- એક મહિનામાં સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.13 કરોડ પરત કરવામાં આવ્યા: ‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ એક મહિનામાં રાજ્યભરમાં 663 કાર્યક્રમો યોજીને રૂા.20.47 કરોડનો મુદ્ામાલ મૂળ માલિકને પરત કરાયા: ડીજીપી
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. ભાવનગર ખાતે રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદના પોલીસ કમિશનરઓ અને રાજ્યના નવ રેન્જ આઈ.જી. સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. રાજ્યના પોલીસ વડા દ્વારા ત્રણ નવા કાયદાના અમલીકરણની સમીક્ષા કરી ભવિષ્યના રોડ મેપ સાથે પરિણામલક્ષી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવાય, નાગરિકોને સલામતી અને સુરક્ષાની પ્રતિતી થાય તે માટે પોલીસ દ્વારા વિવિધ કોમ્યુનિટી આઉટરિચ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યા છે. ‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં જાન્યુઆરી માસમાં 663 કાર્યક્રમો યોજીને રૂા.20.47 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે.
રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો, આઉટ પોસ્ટ, ચોકીઓના પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં સ્થાનિક પ્રશ્ર્નો ઉકેલવામાં આવે છે. એક મહિનામાં રાજ્યમાં 1303 કાર્યક્રમો યોજી તેમાં મળેલા સ્થાનિક મુદ્દાઓ પર ભવિષ્યની કામગીરીને સુદ્રઢ બનાવવાનું મંથન કરાયું હતું. તે ઉપરાંત વ્યાજખોરો સામે 86 ગુનાઓ દાખલ કરીને 82 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા 39 લોન મેળા યોજવામાં આવ્યા છે. જેના પરિણામે વ્યાજખોરીનું દૂષણ ઘટ્યું છે.
સાયબર ફ્રોડ-સાયબર ક્રાઈમ પર મંથન કરીને પરિણામલક્ષી કામગીરી થઈ શકે તે માટેની ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, જાન્યુઆરી માસમાં સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.13 કરોડ તેમને પરત કરવામાં આવ્યા છે.
પોલીસ સ્ટેશનની કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાંના ભાગરૂપે પોલીસ અધિક્ષકઓ દ્વારા તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં વાર્ષિક તપાસણી કરવામાં આવે છે. તે અંતર્ગત પોલીસ અધિક્ષક / ડીસીપી દ્વારા 299 નાઇટ રાઉન્ડ કરવામાં આવ્યા છે. રેન્જ કક્ષાએથી હેડક્વાર્ટરથી દૂર રહીને 132 નાઈટ હોલ્ટ દ્વારા ઇન્સ્પેકશન કામગીરી કરવામાં આવી છે. તે ઉપરાંત રેન્જ કક્ષાએથી 3532 વિલેજ વિઝિટ કરવામાં આવી છે. જેના કારણે રાજ્યમાં ક્રાઈમ રેટમાં ઘટાડો થયો છે. વિકાસ સહાયે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ વિભાગને વધુ મજબૂત કરવા આ અંદાજપત્રમાં ટેકનોલોજી અને સ્ટ્રેન્થ બંને પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગૃહ વિભાગ માટે કુલ રૂ.12659 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે 1186 નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ.299 કરોડની પ્રસ્તાવના થઈ છે. તે ઉપરાંત રાજ્યના તમામ બાકી રહેતા 24 જિલ્લાઓ ખાતે પણ સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવામાં આવશે. તે ઉપરાંત એન્ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ માટે રૂ.23 કરોડ અને રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ માટે રૂ.44 કરોડની પ્રસ્તાવના કરાઈ છે. ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ માટે સુગમ પ્રોજેક્ટ માટે પણ આ બજેટમાં ખાસ જોગવાઈ માટે પ્રસ્તાવના કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાત પોલીસની સ્ટ્રેન્થ વધારવા 6 હજારથી વધુ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે.