પોલીસને જાણકારી આપવાનો પ્રયાસ આવકાર્ય : પોલીસ કમિ. અગરવાલ
રોજીંદી સમસ્યાઓનો ઉકેલ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બરની નેમ : નલીન ઝવેરી
સાયબર ક્રાઈમ રોકવા માટેનો સૌથી સરળ ઉપાય છે લોકોની જાગૃતિ. સાયબર ક્રાઈમ શું છે? અને લોકો કેવી રીતે તેનો ભોગ બની શકે છે? તેની જાણકારી આ સમસ્યાના ઉકેલનું પ્રથમ પગથીયું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું આજે ગુન્હાશોધનમાં મહત્વની ભૂમિકા અદા કરી રહી છે ત્યારે એ ક્ષેત્રમાં લોકો વધુને વધુ જાણકારી મેળવવાનું વલણ રાખે તો સાયબર ક્રાઈમ અટકાવી શકાય છે. તેવું મંતવ્ય સાયબર ક્રાઈમ ક્ષેત્રના જાણીતા નિષ્ણાંત હર્ષદ શાહએ વ્યક્ત કર્યું હતું. તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પોલીસ અધિકારીઓ માટે યોજાયેલ સાયબર ક્રાઈમ અંગેના સેમિનારમાં બોલી રહ્યા હતા.
હર્ષદ શાહએ સાયબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવાતી વિવિધ મોડસ ઓપરેન્ડી, સાયબર ક્રાઈમ કરનારાની માનસિકતા, ઉપયોગમાં લેવાતાં સાધનો, ગુન્હાશોધનની આધુનિક પધ્ધતિ જેવી અનેક બાબતો પોતાના ઉદબોધનમાં વણી લીધી હતી. ખાસ કરીને આર્થિક વ્યવહારોમાં તેમજ ચારિત્ર્યહનન માટે નવી પેઢીના ગુન્હેગારો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો દુરુપયોગ કરતા હોય છે. તેને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા જ મ્હાત કરી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં ઓનલાઈન આર્થિક વ્યવહારોનું પ્રચલન વધ્યું છે ત્યારે લોકો સજાગ રહે તો છેતરપીંડીથી બચી શકે છે. માત્ર લખતાં વાંચતાં આવડી જાય તેને સરકારી ધોરણે સાક્ષર ગણી લેવામાં આવે છે. પરંતુ હવેના સમયમાં લોકોની સાયબર સાક્ષરતા સમાજની અનિવાર્ય જરૂરિયાત છે.
એથીકલ હેકિંગના અગ્રણી નિષ્ણાંત મનાતા હર્ષદ શાહએ સોશિયલ મીડિયાના ઉપયોગથી થતા ગુન્હાઓ, આર્થિક વ્યવહારોમાં આચરવામાં આવતા ગુન્હાઓ તેમજ તે આચરનારાઓ સુધી પહોચવા માટે અપનાવાતી પધ્ધતિનું જીવંત નિદર્શન કરીને સમજ આપી હતી. મુંબઈ બોમ્બ વિસ્ફોટની જવાબદારી લેનાર જમાત-ઉદ-દાવા સુધી પહોંચવાનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા કેવી રીતે શક્ય બન્યું ? તે અંગે તેમણે સવિસ્તર જાણકારી આપી હતી. ગુન્હાશોધનમાં એથીકલ હેકર્સની ભૂમિકા પણ તેમણે સ્પષ્ટ કરી હતી. પોલિસ તંત્રના તમામ લોકો ઉપરાંત સામાન્ય નાગરીકો પણ સાયબર ક્રાઈમને જાણે અને તેના ઉકેલ માટે જાગૃત બને તે આજની અનિવાર્યતા હોવાનું હર્ષદ શાહએ જણાવ્યું હતું.
આ સેમિનારનું ઉદઘાટન રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગરવાલએ કર્યું હતું. ઉદઘાટકીય ઉદબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, માત્ર પોલિસ તંત્રના લોકો જ નહીં સમાજના દરેક વર્ગના અને સ્તરના લોકોને સાયબર ક્રાઈમ અંગે પુરતી માહિતી ઉપલબ્ધ થાય તે જરૂરી છે. સાયબર ક્રાઈમથી બચવાના ઉપાયો લોકો જ જાગૃત રહીને કરી શકે છે. તેમણે આ પ્રકારનો કાર્યક્રમ યોજવા માટે સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને અભિનંદન પાઠવ્યાં હતાં. અગરવાલએ ભવિષ્યમાં જનસુખાકારી માટેના કાર્યક્રમો યોજવા ચેમ્બરને અપીલ કરી હતી.
કમિશનર મનોજ અગ્રવાલએ તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા થઇ રહેલા સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે લાલબત્તી ધરી હતી. ઘણીવાર અધૂરાં જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરવા જતાં વિદ્યાર્થીઓ અજાણતા જ સાયબર ગુન્હો આચરી બેસતા હોય છે તેવું મંતવ્ય તેમણે વ્યક્ત કર્યું હતું. સાયબર ગુન્હાનો ભોગ ન બનાય તે માટે સામાન્ય જનતાએ રાખવાની તકેદારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરવા બધાએ સાથે મળીને અભિયાન છેડવું પડશે તેવો પણ અભિપ્રાય તેમણે વ્યક્ત કર્યો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નલીન ઝવેરીએ તેમના વક્તવ્યમાં જનજાગરણ અંગે ચેમ્બરની વિચારધારાની વાત કરી હતી. વ્યાવસાયિકો એ સમાજજીવનનો અનિવાર્ય હિસ્સો છે. તે કોઈ ગુન્હાનો ભોગ નહીં બને અને નિર્ભયતાથી પોતાનો વ્યવસાય કરી શકશે તો સમાજ સ્વચ્છ અને સ્વસ્થ રહેશે. પરિણામે ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવાની ગતી વધશે. વર્તમાન સરકારની ડીજીટલ ઇન્ડિયાની સંકલ્પનાને કારણે ઓનલાઈન વ્યવસાયોમાં વિક્રમસર્જક વૃધ્ધિ થઇ છે ત્યારે ગુન્હાહિત પ્રવૃત્તિઓ ધરાવનારા લોકોની માનસિકતાનો ભોગ ન બનાય તે માટે સામાન્ય જનતાને સાચી જાણકારી મળે તે જરૂરી છે. એ માટે જનજાગરણના વિવિધ કાર્યક્રમો ચેમ્બર દ્વારા અવારનવાર યોજાતા રહેશે તેવી ખાતરીનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.
સમગ્ર આયોજનને સફળ બનાવવા નલીન ઝવેરી તથા સંજય લાઠીયાની આગેવાની હેઠળ, ગીરીશભાઈ ઠોસાણી, જીતેનભાઈ ઘેટીયા, પ્રવીણભાઈ જસાણી, ફેનિલ મેહતા, જીતેનભાઈ રવાણી, મૌતિકભાઈ ત્રિવેદી, યશભાઈ રાઠોડ, સ્મિતભાઈ કનેરીયા, સંજયભાઈ કનેરીયા, હસુભાઈ કોટેચા, વસુભાઈ લુંધ, પ્રકાશભાઈ ઠક્કર, રિતેશભાઈ પાલા, લક્ષમણભાઇ સાકરીયા, ડો. ભાવેશ સચદે, બિપીનભાઈ ખોખાણી, જીતુભાઇ પરમાર, મેહુલભાઈ મેહતા, મિલિન્દભાઈ ગગલાણી, હરેશભાઇ સોનપાલ, મહેશભાઈ સોનપાલ, આશિષભાઇ પટેલ, વિનુભાઈ વેકરીયા, રાજેશભાઈ રાણપરીયા, પરસોત્તમભાઈ સાકરીયા, રાજેશભાઈ કુકડીયા, કમલેશભાઈ આંબલીયા, જયસુખભાઇ આડેસરા, સુરેશભાઈ હિરાણી, અસ્વિનભાઈ લોઢીયા, અસ્વિનભાઈ સખીયા, રોનક્ભાઈ નસીત, સંજયભાઈ મહેતા, ધવલભાઈ મહેતા, પ્રણવભાઈ પરીખ, નરેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા. પોલીસ ડિપાર્ટમેન્ટ વતી પીઆઇ મનોજ આસુરા તથા પીએસઆઇ ક્રિપાલસિંહ રાણાએ જહેમત ઉઠાવેલ હતી.