ગાંધીજીના વિચારો-સંદેશાઓના પ્રચાર્રો નિકળેલી સુરક્ષા દળોની સાઈકલ યાત્રાનું મનપા દ્વારા સ્વાગત-સન્માન
ગાંધી મ્યુઝિયમ ખાતે દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે તેમના સિદ્ધાંતો અને સંદેશાઓના પ્રસાર અર્થે વિવિધ સુરક્ષા દળોની પોરબંદર-દિલ્હી સુધીની સાઈકલ યાત્રાનું વિશ્વ વિખ્યાત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે સ્વાગત અને સન્માન તેમજ દેશભક્તિના ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું દીપ પ્રાગટ્ય રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે થયુ હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર તેમજ સુરક્ષા દળના કમાન્ડન્ટ આલોક ભૂષણ, આર. સી. બીસરીયા, એ.કે. તિવારી અને અજય પ્રતાપસિંહ તેમજ ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા અને ચેતન નંદાણી, એ.એમ.સી. એચ.આર.પટેલ તેમજ વિવિધ સુરક્ષા દળોના ૭૦૦ જેટલા જવાનો અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે આ પ્રસંગે એમ જણાવ્યું હતું કે, આપણા સૌનું એ સદભાગ્ય છે કે, પૂ. ગાંધી બાપુએ ભારતમાં જન્મ લીધો ને તેમણે સત્ય અને અહિંસાના મંત્ર અને સૂત્ર સાથે જગાવેલ વિરાટ આંદોલનથી ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. આ વૈશ્વિક મહામાનવ બાદ, આઝાદીના ૭૦ વર્ષ પછી આપણને એવા પ્રધાનમંત્રી મળ્યા છે કે જેમનો અવાજ પણ માત્ર ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં પડઘાય છે. પૂ. ગાંધી બાપુ અને સરદાર પટેલની જોડી પછી છેક ૭૦ વર્ષ પછી આપણા દેશને એક એવી જોડી મળી છે જે દેશને આઝાદી પછીની આબાદી અને પ્રગતિ તરફ લઇ જાય. આ અવસરે મેયર બિનાબેન આચાર્યએ તેમના વક્તવ્યમાં ઉપસ્થિત સુરક્ષા દળોના જવાનોને સમગ્ર રાજકોટ વતી આવકારતા એમ જણાવ્યું હતું કે, જેમના સિદ્ધાંતોનો સંદેશ લઈને પોરબંદરથી દિલ્હી સુધીની જે સાઈકલ યાત્રા યોજાઈ છે તે પો.. ગાંધી બાપુ આપ સૌ જ્યાં બેઠા છો એ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતાં. આજે આ સ્કૂલ એક આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમમાં પરિવર્તિત થઇ ચુકી છે. આ સાઈકલ યાત્રાના માધ્યમથી સમગ્ર દેશમાં પૂ. ગાંધી બાપુના સિદ્ધાંતો સત્ય, અહિંસા અને સ્વચ્છતાનો સંદેશ તમામ દેશવાસી સુધી પહોંચશે એવી મને શ્રધ્ધા છે.
પૂ.મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ સુરક્ષા દળો બીએસએફ, સીઆરએફ, એસએસપી, આસામ રાઈફલ, એનએસજી તા એસપીજીના કુલ ૭૦૦ અધિકારીઓ-જવાનો દ્વારા સ્વચ્છતા, અહિંસા અને નશાબંધીના સંદેશાઓના પ્રસાર અર્થે પોરબંદરથી દિલ્હી સુધી સાઈકલ યાત્રાનુ આયોજન કરવા આવેલ જેનું પોરબંદર ખાતે પૂ.મહાત્મા મંદિરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રસ્થાન કરાવેલ. આ સાઈકલ યાત્રા રાજકોટ પહોંચી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યાત્રાનુ પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે સ્વાગત સન્માન સાથે દેશભક્તિના કાર્યક્રમનું પણ આયોજન કરાયુ હતું. બી.એસ.એફ. કમાન્ડન્ટ એ.કે. તિવારીએ પ્રાસંગિક ઉદબોધનમાં એમ જણાવ્યું હતું કે, પૂ. ગાંધી બાપુએ જ્યાં શિક્ષણ લીધું એ ભૂમિને તેમજ સુરક્ષા દળોના ૭૦૦ જેટલા જવાનોનું જ્યાં સ્વાગત સન્માન થઇ રહયું છે તે રાજકોટ શહેર તથા રાજકોટ મહાનગરપાલિકાને વંદન કરૂ છું. આજે સુરક્ષા દળોના જવાનોને કારણે દેશની તમામ સીમા સુરક્ષિત છે. ગઈકાલે તા.૭ના રોજ અમો પૂ. ગાંધી બાપુની જન્મ ભૂમિ પોરબંદરથી નીકળ્યા છીએ અને રાજસ્થાન અને હરિયાણા થઈને તા.૨-ઓક્ટોબરના રોજ ૧૭૦૦ કિલોમીટરની યાત્રા પુરી કરી નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે પહોંચીશું. રાજકોટ મહાનગરપાલિકાના મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર સાઈકલ યાત્રામાં સામેલ ૭૦૦ જેટલા જવાનોના અધિકારીઓને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સુરક્ષા દળોનું સ્વાગત સન્માન કર્યું હતું. ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા અને ચેતન નંદાણીએ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક વડે સ્વાગત કર્યું હતું. તેમજ ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને શાસક પક્ષના દંડક અજયભાઈ પરમારે મંચ પર બિરાજમાન સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ બાદ વિખ્યાત સિંગર બંકિમ પાઠકના સ્વર અને સંગીતકાર પંકજ ભટ્ટના સંગીતના સૂરોના સથવારે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ ઉપસ્થિત જવાનોએ માન્યો હતો.
અમે દેશવાસીઓને સ્વચ્છતા અને નશા મુકિતનો સંદેશ પાઠવીએ છીએ: વિકાસ કુમાર
વિકાસ કુમારએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરથી ગાંધીજીની સમાધી દિલ્હી રાજઘાટ સુધીની સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેરામીલીટરી ફોર્સ, બીએસએફ, એનએસજી, સીઆઇએસએફ, એસએસઆર વગેરે ફોર્સના પ૦૦ જેટલા આર્મીમેન સામેલ થયા છે. અમે ભારતવાસીઓને સ્વચ્છતા અને નશામુકિતની સંદેશ પાઠવીએ છીએ. દેશને સ્વચ્છ અને નશામુકત બનાવવાની વાત છે. આ રેલી ૧૭૦૦ કીલોમીટર લાંબી છે. ર ઓકટોબર પહેલા રાજઘાટ પહોચવાના છીએ. ગુજરાતનો દીલથી આભાર માનું છું અહિંના લોકોની વ્યવસ્થા ખુબ સારી છે અહિંના લોકો દયાળુ પણ છે હું ગુજરાત પહેલીવાર આવ્યો છું અહીંના લોકો ખુબ સારા છે.
રાજકોટે દરેક જવાનોને આવકાર્યા છે: મેયર બીનાબેન આચાર્ય
મેયર બીનાબેન આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે મહાત્મા ગાંધીના પોરબંદરથી રાજકોટ અને રાજકોટથી દિલ્હી સુધીની દરેક ફોર્સના જવાનો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીજીના સિઘ્ધાંતો આદર્શો વિચારીને લઇ ને રેલી નીકળેલ છે. રાજકોટે દરેક જવાનોને આવકાર્યા છે. દરેક જવાનો મહાત્મા ગાંધી મ્યુઝીયમ બતાવી રાતે દેશ ભકિતના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે. તે લોકોનું હું રાજકોટ ખાતે સ્વાગત કરું છું.