બંગાળની ખાડીમાં ઉદભવેલુ ચક્રવાત મિચોંગ સક્રિય થઈ ગયુ છે. જેને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ શરૂ ગયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં મધ્યમ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તમિલનાડુમાં ચક્રવાત ત્રાટકે એવી સંભાવનાને પગલે મુખ્યમંત્રી સ્ટાલિને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ચક્રવાત આગળ વધી રહ્યું છે, આવતીકાલથી ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રના દરિયાકાંઠે પવન અને વરસાદ વધશે
મિચોંગ 24 કલાકમાં જ તમિલનાડુ પહોંચી જશે. જેના પરિણામે મધ્યમ અને ભાર વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચેન્નાઇમાં અતિભારે વરસાદ પડશે. ત્યારે વાવાઝોડુ 3 ડિસેમ્બર સુધીમાં દરિયાકાંઠા નજીક પહોંચશે. જેથી 3 અને 4 ડિસેમ્બર માટે આવનારા ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને ઉત્તર કોસ્ટલ તમિલનાડુના રહેવાસીઓ માટે પહેલેથી જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવનને પગલે તંત્ર સજ્જ બન્યું છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને 12 જિલ્લા વહીવટી વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સીએમએ અધિકારીઓને ભારે વરસાદ અંગે ચેતવણી આપી. તેમણે અધિકારીઓને પરિસ્થિતિને પહોંચી વળવા યોગ્ય નિર્દેશ આપ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદની સાથે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાનની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વિશાખાપટ્ટનમ ચક્રવાત ચેતવણી કેન્દ્રના એમડી સુનંદાએ જણાવ્યું કે નીચા દબાણનો વિસ્તાર હવે દક્ષિણ-પૂર્વ અને નજીકના વિસ્તારો પાસે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે. આગામી 24 કલાકમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. આગામી 24 કલાકમાં તે ચક્રવાતી તોફાન બની જશે. તે ઝડપથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત મિયોંગ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ઉત્તર તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચશે. 3 ડિસેમ્બરથી ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રના દરિયાકાંઠે પવન અને વરસાદ વધશે. વાવાઝોડું આગળ વધતાં જ વરસાદ શરૂ થશે. તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે, જ્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.