ગોંડલ રોડ પર ચોકડી નજીક આજરોજ બપોરે બાઇક ચાલકે ઠોકરે ચડાવતા સાયકલ સવારનું ગંભીર રીતે ઘવાતા મોત નિપજ્યું હતું. પટ્ટાવાળાની નોકરી કરતા વૃદ્વ શાળાએથી છૂટ્ટીને ઘરે જતા હતા ત્યારે અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
પટ્ટાવાળાની નોકરી કરતા વૃદ્વ સ્કૂલેથી છૂટ્ટી ઘરે જતા હતા ત્યારે સર્જાઇ કરૂણાંતિકા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલી રિધ્ધિ-સિધ્ધી સોસાયટી શેરી નં.3માં રહેતા ગોપાલભાઇ કાનજીભાઇ મહેતા નામના 64 વર્ષના વૃદ્વને ગોંડલ ચોકડી અને હુડકો ચોકડી વચ્ચેના રસ્તા પર બાઇકે ઠોકરે લેતા ગંભીર રીતે ઘવાતા તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ગોપાલભાઇ મહેતાને સંતાનમાં બે પુત્ર છે અને પોતે બે ભાઇ, ચાર બહેનમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ પ્રાપ્ત વિગત મુજબ મૃતક વૃદ્વ 15 દિવસ પહેલા નજીકની શાળાએ પટ્ટાવાળા તરીકે નોકરીએ રહ્યા હતાં. જ્યાંથી શાળાએથી છૂટ્ટીને સાયકલ પર ઘરે આવતા હતા ત્યારે ગોપાલભાઇને કાળ ભેટ્યો હોવાનું જાણવા મળ્યું છે.