રાજયનાં ૧૦૩ તાલુકાઓમાં વરસાદ: જામજોધપુર, ખાંભામાં અઢી ઈંચ: આજે પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી
પ્રિ-મોનસુન એકટીવીટીની અસરનાં કારણે રાજયમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં દરીયાઈ સપાટીથી ૨.૧ થી લઈ ૩.૧ કિલોમીટર હાઈટ પર એક સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસરનાં કારણે આગામી ૧૦ થી ૧૨ જુન દરમિયાન રાજયમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આગામી બે દિવસમાં પણ રાજયમાં છુટાછવાયા વિસ્તારમાં સતત વરસાદ પડવાનું ચાલુ રહેશે. સામાન્ય રીતે ગુજરાતમાં ૧૫મી જુન આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે પરંતુ આ વર્ષે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશર અને પ્રિ-મોનસુન એકટીવીટીનાં અસરનાં કારણે રાજયમાં છેલ્લા એક સપ્તાહની સતત વરસાદ વરસી રહ્યો છે. રવિવારે રાજયનાં ૧૦૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્ર પર આ વર્ષે મેઘરાજા વધુ રીઝી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે સૌરાષ્ટ્રનાં તમામ ૧૧ જિલ્લાઓમાં વરસાદ પડયો હતો. જામનગર જિલ્લાનાં જામજોધપુર અને અમરેલી જિલ્લાનાં ખાંભામાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ગાજવીજ સાથે ખાબકેલા વરસાદનાં કારણે અનેક વિસ્તારો અને નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા તો ચેકડેમ છલકાઈ ગયા હતા.
સ્ટેટ ઈમરજન્સી સેન્ટરનાં જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં ૧૦૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ગઈકાલે સવારથી સૌરાષ્ટ્રભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રનાં તમામ ૧૧ જિલ્લામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ખાંભા અને જામજોધપુરમાં અઢી ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત સાવરકુંડલામાં ૫૫ મીમી, રાજુલામાં ૫૨ મીમી, કોટડાસાંગાણીમાં ૪૬ મીમી, રાપરમાં ૪૦ મીમી, ઉપલેટામાં ૪૦ મીમી, જસદણમાં ૩૪ મીમી, માળીયામિંયાણામાં ૩૪ મીમી, મહુવામાં ૩૧ મીમી, બાબરામાં ૩૦ મીમી, જેતપુરમાં ૨૯ મીમી, ધારીમાં ૨૯ મીમી, વંથલીમાં ૨૪ મીમી, બગસરામાં ૨૪ મીમી, જેસરમાં ૨૨ મીમી, લીલીયામાં ૨૧ મીમી, દસાડામાં ૧૯ મીમી, મુળીમાં ૧૯ મીમી, ખંભાળીયામાં ૧૯ મીમી, વડીયામાં ૧૯ મીમી, ગોંડલમાં ૧૮ મીમી, જામકંડોરણામાં ૧૮ મીમી, ઉનામાં ૧૮ મીમી, લીંબડીમાં ૧૭ મીમી, ચોટીલામાં ૧૬ મીમી, ભુજમાં ૧૫ મીમી, કેશોદમાં ૧૩ મીમી, અમરેલીમાં ૧૩ મીમી, જાફરાબાદમાં ૧૩ મીમી, ગઢડામાં ૧૩ મીમી, કાલાવડમાં ૧૨ મીમી, વલ્લભીપુરમાં ૧૨ મીમી, કચ્છમાં ૧૦ મીમી, મોરબીમાં ૧૦ મીમી, ભાવનગરમાં ૧૦ મીમી, બરવાળામાં ૧૦ મીમી, જુનાગઢમાં ૯ મીમી, મેંદરડામાં ૯ મીમી વરસાદ પડયો હતો. આ ઉપરાંત સુત્રાપાડા, વેરાવળ, બોટાદ, ધોરાજી, વિંછીયા, વાંકાનેર, પોરબંદર, વિસાવદર, માણાવદર, ભાવનગર, મોરબી, ભાણવડ, ભેંસાણ, તાલાલા, લાઠી, રાણપુર, ધ્રોલ, સાયલા, પડધરી સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડયો હતો.