ટ્રોફી જીતવા માટે નહીં, શહેરને ક્લિન એન્ડ ગ્રીન કરવા માટે સાઈકલ ચલાવશે સાઈકલવીરો
રેસકોર્સની આર્ટગેલેરી પાસેથી અપાશે ફ્લેગઓફ: ૫૦ કિ.મી. માટે સવારે ૬ અને ૨૫ કિ.મી. માટે ૬:૩૦ વાગ્યે અપાશે લીલીઝંડી: મેડિકલની ટીમ સમગ્ર રૂટ ઉપર રહેશે તૈનાત: સાઈકલવીરોમાં અનેરો ઉત્સાહ
રાજકોટ જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શહેરને અલગ ઓળખ અપાવનાર રોટરી મીડટાઉન ક્લબ ઓફ રાજકોટ અને મહાનગરપાલિકા આયોજિત સાઈકલોફન કાલે સતત ચોથા વર્ષે યોજાશે. આ સાઈકલોફન થકી ૧૬૫૦ સાઈકલવીરો જીતવા માટે નહીં બલ્કે રાજકોટને ક્લિન એન્ડ ગ્રીન બનાવવાનો મેસેજ આપશે. કાલે સવારે રેસકોર્સની આર્ટગેલેરી પાસે તમામ સાઈકલવીરો એકઠા થશે અને ત્યાંથી તેમને ફ્લેગઓફ અપાશે. સવારે ૬ વાગ્યાથી ૫૦ કિલોમીટર સાઈકલ ચલાવનારા સાઈકલવીરોને ફ્લેગઓફ અપાશે જ્યારે ૬:૩૦ વાગ્યાથી ૨૫ કિલોમીટર સાઈકલ ચલાવનારા રાઈડરોને લીલીઝંડી આપવામાં આવશે. ૨૫ અને ૫૦ કિલોમીટરના સમગ્ર રૂટ ઉપર મેડિકલની ટીમ તૈનાત રાખવામાં આવશે. ઈવેન્ટને લઈને સાઈકલવીરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ અંગે વિગતો આપતાં આયોજકોએ જણાવ્યું હતું કે, સાઈકલોફનમાં ભાગ લેનારા દરેક રાઈડરની એન્ટ્રી બહુમાળી ભવન સામે માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ ગેઈટ બાજુથી રહેશે. જ્યારે દરેક રાઈડરનું ફ્લેગ ઓફ આર્ટ ગેલેરી, ફનસ્ટ્રીટ પાસેથી રહેશે. આ સાઈકલોફનમાં ૧૬૫૦ રાઈડરો પહેલી વખત સાઈકલ રાઈડનો આનંદ ઉઠાવશે. આ ઈવેન્ટમાં ભાગ લેનારા દરેક રાઈડરે ફ્લેગઓફના ૩૦ મિનિટ પહેલાં હાજર રહેવું ફરજિયાત છે. સાઈકલ રાઈડને સમયમર્યાદામાં રાઈડ પૂર્ણ કરી લેનારા રાઈડરો માટે લક્કી ડ્રો દ્વારા સાઈકલ ઉપરાંત સાઈકલને લગતી ગીફટ, વાઉચર સહિતની અન્ય ઉપયોગી વસ્તુઓ આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ગ્રાઉન્ડમાં રિફ્રેશમેન્ટ સ્ટોર અને યુ-ટર્ન પર પણ રાખવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ ટીમ ગ્રાઉન્ડ પર હાજર રહેશે અને સમગ્ર રૂટ ઉપર એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રાખવામાં આવશે તો સુરક્ષા સેતુ (ટ્રાફિક પોલીસ) આખા રૂટ ઉપર તૈનાત રહી ફરજ બજાવશે. સ્ટેમ્પીંગ બુથ વિશે માહિતી આપતાં આયોજકોએ કહ્યું કે કટારીયા સ્ટેમ્પીંગ બુથ પર આદિત્ય બોયઝ હોસ્ટેલની ટીમ, એલડોરાડો સ્ટેમ્પિંગ બુથ ઉપર એલ્ડોરાડોની ટીમ, જામટાવર સ્ટેમ્પીંગ બુથ પર આઈઆઈડીની ટીમ જવાબદારી સંભાળશે. જ્યારે ફ્લેગ ઓફ પોઈન્ટથી અંત સુધી ૧૦ વોલન્ટીયર્સ બાઈક ઉપર અને ૧૦ વોલન્ટીયર્સ કાર માં સમગ્ર રૂટ ઉપર તૈનાત રહેશે. ૫૦ કિ.મી.ની. રાઈડ ૬ વાગ્યાથી શરૂ થઈ ૯ વાગ્યા સુધીમાં પૂરી કરવાની રહેશે જ્વારે ૨૫ કિ.મી.ની રાઈડ ૬:૩૦ થી ૮ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આ સમયમર્યાદામાં ઈવેન્ટ પૂર્ણ કરનારને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આયોજકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક રાઈડરોએ હેલ્મેટ પહેરવી ફરજિયાત હોય તે નિયમનું ચોક્કસપણે પાલન કરવાનું રહેશે. આ ઈવેન્ટના ટાઈટલ સ્પોન્સર તરીકે સવન બિલ્ડર્સ અને કો-સ્પોન્સર તરીકે રોલેક્સ રિંગ્સ તેમજ શિવમ કિયા સહિતનાનો સહયોગ સાંપડી રહ્યો છે. આ ઉપરાંત રાજકોટ સાઈકલ કલબના સભ્યો, રોટરી ક્લબ ઓફ મિડટાઉન, શહેર પોલીસ, મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનનો પણ સિંહફાળો સાંપડી રહ્યો છે.