શાળાના ૨૦૦ થી વધુ વિર્દ્યાથીઓ ઉત્સાહભેર જોડાયા
‘દે દી હમેં આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’ આ ઉક્તિ જેમના માટે લખાયેલી છે. તેવા સાબરમતીના સંત મહાત્મા ગાંધીની ૧૫૦ જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશભરમાં મહાત્મા ગાંધીજીને લોકો યાદ કરી રહ્યા છે ત્યારે રાજકોટની મોદી સ્કુલ દ્વારા અનોખી રીતે ગાંધી જયંતીની ઉજવણી કરાઈ હતી.
મોદી સ્કુલ દ્વારા ગાંધી જયંતી નિમિતે સ્વચ્છ ભારત – પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્રદુષણમુક્ત ભારતના નારા સાથે શાળાના વિદ્યાર્થીઓની સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઇકલ રેલીમાં શાળાના આશરે ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ગાંધીજીના મૂલ્યોને યાદ કર્યા હતા તેમજ લોકો ભારતને વધુ સ્વચ્છ અને સુદ્રઢ બનાવે તેવી અપીલ કરી હતી. જાણ જાગૃતિના ભાગરૂપે યોજાયેલી રેલીની શરૂઆત મોદી સ્કુલ ખાતેથી કરવામાં આવી હતી જે અંડરબ્રિજ, કેકેવી હોલ, નાના મૌવા સર્કલ જેવા રાજમાર્ગો પર ફરી હતી. આ તકે રાજકોટ મનપાના ડેપ્યુટી કમીશ્નર કેતન ગણાત્રા, ગુજરાત સ્કાઉટ ગાઈડના કમીશ્નર બી. કે.સિદપરા, એનસીસી ના મિલીટ્રી મેનો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉપરાંત શાળાના એનસીસી કેડેટ્સ, સ્કાઉટ ગાઈડ કેડેટ્સ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઉપરાંત મોદી સ્કુલ દ્વારા ગાંધી જયંતિ નિમિતે સતત ૧૮મી વાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ કર્મચારીઓ દ્વારા રક્તદાનએ મહાદાનની ઉક્તિ સાથે હોંશે હોંશે નૈતિક જવાબદારી સમજી રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં શાળા સંચાલકો, પ્રિન્સિપલ, પ્રાધ્યાપકો સહિત તમામ કર્મચારીઓ જોડાયા હતા.
વિદ્યાર્થીઓએ સાઈકલ રેલી મારફતે સમાજને ખુબ સુંદર મેસેજ આપ્યો: બી.કે. સીદપરા
આ તકે બી.કે. સીદપરા (કમીશ્નર – સ્કાઉટ ગાઈડ્સ – ગુજરાત)એ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે ફાજત તેમને યાદ નહીં પરંતુ તેમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ તેવું કાર્ય કરીએ અને ખરા અર્થમાં આજે મોદી સ્કુલ દ્વારા એવું કાર્ય કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સાઇકલ રેલીના માધ્યમથી સમાજને ખૂબ સારો સંદેશ આપ્યો છે તેમજ રક્તદાન કેમ્પના માધ્યમથી સાચા અર્થમાં તેમને સમાજ સેવાનું કાર્ય કર્યું છે જે બદલ હું મોદી સ્કુલને શુભેચ્છાઓ પાઠવું છું.
લોકોમાં સાઈકલનો ઉપયોગ વધારવા રેલી યોજાઈ: નિલેશ સેંજલીયા
આ તકે નિલેશ સેંજલિયા – પ્રિન્સિપાલ (મોદી સ્કુલ) ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આધુનિક ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, ટેકનોલોજી ખૂબ ફાયદાકારક છે પરંતુ સિક્કાની બે બાજુની જેમ ફાયદાની સામે નુકસાની પણ છે. સમગ્ર ભારત દેશમાં હાલ વાહનોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે જેના કારણે પ્રદુષણમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જે બાબતે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદેશ્ય સાથે આજે મોદી સ્કુલ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો સાઇકલનો ઉપયોગ વધુ કરે અને પ્રદુષણ ઘટાડવામાં મદદરૂપ બને તેવી અપીલ મોદી સ્કુલ ના બાળકો દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત ભારત સહિત સમગ્ર વિશ્વ માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક માથાના દુખસ્વરૂપ બની ગયું છે તો લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે તેમજ ભારત સરકાર સ્વચ્છ ભારત માટે નવતર પ્રયોગો હાથ ધરી રહી છે તો દેશવાસીઓ તેમાં મદદરૂપ થાય તેવી અપીલ પણ મોદી સ્કુલ દ્વારા સાઇકલ રેલીના માધ્યમથી કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે આજે ગાંધી જયંતિ નિમિતે શાળા દ્વારા સતત ૧૮મી વાર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, મોદી સ્કુલની શૈલીમાં જો વાત કરવામાં આવે તો આ રક્તદાન નહીં પરંતુ જીવનદાન છે. અને આ કાર્યમાં શાળા ના તમામ કર્મચારીઓ એ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે જે બદલ હું સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.