સંભવિત વાવાઝોડાના પગલે જામનગર-દ્વારકા જિલ્લાના 9 બંદરો પર 4 નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા
જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ની અસર અત્યારથી જ જોવા મળી રહી છે, અને ખાસ કરીને જામનગર તાલુકા તેમજ લાલપુર પંથકમાં ગઈકાલે તોફાની વંટોળિયાની અસર જોવા મળી હતી, અને 17 ગામોમાં કુલ 75 જેટલા વિજ થાંભલાઓ પડી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો, અને યુદ્ધના ધોરણે મરામતની કામગીરીને લઈને 12 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બનાવી દેવાયો છે, જ્યારે હજુ પાંચ ગામોમાં વીજ લાઈન ની સમાર કામની કાર્યવાહી ચાલી રહી છે.
જામનગર તાલુકા અને લાલપુર તાલુકાના શાપર, કાનાશિકારી, ડેરા શિકારી, સેતાલુસ, નવાગામ, બાલંભડી, ગાડુકા, દોઢીયા, જીવાપર સહિતના સત્તર ગામોમાં તોફાની વંટોળીયા સાથેના પવનના કારણે અંદાજે 75 જેટલા વિજ પોલ જમીનદોસ્ત થઈ ગયા હતા, અને 17 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
વીજતંત્રની અલગ અલગ ટુકડીઓના 40 થી વધુ કર્મચારીઓ વીજ લાઈન સમાર કામ માટે રાત દિવસના કાર્યમાં જોડાયા હતા, અને સાંજ સુધીમાં 12 જેટલા ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બનાવી દીધો હતો, અને વીજપોલ તથા વિજ વાયરો ફરીથી ઊભા કરી દેવાયા છે.
હજુ પણ બાલંભડી ગાડુકા દોઢીયા અને જીવાપર સહિત પાંચ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બનાવવા માટે નવા વીજપોલ ઊભા કરીને વિજ લાઇન જોડવાની કામગીરી ચાલી રહી છે, અને આજે પણ 40 થી વધુ કર્મચારીઓ દિવસ રાત એક કરીને સમાર કામની કામગીરી હાથ ધરી રહ્યા છે. મોડી રાત્રી સુધીમાં તે પણ પૂર્વવત્ બનાવી લેવાય તેમ જાણવા મળી રહ્યું છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત ’બીપોરજોય’ વાવાઝોડા ના પગલે હવામાન વિભાગ દ્વારા તમામ નવ બંદરો ઉપર 4 નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા છે, અને બંને જિલ્લા ના ડિઝાસ્ટાર મેનેજમેન્ટ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
જામનગર જિલ્લાના નવાબંદરઝ બેડીબંદર, રોજીબંદર, સિક્કા બંદર(જેટી) અને જોડિયા બંદર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ઓખા અને દ્વારકા સહિત તમામ નવ બંદરો પર 4 નંબરના ભય સૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવાયા અનુસાર 4 નંબરના ભય સૂચક સિગ્નલમાં થોડા અથવા તો સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર ની દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર પાસે તોફાની હવાનો અનુભવ થશે.
ધારાસભ્ય રિવાબા જાડેજા નિચાણ વાળા વિસ્તારના રહેવાસીઓને સચેત કરવા પહોંચ્યા
જામનગર શહેર ના 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા સંભવિત વાવાઝોડાના પગલે ગઈ રાત્રે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પહોંચ્યા હતા, અને સ્થાનિક વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે રહેવા સૂચવ્યા હતા, ફાયર વિભાગ ની ટિમ અને પીજીવીસીએલની ટીમ પણ તેઓની મુલાકાત સમય સાથે જોડાઈ હતી. ઉપરાંત વોર્ડ નંબર બે ના કોર્પોરેટરો વગેરેની સાથે રહીને સ્થાનિક નાગરિકોને પુરી મદદની ખાતરી આપી હતી.
જામનગરના 78- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ગઈકાલે રાત્રે શહેરના જોડિયા ભુંગા વિસ્તારની મુલાકાત લીધી હતી, અને વાવાઝોડા અંગે સ્થાનિક લોકો ને સાવચેત રહેવા અને ફાયર વિભાગ તેમજ વિજતંત્ર ના અધિકારીઓ ને સાથે રાખી ને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ સ્થાનિક લોકો ને પણ પોતાના પરિવાર નું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો.
તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરતા મંત્રી મુળુભાઇ બેરા
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડા પગલે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ને જામનગર ની જવાબદારી સોંપવામાં આવતા તેમણે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. અરબ સાગરમાં સર્જાયેલ બીપરજોય ચક્રવાતને લઈને રાજ્ય સરકાર એલર્ટ બની છે .આજે મુખયમંત્રી ભપેન્દ્ર ભાઈ પટેલે સાગર કાંઠો ધરાવતા જિલ્લામાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી સોંપી હતી.અને જિલ્લામાં હાજર રહેવા સૂચના આપી હતી.
જામનગર જિલ્લાની જવાબદારી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ને સોંપવામાં આવતા તેઓ આજે સવારે જ જામનગર આવી પહોંચ્યા હતા.અને જિલ્લા કલેક્ટર બી એસ શાહ અને જિલ્લાના સંબંધિત વિભાગ નાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડા સંબંધે તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરા આયોજન અંગે સમીક્ષા કરી હતી.આવ વાવાઝોડું જામનગર ને અસર કરશે હાલના સંજોગોમાં જોવા મળી રહયું છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે.જે અંગે ની ઝીણવટભરી માહિતી મંત્રી દ્વારા મેળવાઈ હતી.મંત્રી.શ્રી એ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ દ્વારા પણ સતત માર્ગદર્શન મળી રહ્યું છે.
જિલ્લા નાં બંદરો ઉપર ચાર નંબર નું સાવચેતી સુચક સિગ્નનલ લગાવી દેવાયું છે. અને આગામી 14 અથવા 15 તારીખ સુધી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવા મા આવનાર છે. આમ જામનગર જિલ્લાનું તંત્ર સંપૂર્ણ સજ્જ હોવા નું તેઓ ઉમેર્યું હતું.
વાવાઝોડાની અસરને લઈને 72 નાના મોટા હોર્ડિંગ ઉતારાયા
જામનગર શહેરમાં સંભવિત વાવાઝોડાના પગલે ખાના ખરાબી ન થાય તેની તકેદારીના ભાગરૂપે શહેરમાં લગાવાયેલા નાના-મોટા 72 જેટલા હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવ્યા છે, ઉપરાંત વીજ પોલ પર લગાવાયેલા 320 કીઓસ્ક બોર્ડ પણ ઉતારી લીધા છે.
જામનગર શહેરમાં મહાનગરપાલિકાની જગ્યામાં અથવા તો ખાનગી જગ્યામાં જાહેરાતના નાના મોટા હોર્ડીંગ્સ લગાવાયા હોય, તેવા 72 જાહેરાતના બોર્ડ ના માલિકો- સંચાલકો વગેરેને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, અને તાત્કાલિક અસરથી તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે.સાથો સાથ એસ્ટેટ શાખાની ટુકડીએ આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘૂમીવળી ને વીજ પોલ પર લગાવાયેલા 320 કિઓસ્ક બોર્ડને સલામતીના ભાગરૂપે ઉતારી લેવામાં આવ્યા છે, અને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.
તોફાની પવન અને ઝાડ પડવાના કારણે 8 ફીડર બંધ થયા
જામનગર શહેરમાં શનિવારે મોડી સાંજે પડેલા વરસાદી ઝાપટાં અને મીની વાવાઝોડા રૂપી પવન ને લીધે અનેક ઝાડ પડવાના કારણે આઠથી વધુ ફીડરો બંધ થયા હતા અને 20,000 વીજ જોડાણમાં અંધારપટ છવાયો હતો. સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન ની પંદર થી વધુ કર્મચારીઓની ટુકડીએ રાત્રી ભર સમારકામ હાથ ધરીને તમામ ફીડર મોડી રાત સુધીમાં ચાલુ કરી આપ્યા હતા.
જામનગર શહેરમાં બીપોરજોય વાવાઝોડા ની અસર ના કારણે જામનગર માં 60 કી.મી.થી વધુની ઝડપી પવન ફૂકાયો હતો. જેમાં વિજ તંત્ર ના ઘણા બધા વીજ પોલ તથા વીજ વાયરો ને નુકશાન થયું હતું. સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ દ્વારા માહિતી મળ્યાના આધારે તેમના કાર્યક્ષેત્ર માં જ કુલ11 કેવી 15 ફીડરો અને તેની સાથે જોડાયેલા કુલ 33,500 આસપાસ વિજ ગ્રાહકો આવેલા છે,
જેમાંથી ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં અથવા મોટા મોટા ડાળખાઓ વિજ લાઈન ઉપર પડતાં વીજ વાયરો તૂટવાના બનાવો સામે આવ્યા હતા. અને જેના કારણે સેન્ટ્રલ ઝોન માં જ કુલ 8 જેટલા ફીડર બંધ થઈ ગયા હતા, અને અંદાજે 20,000 જેટલા વીજ જોડાણો માં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં વાલકેશ્વરી ફીડર, સનસાઈન ફીડર, બેડીગેટ ફીડર, કેવી રોડ ફીડર, દરબારગઢ ફીડર, નવાગામ ફીડર, તીનબત્તી ફીડર, માંડવી ટાવર ફીડર વગેરેનો પાવર સપ્લાય બંધ થયો હતો.
શિક્ષણ સમિતિની શાળાઓમાં ત્રણ દિવસ માટે રજા જાહેર
જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના પગલે શિક્ષણ વિભાગ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની જામનગર શહેરમાં આવેલી તમામ શાળાઓમાં આવતીકાલ તારીખ 12.6.2023 થી આગામી 14.6.2023 સુધી ત્રણ દિવસ માટેની રજા જાહેર કરવામાં આવી છે, અને વાલીઓએ આ ત્રણ દિવસ દરમિયાન બાળકોને શાળામાં નહીં આવવા માટેની સૂચના અપાઇ છે. આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે એક દિવસ માટેની રજા જાહેર કરવામાં આવી છે. જોકે શાળાના શિક્ષક ગણે તેમજ અન્ય સ્ટાફે શાળામાં હાજર રહેવા માટેના આદેશો કરાયા છે. માત્ર વિદ્યાર્થીઓ માટેનું શિક્ષણ કાર્ય બંધ રખાયું છે.
યાર્ડમાં આવક સદંતર બંધ રખાઇ
જામનગર જિલ્લામાં આગામી સંભવિત વાવાઝોડાની આગમ ચેતીના ભાગરૂપે જામનગરના હાપા યાર્ડ ઉપરાંત લાલપુર, જામજોધપુર, ધ્રોળ અને કાલાવડ ના માર્કેટીંગ યાર્ડ માં પણ તમામ પ્રકારની હરાજી ની પ્રક્રિયાઓ બંધ રાખવામાં આવી છે, ઉપરાંત ખેડૂતોએ પોતાની જણસ માર્કેટિંગ યાર્ડમાં નહીં લાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી હિતેશ પટેલ ના જણાવાયા અનુસાર આવતીકાલ રવિવાર તારીખ 11.6.2023 ના બપોરના પાંચ વાગ્યાથી તમામ જણસીઓની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ કરવામાં આવી છે.
વાવાઝોડું અને વરસાદની આગાહી ના અનુસંધાને તમામ જણસોની આવક બંધનો નિર્ણય લેવામાં આવેલો છે. જ્યારે જે જણસીઓની આવક ચાલુ કરવાની થશે, ત્યારે ખેડૂતો ને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. સોમવારે હરાજી પૂરી થયા બાદમાર્કેટિંગ યાર્ડના તમામ પ્લેટફોર્મ ઉપરથી તમામ જણસીઓ પેન્ડિંગ અથવા ખરીદ કરેલી હોય તેઓએ સાવચેતીના ભાગરૂપે ત્યાંથી ઉપાડી લેવાની રહેશે.