- 5 કલાક સુધી લેન્ડફોલ પ્રક્રિયા ચાલશે, 120 કિમિની ઝડપે પવન ફૂંકાશે, 552 ટ્રેનો રદ, 10 લાખ લોકોનું કરાયું સ્થળાંતર
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું વાવાઝોડું દાના તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવા માટે બેતાબ છે. તે ખૂબ જ ઝડપી ગતિએ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. તોફાન દાના ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ વચ્ચે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે, જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આ ચેતવણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ તોફાનનો સામનો કરવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અને બંગાળમાં આવી રહેલું ચક્રવાતી તોફાન દાના આજે રાત્રે દરિયાકાંઠે ટકરાશે. જ્યારે આ વાવાઝોડું સપાટી પર આવે છે ત્યારે તેની ઝડપ 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. તોફાનના કારણે ઓડિશા અને બંગાળમાં ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે બંગાળ અને ઓડિશા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાને જોતા બંને રાજ્યોમાં એનડીઆરએફની ઘણી ટીમો એલર્ટ પર છે. કોલકાતા એરપોર્ટ પર આજે સાંજથી આવતીકાલ સવાર સુધી ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે.
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન ’દાના’ 18 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. આજે રાત્રે વાવાઝોડું ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ નજીક લેન્ડફોલ કરશે. ભુવનેશ્વર હવામાન કેન્દ્ર અનુસાર, લેન્ડફોલ પ્રક્રિયા 5 કલાક સુધી ચાલશે. આ સમય દરમિયાન, વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના ઉત્તરીય ભાગમાંથી પસાર થશે.
આ વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. જેના કારણે ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી લગભગ 16 કલાક ફ્લાઈટ્સ રદ કરવામાં આવશે.
આ સિવાય 552 ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. સાઉથ ઈસ્ટર્ન રેલ્વેએ 150 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ 198 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટર્ન રેલ્વેએ 190 ટ્રેનો અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ 14 ટ્રેનો રદ કરી છે.
ઓડિશાના 14 જિલ્લામાં 25 ઓક્ટોબર સુધી શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ જિલ્લાના 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તમામ ટુરિઝમ પાર્ક, ઓડિશા હાઈકોર્ટને 25 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. ઓડિશાએ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને ફાયર બ્રિગેડની 288 ટીમો તૈનાત કરી છે.
ચક્રવાત દાના 6 રાજ્યોમાં વરસાદ રૂપે કહેર વરસાવે તેવી આગાહી
ઓડિશાના 30 માંથી 14 દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાની વ્યાપક અસર થવાની સંભાવના છે. આઈએમડી એ 24 થી 26 ઓક્ટોબર સુધી અંગુલ, નયાગઢ, બાલાસોર, મયુરભંજ, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંહપુર, કેંદુઝાર, જાજપુર, કટક અને ઢેંકનાલ, ખોરધા, ગંજમ અને પુરી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.24 ઓક્ટોબરે પુરી, ખુર્દા, ગંજમ અને જગતસિંહપુર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ (7 થી 20 સેમી) માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, બલેશ્વર, મયુરભંજ અને જાજપુરમાં ભારે વરસાદ (21 સેમીથી વધુ) થવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળમાં પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા અને ઉત્તર 24 પરગણામાં ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે કોલકાતા, હાવડા, હુગલી અને ઝારગ્રામમાં 23 થી 24 ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદ થઈ શકે છે. આંધ્રપ્રદેશમાં આંધ્રપ્રદેશના રાયલસીમા વિસ્તારમાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની અપેક્ષા છે. કર્ણાટકમાં વાવાઝોડાના આગમન પહેલા જ ભારે વરસાદને કારણે કર્ણાટકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બેંગલુરુમાં મંગળવારે એક અન્ડરક્ધસ્ટ્રકશન ઈમારત ધરાશાયી થતાં સાત કામદારોના મોત થયા હતા અને છ ઘાયલ થયા હતા. તમિલનાડુ અને પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. છત્તીસગઢમાં હવામાન વિભાગે આજે 8 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 25 થી 27 ઓક્ટોબર સુધીના ત્રણ દિવસમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. 25 અને 26 ઓક્ટોબરે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.