- લલચામણા પ્રલોભનો અને બેદરકારીથી સાયબર ક્રાઈમમાં સતત વધારો; ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલ
આપણે સોશિયલ મીડિયા પર જે માહિતી શેર કરીએ છીએ, કે કમ્પ્યુટર અથવા મોબાઈલ ડિવાઇસમાં જે માહિતી સ્ટોર કરીએ છીએ, તે કેટલી સલામત છે ? બદલાતા ટેક્નોલોજીના સમયમાં આ પ્રશ્ન અનુત્તર છે, ત્યારે સલામતીની દ્રષ્ટિએ આપણે સતત સાવચેત અને અપડેટ થવું જરૂરી છે. રોજબરોજ સાયબર ક્રાઇમ સંબંધી ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર પણ લોકોને સુરક્ષિત રાખવા અને તેઓને થયેલ નુકશાન ભરપાઈ કરવા શક્ય તમામ પ્રયત્ન હાથ કરવા કટિબદ્ધ છે.
આધુનિક ટેક્નોલોજીના સહારે સાયબર ફ્રોડ ડિટેકશન અને રીસર્ચ માટે રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ અદ્યતન ‘સાયબર સેન્ટીનલ લેબ’ ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગત જાન્યુઆરી માસમાં ખુલ્લી મુકવામાં આવી હતી. ગુજરાતની આ પ્રથમ લેબ પોલીસ વિભાગ અને લોકભાગીદારી થકી કાર્યરત છે, જેમાં સાયબર એક્સપર્ટની ટીમ ઉપરાંત, પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મદદરૂપ બની રહ્યા છે.
લેબ થકી સાયબર ગુનાનો ભેદ ઉકેલવામાં સરળતા વધી હોવાનું એ.સી.પી. ચિંતન પટેલે જણાવી કહ્યું હતું કે, સાયબર ફ્રોડ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક સોશિયલ મીડિયા અને બીજો ફાયનાન્શિયલ નુકશાનકર્તા. આ લેબ થકી આજ સુધીમાં 27 જેટલા કેસમાં આરોપીના લોકેશન, પ્રોફાઈલ સહિતના ઇન્વેસ્ટિગેશનમાં સફળતા મળી છે. જેમાં હાલમાં પાયલ મેટરનિટી હોસ્પિટલ કેસમાં સંકળાયેલા આરોપીના લોકેશન મેળવવામાં તેમજ રાજકોટ પત્રિકા કાંડમાં આરોપી શોધવામાં સોફ્ટવેરની મદદ લેવામાં આવી હોવાનું એ.સી.પી. પટેલ જણાવે છે.
રાજકોટ ખાતે લોક ભાગીદારીથી આશરે પાંચ કરોડના ખર્ચે નિર્મિત લેબનું ’રાજકોટ સીટી સાયબર સિક્યુરિટી સોસાયટી’ નામનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર, રાજકોટ શહેર જોઈન્ટ પોલીસ કમિશનર, રાજકોટ ડી.સી.પી. ક્રાઈમ તેમજ રાજકોટ શહેર એ.સી.પી. સાયબર ક્રાઈમ અને અન્ય શ્રેષ્ઠીઓઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાયબર ક્રાઇમ વિભાગના ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં લેબના તજજ્ઞની મદદથી સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડી પાડવામાં વિભાગ સતત સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે.
લેબમાં ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ બનતા વિવિધ સોફ્ટવેર
લેબ ઇન્ચાર્જ પી.આઈ. શ્રી નિમાવત લેબની વિશેષતા જણાવતાં કહે છે કે, અહીં લેબમાં મુખ્ય ત્રણ વિભાગ છે. જેમાં એક ટ્રેનિંગ સેન્ટર, બીજું ઇન્વેસ્ટીગેશન સેન્ટર કે જ્યાં સાયબર ફ્રોડ અંતર્ગત જરૂરી કામગીરી કરવામાં આવે છે. જયારે ત્રીજો વિભાગ કે જેમાં રિસર્ચ કરવામાં આવે છે. લેબમાં ઉપલબ્ધ સોફ્ટવેર અંગે માહિતી આપતાં તેઓ જણાવે છે કે, ડીવાઈસમાંથી ડેટા રીકવરી અર્થે સાયબર લેબ ખાતે લાઇસન્સ ધરાવતા યુફેડ, રીવર્સ એન્જીનીયરીંગ, મેલ એક્ઝામિનર, એમ્પેડ જેવા આઠ જેટલા આધુનિક સોફ્ટવેર કાર્યરત છે. જે જરૂર પડ્યે મોબાઈલની ઇમેજ બનાવી જરૂરી ડેટા કાઢી આપે છે, ક્લાઉડ ડેટા સ્ટોરેજ એક્સટ્રેક્ટર થકી ઓનલાઇન ડેટા મેળવી શકાય છે. મોબાઈલ કે સી.સી.ટી.વી. ઇમેજ કે ફુટેજનું ક્લિનીંગ કરી શકે છે. આ ઉપરાંત, વેબ સાઈટ બગ શોધવા, એપલ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત ડીવાઈસના ડેટા એક્સટ્રેક્ટ કરવા માટે પણ આ સોફ્ટવેર ઉપલબ્ધ છે. આ કામગીરીમાં ત્રણ સાયબર સિક્યોરિટી એક્સપર્ટસ, વાયરલેસ પી.આઈ., પી.એસ.આઈ. સહીત 10 પોલીસનો સ્ટાફ કાર્યરત છે.
સાયબર ફ્રોડથી બચવા લોકોએ જાગૃત બનવું જરૂરી: એ.સી.પી. પટેલ
લોભામણા પ્રલોભનો અને બેદરકારીથી સાયબર ક્રાઇમમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવું, ત્યાર બાદ તેમને બ્લેકમેલ કરવા જેવા ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે ફાયનાન્સિયલ ફ્રોડમાં ઓનલાઇન પૈસા મેળવી લેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. સાયબર ફ્રોડથી બચવા ટિપ્સ આપતા એ.સી.પી. શ્રી પટેલ જણાવે છે કે, સાયબર ફ્રોડથી બચવા લોકોએ જાગૃત બનવું પડશે. વોટ્સએપ, ટેલિગ્રામ સહિતના ઓનલાઇન કોલ શંકાસ્પદ લાગે ત્યારે આવા કોલ પર જવાબ આપવાનું ટાળવું. હંમેશા સાદા કોલ પર જ વાત કરવી. આજકાલ સૌથી વધુ ફોન શેર બજારમાં બમણી આવક, ઓનલાઇન ટાસ્ક, રેટિંગ આપવા જેવી લોભામણી જાહેર ખબર અને સ્કીમ વગેરેના આવતા હોય છે. આવા કોલ વખતે કોઈ જાણીતી વ્યક્તિનો રેફરન્સ હોય તો જ કોલ અટેન્ડ કરવો, શક્ય હોય તો ફિઝિકલ વેરિફિકેશન બાદ જ તેમાં વિશ્વાસ કરવો. ખાસ કરીને ઈ-મેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા તેમજ શક્ય હોય ત્યાં સુધી ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓપ્શન રાખવો. ક્રેડિટ કાર્ડ સંબંધી માહિતી ક્યારેય ઓનલાઇન શેર ન કરવી. સોશિયલ મીડિયા પર અંગત વાત શેર ના કરવી.