- પશ્ર્ચિમ બંગાળને કાલે 120 કિમીની ગતિએ વાવાઝોડું ધમરોળે તેવી શક્યતા કેરળમાં 8 ઈંચ વરસાદ પડયો, આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન આવતીકાલે રવિવારે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાશે. તો બીજી તરફ કેરળમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 8 ઇંચ જેટલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. રાજ્યમાં 11 જેટલા લોકોના મોત પણ નિપજ્યા છે.
પ્રિ–મોનસૂન સિઝનમાં બંગાળની ખાડીમાં પહેલું વાવાઝોડું આવી રહ્યું છે. તેનું નામ રેમલ રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં તોફાનમાં ફેરવાઈ જશે. શનિવારની રાત સુધીમાં તે વધુ તીવ્ર બનશે અને તીવ્ર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું રવિવારે મધરાતની આસપાસ સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરી શકે છે. આ દરમિયાન તેની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વાવાઝોડાની અસર સમયે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.
બીજી તરફ કેરળના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો છે. કેરળમાં કેટલાક સ્થળોએ 8 ઇંચ સુધી વરસાદ થયો છે. કોચી અને ત્રિશૂર જેવા શહેરોમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં વરસાદ સંબંધી વિવિધ દુર્ઘટનાઓમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમાંથી 6 લોકોનાં તણાઈ જવાથી, બે લોકોનાં ડૂબી જવાથી, બે લોકોનાં વીજળી પડવાથી જ્યારે એક વ્યક્તિનું દીવાલ ધસી પડતાં મોત થયું હતું. રાજ્યમાં ભારે પ્રી–મોન્સૂન વરસાદ વચ્ચે હવામાન વિભાગે કેરળના ત્રિશૂર અને એર્નાકુલમ જિલ્લાઓ માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જ્યારે પથનમથિટ્ટા, કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લાઓ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
હાલ અહીં લોકલ ઓથોરિટી, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ અને રેવન્યૂ ડિપાર્ટમેન્ટ કોઈ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે સજ્જ છે. આ ઉપરાંત રાજ્યમાં હાલ એનડીઆરએફની પણ બે ટીમ છે. દરમિયાન, કોચી શહેરમાં ગઈ રાત્રે ભારે વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા.
કોચી નજીકના અલુવા ટાઉનમાં પણ તેવી જ સ્થિતિ સર્જાઈ હતી, જ્યાંનું માર્કેટ જળબંબાકાર થઈ જવાથી મોટાભાગની દુકાનો બંધ રહી હતી. આ સિવાય રાજ્યમાં ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થવાની, રસ્તાને નુકસાનની તથા સામાન્ય ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની હતી. હાલ રાજ્યમાં જુદાજુદા સ્થળોએ કુલ 8 રાહત છાવણીઓમાં 223 લોકોને આશરો અપાયો છે. કોઝિકોડ, મલાપ્પુરમ, એર્નાકુલમ અને તિરુવનંતપુરમ જિલ્લાઓમાં આ રાહત છાવણીઓ શરૂ કરાઈ છે.
પશ્ર્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશામાં રવિ–સોમ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ઉત્તર ઓડિશાના અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મે એટલે કે રવિવાર અને સોમવારના રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. નબળી ઈમારતો, પાવર લાઈનો, પાકા રસ્તાઓ અને પાકને ભારે નુકસાન થઈ શકે છે. આથી ઈમારતો ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. 27-28 મેના રોજ પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.