દર્દથી પીડતી ગાયોની હાલત જોઈ જીવદયા પ્રેમીઓમાં રોષ
અબતક,કરણ બારોટ, જેતપુર,
જેતપુર શહેરના દેરડી રોડ પર આવેલ નગરપાલિકાના આવાસમાં કોઈ નરાધમોએ પાંચથી છ જેટલી ગાયોના તિક્ષણ હથીયાર વડે કાન કાપી નાંખ્યા હતાં. જેનાં કારણે દર્દથી ભાંભરડા પાડતી ગાયોની હાલત જોઈ જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.
શહેરના દેરડી રોડ પર આવેલ દેરડી આવાસમાં આજે સવારે કોઈ નરધમોએ સ્થાનિકોની પાળીતી પાંચથી છ જેટલી ગાયોના કાન કાપી નાંખ્યા હતાં. કોઈ તિક્ષણ હથીયાર વડે કાન કાપી નાંખવાને કારણે ગાયો લોહીલુહાણ હાલતમાં દર્દથી કણસતી ભાંભરડા પાડતી હતી. ગાયોના આવા દ્રશ્યો જોઈ સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ગાયોમાંથી એક ગાયની માલીક એવા રૂખશારબેને જણાવેલ કે, તેણીએ સવારે સાડા છ વાગ્યે ગાયની દોહી હતી ત્યાર બાદ ગાય ઘરની બહાર જ બાંધેલી હતી.અને તેણી ઘરમાં નિત્યક્રમ મુજબ ઘરકામ કરતી હતી ત્યારે ગાય ભાંભરડા પાડતી હતી. પરંતુ ઘરની બહાર જ ગાય બાંધેલ હોવાથી તેણીને ગાયને ચારો ખાવો હશે એટલે ભાંભરડા પાડતી હોવાનું લાગ્યું હતું. પરંતુ ઘરકામ પરવારી બહાર ચારો નાંખવા નીકળી તો ગાય લોહીલુહાણ હતી અને તેનો કાન કાપેલ હતો. જેથી આ બનાવ સાતથી આઠ વાગ્યા દરમીયાન જ બન્યો હશે અને કોઈ નરાધમ આવી ગાયનો આ વિસ્તારની છ સાત ગાયોના કાન કાપી ગયો હતો.
ગાયોના કાન કાપવાના બનાવ વિશે ગૌવંશ પ્રેમીઓને જાણ થતાં તેઓ તરત જ દેરડી આવાસે પહોંચી દર્દથી કણસતી ગાયોની સારવાર કરી હતી. અને પોલીસે પણ આ બાબતે તાપસ હાથ ધરી છે. ગાયો સાથે આવા જઘન્ય કૃત્યથી ગૌવંશ પ્રેમીઓની લાગણી દુભાણી છે અને આવું હિતકારું કૃત્ય આચરનારને પોલીસ તાત્કાલિક પકડી કડકમાં કડક સજા કરે તેવી માંગ કરી હતી.