ગુજરાત સરકાર ખાતેદારોના રૂપિયા સુરક્ષિત છે તેવી બાહેેંધરી આપે અને જલ્દીથી સ્થિતિ યથાવત કરે તેવી કોંગ્રેસની માંગ
અબતક, રાજકોટ
સહકારી બેંકો ઉપર સાયબર એટેક થયો છે. જેને કારણે રૂ.5 હજાર કરોડથી વધુના વ્યવહારો અટવાયા છે. તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.ગુજરાત સરકાર ખાતેદારોના રૂપિયા સુરક્ષિત છે તેવી બાહેધારી આપે અને જલ્દીથી સ્થિતિ યથાવત કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક અને તેમની સાથે સંકળાયેલી 13 જેટલી જીલ્લા બેંકો અને 150 જેટલી અર્બન બેંકોના સમગ્ર ડિજિટલ વહેવારો છેલ્લા ત્રણ દિવસથી અટકી ગયા છે. હજી સુધી આ બેંકોના સત્તાધીશોએ કોઈપણ જાતનો ખુલાસો કરેલ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ, રોજમદાર સહિતના બેંક ખાતેદારોના સમગ્ર ડિજિટલ વ્યવહારો જેવા કે એનઈએફટી, આરજીટીએસ, યુપીઆઈ, ફોન પે, ગુગલ પે, પેટીએમ જેવી દરેક સર્વિસ છેલ્લા 72 કલાકથી બંધ થઈ ગઈ છે સૂત્રોના જણાવ્યા મુજબ હેકર્સ દ્વારા મોટો સાઇબર એટેક કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બેંકોમાં સામાન્ય કરતાં ત્રણ ગણા વધુ કિંમતે સાયબર સુરક્ષા માટે સોફ્ટવેર સિસ્ટમ અને સર્વર ની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સોફ્ટવેર કંપનીના પેટા કોન્ટ્રાક્ટ બેંક સાથે સંકળાયેલા મોટા માથાઓના કુટુંબીજનો ચલાવી રહ્યા હોય તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે તેનો ખુલાસો પણ સત્તાધીશોએ કરવો જોઈએ અને જવાબદારોને દંડવા જોઈએ જેથી ગ્રાહકોનો વિશ્વાસ બરકરાર રહે.
ગ્રાહકો બેંકોમાં આ બાબતે ફરિયાદ કરે છે તો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી, ઉપરોક્ત બાબતે ખૂબ જ ગંભીર હોવાથી ભારત સરકારના નાણા વિભાગ એ અને રિઝર્વ બેન્કે પણ પગલા લેવા જરૂરી થઈ ગયા છે.