ઓએલએકસપર જાહેરાત મુકનાર સામે કેસ દાખલ કરાયો
કોરોના વાયરસનાં કારણે સમગ્ર વિશ્ર્વ આખુ ચિંતાતુર બન્યું છે ત્યારે તેની સાથોસાથ સાયબર ક્રાઈમમાં પણ અનેકગણો વધારો જોવા મળ્યો છે. કોરોનાનાં પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વેચવા માટેની જાહેરાત ઓએલએકસ પર મુકવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પૂર્વે આ પ્રકારની ઘટના ફેક જાહેરાત તાજમહેલ માટે પણ કરવામાં આવી હતી. ઓએલએકસની વેબસાઈટ ઉપર અજાણી વ્યકિતએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ૩૦ હજાર કરોડ રૂપિયામાં વેચવા માટેની જાહેરાત મુકવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેના વિરુઘ્ધ આઈપીસી, એપીડેમિક ડીસીસ એકટ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્ર્વ જયારે ચિંતાતુર બન્યું છે ત્યારે સાયબર ક્રાઈમ કરનાર લોકોની સંખ્યામાં અનેકગણો વધારો નોંધાયો છે.
આવું જ કંઈક એક અજાણ્યા શખ્સે દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યુ- ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે કર્યું હતું અને તેને ગ્લોબલ ઓનલાઈન માર્કેટપ્લેસ ઓએલએકસ પર ૩૦ હજાર કરોડમાં વેચાણ માટે મૂકી દીધું હતું. જો કે, તેના વેચાણનો સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ વેબસાઈટ દ્વારા તે પોસ્ટ ડિલિટ કરી દેવાઈ હતી. ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફોટો એક લખાણ સાથે વાયરલ થયો. જેમાં લખ્યું હતું કે, ઈમરજન્સી! હોસ્પિટલ અને હેલ્થકેરના સાધનો માટે રૂપિયાની તાત્કાલિક જરૂર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને વેચવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓએ શનિવારે નર્મદા જિલ્લાના કેવડીયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ માટે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અજાણ્યો શખ્સ ઈરાદાપૂર્વક એસઓયુને ઓનલાઈન પર વેચાણ માટે મૂકીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરીને સરકારી સંપત્તિને વેચવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સ સામે અમે ફરિયાદ નોંધાવી છે, તેમ એસઓયુના ડેપ્યુટી સીઈઓ નિલેશ કુમાર દુબેએ જણાવ્યું. કેવડિયા પોલીસ સ્ટેશનના પી.ટી. ચૌધરીએ જણાવ્યું કે, અમારી પાસે જજ્ઞઞને ઓનલાઈન વેચવાના પ્રયાસના સ્ક્રીનશોટ છે. જે પણ વ્યક્તિએ આ કરતૂત કરી છે, તેને અમે ઝડપી પાડીશું. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારથી જ તે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કોરોના વાયરસના કારણે મુલાકાતીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પૂરતું બંધ કરાયું છે.