે. ત્યારે રાજકોટના લોકોને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં જોડી ડ્રગ્સના દુષણને ડામવા રાજકોટ પોલીસ અને બિંગ યુનાઈટેડ એનજીઓના સંયુક્ત ઉપક્રમે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના અધિકારી-કર્મચારીઓ જોડાયા હતા.
રાજકોટ શહેર પોલીસ અને બિંગ યુનાઈટેડના સયુંકત ઉપક્રમે કરાયું આયોજન
રાજકોટ શહેર પોલીસ તથા બિંગ યુનાઇટેડ એનજીઓના સંયુક્ત ઉપક્રમે આજે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતિના દિવસે યુવા વર્ગ માટે જાગૃતિ અભિયાનના ભાગરૂપે આ સાયકલોથોન યોજાઇ હતી. સાયકલોથોન દ્વારા યુવા વર્ગને જાગૃત કરવાનો એક પ્રયાસ કરાયો છે. રાજકોટના મહત્મા ગાંધી મ્યુઝિયમથી સાયકલોથોન શરુ કરવામાં આવી હતી. ગાંધી મ્યુઝિયમથી બહુમાળી સર્કલ સુધી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના વિવિધ માર્ગોથી સાયકલોથોન પસાર થઇ હતી. સે નો ટુ ડ્રગ્સના બેનરો સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જેમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ સાયકલોથોનને લીલી ઝંડી આપી હતી. સાથે જ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા સંદેશ અપાયો હતો.
ડ્રગ્સનું સેવન આખા પરિવારને કાળા અંધારામાં ધકેલનારૂ: મેયર
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સના સેવનથી કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ આખો પરીવાર બરબાદ થાય છે ત્યારે ડ્રગ્સના કાળા અંધારામાં ગરકાવ થવાને બદલે યુવાનો સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી થાય તેવી અપીલ તેમણે કરી હતી. વધુમાં તેમણે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં જોડાઈને ડ્રગ્સના દુષણને ડામવા પણ તેમણે અપીલ કરી હતી.
ડ્રગ્સ વિરોધી અભિયાનમાં જોડાવા શહેરીજનોને પોલીસ કમિશનરની અપીલ
આ તકે શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર પોલીસ અને બિંગ યુનાઈટેડ એનજીઓ દ્વારા એક સાયકલોથોન સ્વરૂપી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય થીમ તરીકે ’સે નો ટુ ડ્રગ્સ’ રાખવામાં આવી છે. આજના યુવાનોમાં ડ્રગ્સનું દુષણ વધતું જાય છે જે ચિંતાજનક બાબત છે ત્યારે ડ્રગ્સના દુષણને ડામવા અને સમાજમાં જાગૃતતા લાવવા માટે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે અબતક મારફત જાહેર જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, ડ્રગ્સના દુષણથી આપને દૂર રહીયે અને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં જોડાઈ ડ્રગ્સના દુષણને ડામવામાં સહભાગી થઈએ.