ડ્રેગન સામે આર્થિક મોરચે ઘેરાબંધી
ઘડિયાળો, રમકડા, પ્લાસ્ટીક, ફર્નીચર, સ્ટીલ, જંતુનાશક દવાઓ સહિતની વસ્તુઓ ઉપર ઈમ્પોર્ટ ડયૂટી વધારવા સરકારની તૈયારીઓ
લદ્દાખની સરહદે ભારતીય સૈનિકો સાથે ઘર્ષણમાં ઉતરેલા ચીનને પાઠ ભણાવવા માટે આગામી સમયમાં ચીનથી ભારતમાં ઠલવાતી ૩૦૦ જેટલી વસ્તુઓ ઉપર કસ્ટમ-ઈમ્પોર્ટ ડયૂટીનો વધારો ઝીંકવામાં આવશે. સરકાર દ્વારા ડયૂટી વધારવા મુદ્દે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રમકડા, ઘડીયાળો, સંગીતના સાધનો, ફર્નીચર, પ્લાસ્ટીક, ઈલેકટ્રીક અને ઈલેકટ્રોનિક સાધનો, કેમીકલ, સ્ટીલ સહિતના ઉત્પાદનો ઉપર ડયૂટી વધારવામાં આવશે.
ચીન સાથે ભારતના વર્ષો જૂના વ્યાપારી સંબંધો છે. બન્ને દેશો વચ્ચે સંબંધોમાં તનાવ અનેક વખત આવી ચૂકયો છે. પરંતુ છેલ્લા ચાર દિવસની ઘટના ભારતની સહનશક્તિ સામે પડકાર બની ચૂકી છે. ભારત ઈમ્પોર્ટ-કસ્ટર્મ ડયૂટી વધારવા સાથે જ ક્વોલીટી ચેકીંગના નિયમો પણ વધુ કડક બનાવશે. ભારતમાં ચાઈનીઝ માલના કારણે સ્થાનિક ઉદ્યોગોને લાંબા સમયથી નુકશાન સહન કરવું પડે છે. આ ઉપરાંત ભારતના સૈનિકોની શહિદી બાદ દેશમાં ચીન સામે રોષનો માહોલ ઉભો થયો છે. ઠેર-ઠેર ચીનના પોસ્ટર બાળવામાં આવી રહ્યાં છે. ઈલેકટ્રોનિકસ માલને જાહેરમાં તોડવામાં આવે છે. લોકો ભિન્ન-ભિન્ન રીતે પોતાનો રોષ વ્યકત કરી રહ્યાં છે. ત્યારે સરકારે પણ ચીન સામે અડકતરા પગલા લેવાનું શરૂ કર્યું છે. ચીનનું મુખ્ય હથિયાર તેનો માલ છે, જો તેનો માલ જ અટકાવી દેવામાં આવે તો ચીન ઠંડુ પડી શકે તેવી રણનીતિ દેશની થિંક ટેન્ક દ્વારા સુચવાયું હોવાનું માનવામાં આવે છે. વર્તમાન સમયે તો ચીનની પ્રોડકટ ઉપર ડ્યુટી નાખવાનો નિર્ણય સત્તાવાર રીતે જાહેર કરાયો નથી.
ચીન સાથે વેપાર ખાદ્યની ઉંડી ખાઈ: ભારતને નુકશાન
ભારત-ચીન વચ્ચેના અબજો પિયાનો વેપાર દર વર્ષે થાય છે. બન્ને દેશો એકબીજા દેશમાં પોતાની પ્રોડકટ કે સેવા મોકલે છે. પરંતુ બન્ને દેશ વચ્ચે વેપાર ખાદ્ય ખુબ ઉંડી છે. વર્ષ ૨૦૧૯ના માર્ચ મહિના સુધીમાં ચીન અને ભારત વચ્ચેના વેપારમાં ખાદ્ય ૮૮ બીલીયન ડોલર જેટલી તોતીંગ હતી. ચીને ભારતમાં વધુને વધુ રૂપિયાનો માલ ઠાલવ્યો હતો. બીજી તરફ ભારતનો માલ ચીનમાં ઓછો વેચાયો હતો. ઉપરાંત ચીને ભારતના માલમાં ક્વોલીટી ચેકિંગના બહાને પણ રોકવાની પેરવી કરી હતી. જેથી ભારત અને ચીન વચ્ચેના વેપારમાં ભારતને ઓછી આવક થઈ છે જ્યારે ચીનની આવક વધુ છે.