કોમ્પ્યુટર હેક, બેન્કિંગ વ્યવહારમાં થતી ઠગાઇ અને મોબાઇલ મીસીંગ સહિતના ગુનાની તપાસ થશે: એસીપી, ઇન્સ્પેકટર, પીએસઆઇ, ત્રણ હેડ કોન્સ્ટેબલ અને પાંચ કોન્સ્ટેબલની નિમણુંકની ગૃહ વિભાગ દ્વારા મળી મંજુરી
શહેરમાં કમ્પ્યુટર હેન્ક, બેન્કીગ વ્યવહારમાં ઠગાઇ, મોબાઇલ મીસીંગ સહિતના અનેક ગુનાનો ભેદ ઉકેલવા માટે રાજય સરકાર દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ઉભા કરવાની કરાયેલી જાહેરાતના પગલે રાજકોટમાં સાઇબર ક્રાઇમ પોલીસ મથક ફાળવવામાં આવતા તા.૨૫ જુનના રાતે બાર વાગ્યાથી સાઇબર ક્રાઇમ પોલીસ મથક કાર્યરત કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.
રાજકોટમાં સાઇબર ક્રાઇમ પોલીસ મથક માટે એક નાયબ પોલીસ અધિક્ષક, એક ઇન્સ્પેકટર, એક પી.એસ.આઇ., ત્રણ હેડ કોન્સ્ટેબલ અને પાંચ કોન્સ્ટેબલની નિમણુંક આપવામાં આવનાર છે.
શહેરમાં કમ્પ્યુટર હેન્ક કરવા, ઇ બેન્કીંગ વ્યવહાર દ્વારા થતી છેતરપિંડી જેવા ગુનાનો ભેદ ઉકેલવા માટે ટેકનિકલ પોલીસ સ્ટાફ દ્વારા થઇ શકે તેમ હોવાથી રાજય સરકારે ગત બજેટમાં જ સાઇબર ક્રાઇમ પોલીસ મથક શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત દ્વારા ગૃહ વિભાગમાં રાજકોટને સાઇબર ક્રાઇમ પોલીસ મથક ફાળવવા અંગે રજૂઆત કરી હતી.
પોલીસ કમિશનર ગહેલૌતની રજૂઆત ધ્યાને લઇ રાજકોટને સાઇબર ક્રાઇમ પોલીસ મથક ફાળવવાની મંજુરી મળી જતા આગામી તા.૨૫ જૂને રાતે બાર વાગ્યાથી સાઇબર ક્રાઇમ પોલીસ મથક કાર્યરત થઇ જાય તે માટે જરૂરી જાહેરનામું પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
સાઇબર ક્રાઇમ પોલીસ મથક હાલ સાઇબર સેલ કાર્યરત છે ત્યાં જ સાઇબર ક્રાઇમ પોલીસ મથક શરૂ થશે અને એસીપીની જગ્યા ખાલી હોવાથી ક્રાઇમ બ્રાન્ચના એસીપીને વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે. તેમજ સાઇબર ક્રાઇમ પોલીસ મથકનો સ્ટાફ ક્રાઇમ બ્રાન્ચની સાથે સંકલનથી કામ કરશે તેમ પોલીસ કમિશનર ગહેલૌતે જણાવ્યું છે.