- ઓટોપાર્ટ્સના ધંધાર્થીને 97 લાખનો ચૂનો ચોપડવા મામલે
- ડિજિટલ ઠગાઈના માસ્ટર માઈન્ડને શોધી કાઢવા ચક્રો ગતિમાન
શહેરના એરપોર્ટ રોડ પર રહેતાં અને નવાગામમાં મારૂતિ કંપનીના ઓટો પાર્ટસનું વેરહાઉસ ચલાવતા વેપારીએ ઈન્સ્ટાગ્રામમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટની રીલ જોયાં બાદ રૂપીયા કમાવવાની લાલચે રૂ.97 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે બાદ સાયબર ક્રાઈમની ટીમે ગણતરીની કલાકોમાં છેતરપીંડીના ગુનામાં ભાવનગર અને અમરેલીથી ચાર એકાઉન્ટ હોલ્ડરોને ઉપાડી લઈ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા કવાયત આદરી હતી.
બનાવ પર એક નજર કરવામાં આવે તો એરપોર્ટ રોડ પર પેટ્રીયા હોટલ સામે રહેતાં કૂણાલભાઇ જંતીભાઈ ચાદ્રા(ઉ.વ.40)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અલગ અલગ બેંક એકાઉન્ટ ધરાવતા ત્રણ બેંક એકાઉન્ટ ધારકનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગત તા.27 નવેમ્બરના પોતે પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતેની રિલ્સ જોઇ રહ્યા હતા ત્યારે એક ઇવેન્ટ કંપનીની જાહેરાત જોઇ હતી. તેમાં આપેલી લીંક પર ક્લીક કરતાં તેની વેબસાઇટ ખુલી ગઇ હતી. ત્યારબાદ એક નંબર પરથી કૃણાલ ચાંદ્રાને ફોન આવ્યો હતો અને ફોન કરનારે ઉપરોક્ત વેબસાઇટમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેતા કૃણાલ ચાંદ્રાએ રૂ.20 હજારથી શરૂઆત કરી હતી, ત્યાર પછી ટિપ્સ આપી વધુ રોકાણ કરવાથી સારો પ્રોફિટ થશે તેમ જણાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ કૃણાલ ચાંદ્રાએ વેબસાઇટના સર્વિસ ઓપ્શનમાં ક્લીક કરતા એક લીંક ખુલી હતી જેમાં એક મોબાઇલ નંબર હતો. તેમાં રૂપિયા ડિપોઝિટ કરવા માટેના વ્હોટસએપ મેસેજથી બેંકની માહિતી આપવામાં આવતી હતી, જે એકાઉન્ટમાં કૃણાલ ચાંદ્રા ઓનલાઇન આરટીજીએસના માધ્યમથી રકમ જમા કરાવતા હતા. થોડા ટ્રેડિંગ બાદ કૃણાલ ચાંદ્રાને તેના વેબસાઇટ પરના એકાઉન્ટમાં સારો નફો દર્શાવતા હતા, કૃણાલભાઇએ પ્રથમ વખત રૂ.3 હજાર વિડ્રો કરતા તે રકમ તે મેળવી શક્યા હતા. જેથી તેને વિશ્વાસ બેઠો હતો જેથી તેમણે મોટી રકમનું રોકાણ શરૂ કર્યુ હતું અને ત્યારબાદ તેમણે રકમ વિડ્રો કરવાની કોશિશ કરી તો અલગ અલગ ચાર્જના નામે તેમની પાસે પૈસા જમા કરાવ્યા હતા અને કુલ રૂ.96,96,740 જમા કરાવવા છતાં તેમને રકમ પરત મળી નહોતી. પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનું સ્પષ્ટ થતાં અંતે પોલીસનું શરણું લીધું હતું, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપક પંડિતે કૃણાલ ચાંદ્રાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. પીઆઇ બી બી જાડેજાએ વિશેષ તપાસ શરૂ કરી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી કાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી સી.એમ.પટેલ દ્વારા શહેરના નાગરીકો સાથે થયેલ સાયબર ફ્રોડના બનાવમાં આરોપીઓને પકડી પાડવાની સુચનાથી સાયબર ક્રાઈમ પીઆઈ જે.એમ કૈલા, બી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ સોર્સથી તપાસ કરી આરોપી રાજુ ઉર્ફે મેમરી વજુ સોલંકી (ઉ.વ.39),( રહે. લક્ષ્મી બેકરીની સામે, દિપક ચોકની આગળ, મફતનગર, ભીમનગર, ભાવનગર), યુવરાજસિંહ મહેશ મોરી (ઉ.વ.25),( રહે. પ્લોટ નંબર 13/14-ઇ, ઘોઘા જકાત નાકા, ભાવનગર) અને કિશોર ઉર્ફે ક્રિશ કાબા ઉલ્વા (ઉ.વ.29, રહે- પ્લોટ નંબર 84, ગાયત્રી પાર્ક સોસાયટી, પાંજરાપોર પાસે, સિહોર) તેમજ વિજય વજુ ધનવાણીયા (ઉ.વ.34, રહે- રામાપીર મંદીરની પાસે, લાઠી રોડ, પીપળવા, લાઠી) ને પકડી પાડી તપાસ આદરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિજય ધનવણીયાને ટેલીગ્રામના એક ગ્રૂપ મારફત બેંક એકાઉન્ટ ભાડે શોધી આપી કમિશનથી રૂપીયા કમાવવાની લાલચ મળી હતી. જેથી વિજયે તેના મિત્ર રાજુ ઉર્ફે મેમરીનો સંપર્ક કર્યો હતો. જે બાદ રાજુએ યુવરાજસિંહ અને કિશોરનો સંપર્ક કરી બંનેના નામે બોગસ શ્રી રામ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલી નાંખી હતી અને જીએસટી નંબર પણ મેળવી લીધાં હતાં.જે બાદ તે પેઢીના નામે અલગ અલગ બેંકમાં પાંચેક એકાઉન્ટ ખોલી નાંખી તે એકાઉન્ટની વિગત વિજયને આપતાં ખેલ શરૂ થયો હતો. રાજકોટના વેપારી સાથે થયેલ રૂ.97 લાખના ફ્રોડથી રૂ.28 લાખ પેઢીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાં હતાં. ઉપરાંત બોગસ પેઢીના એકાઉન્ટમાં રૂ.1 કરોડથી વધુના ટ્રાન્ઝેકસન પણ મળ્યાં હતાં. સાયબર ક્રાઈમની ટીમે ચારેય આરોપીના રીમાન્ડ મેળવી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તજવીજ આદરી હતી..
વિજય ધનવાણીયા જ મુખ્ય સૂત્રધાર? દસેક બેંક એકાઉન્ટ મળી આવ્યા
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ લાઠીના પીપળવાના વતની વિજય વજુભાઈ ધનવાણીયા ટેલીગ્રામના એક ગ્રૂપ મારફત બેંક એકાઉન્ટ ભાડે શોધી આપી કમિશનથી રૂપીયા કમાવવાની લાલચ મળી હતી. જેથી વિજયે તેના મિત્ર રાજુ ઉર્ફે મેમરીનો સંપર્ક કર્યો હતો. જે બાદ રાજુએ યુવરાજસિંહ અને કિશોરનો સંપર્ક કરી બંનેના નામે બોગસ શ્રી રામ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલી નાંખી હતી અને જીએસટી નંબર પણ મેળવી લીધાં હતાં. જે બાદ તે પેઢીના નામે અલગ અલગ બેંકમાં પાંચેક એકાઉન્ટ ખોલી નાંખી તે એકાઉન્ટની વિગત વિજયને આપતાં ખેલ શરૂ થયો હતો. વિજય પાસેથી દસેક એકાઉન્ટ મળી આવ્યાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.