આજે સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં અતિભારે વરસાદ પડી તેવી સંભાવના
કચ્છ અને તેની સાથે જોડાયેલા વિસ્તાર પર અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસરનાં કારણે આજે સૌરાષ્ટ્રમાં ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજયનાં અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યાફ અનુસાર કચ્છ અને તેની સાથે જોડાયેલા વિસ્તારમાં દરીયાઈ સપાટીથી ૩.૬ કિલોમીટરની ઉંચાઈ પર અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસરનાં કારણે ગઈકાલે રાજયનાં ૩૨ જિલ્લાનાં ૧૭૬ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. આજે સવારથી રાજકોટ સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
આજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જયારે અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે ઉતર ગુજરાતનાં મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ અને મહિસાગર જિલ્લામાં, બુધવારે મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મહિસાગર જિલ્લામાં જયારે ૫મી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર જિલ્લામાં ભારેથી અતિભારે, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ટુંકમાં પાંચ દિવસ રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે.