પ્રિન્સિપાલ ચીફ કમિશનર કુમાર સંતોષની રાહબરી હેઠળ રાજ્યના એરપોર્ટ સહિત અન્ય સ્થળ પર બોલાવાશે તવાઇ: ‘અબતક’ સાથેની ટેલિફોનીક વાતચીતમાં કર્યો ઘટસ્ફોટ
દાણચોરી પ્રકરણમાં સ્પાઇસ જેટના કર્મચારીની સંડોવણી હોવાની આશંકા: રાજકોટના ત્રણ લોકો સંડોવાયા હોવાની શંકા
સોનાની દાણચોરીનાં કેસ ગુજરાતમાં સૌથી વધુ જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદ ખાતે દાણચોરીનું કૌભાંડ પકડાયું હતું. આ પ્રસંગે કસ્ટમસનાં પ્રિન્સીપલ ચીફ કમિશનર કુમાર સંતોષની રાહબરી હેઠળ સર્ચ ઓપરેશન હાથધરી સોનાની દાણચોરીને પકડી પાડવામાં આવી હતી. આ તકે કુમાર સંતોષ સાથે ટેલીફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્મગલીંગમાં જે કોઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓને સહેજ પણ બક્ષવામાં નહીં આવે. અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા ૩ કિલો સોનાની દાણચોરીમાં સ્પાઈસ જેટનાં અધિકારીઓની સંડોવણી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
આ તકે તેઓએ જણાવ્યું હતું કે, સોનું જે કાયદેસરનું આયાત કરેલું ન જણાય તો તે કસ્ટમસ દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે. તેમજ સોનાનાં મુલ્યની ૫૦ ટકા રકમ જેટલો દંડ પણ કરવામાં આવે છે. આ પ્રકારનાં કુલ ૪૮ કેસો હજુ સુધી સામે આવ્યા છે. સ્પાઈસ જેટનાં અધિકારીઓની જે સંડોવણી થઈ છે તેઓ પર આકરા પગલા લેવામાં આવશે જે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. હવાઇ માર્ગે દેશમાં સોનાની દાણચોરીના કિસ્સાઓમાં અમદાવાદ ચોથા ક્રમે આવે છે. દેશમાં સૌથી વધારે દાણચોરી ક્રમ પ્રમાણે મુંબઇ, કેરલા, ચેનાઇ અને અમદાવાદ આવે છે. રાજ્યમાં દાણચોરી માટે રાજકોટના કેટલાક સોનીઓ અને ફાઇનાન્સરો દ્વારા દાણચોરી માટે ફાઇનાન્સ કરવામાં આવે છે. અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગત વર્ષે કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા દાણચોરીના કિસ્સામાં ૭૪ લોકોની ધરપકડ કરીને ૬૧.૨૨ કિલો સોનું કિંમત રૂ.૧૮.૭૯ કરોડ ઝડપી લેવામાં આવ્યું હતું.
આ અંગે કસ્ટમ અધિકારી આર.કે. ચૌહાણે જણાવ્યું કે, સોનાની દાણચોરી દુબઇ, શારજાહ, ઓમાન, કુવેત અને બેંગકોક સહિતના દેશોમાંથી લઇને આવતા ૨૫ લોકોની અમદાવાદથી અને ૧ની સુરતથી ધરપકડ કરાઇ છે. મોટા ભાગના દાણચોરો પોતાના શરીરમાં કે શરીની બહાર સોનાની દાણચોરી કરતા ઝડપાયા છે. ગુજરાતનો દરિયાકાંઠો સરહદી વિસ્તાર હોવાના કારણે મહત્ત્વનો છે, માત્ર એટલું પૂરતુ નથી વર્ષો પહેલા સમુદ્રીમાર્ગે થતી દાણચોરી અને તેમાંય ખાસ કરીને સોનાની દાણચોરીમાં આ રૂટનો ઉપયોગ દાઉદ ઈબ્રાહિમથી માંડી તમામે કર્યો છે. બદલાતા સમય સાથે દરિયાઈમાર્ગે થતી હેરાફેરી પ્રમાણમાં નહીંવત્ થઈ છે. પરંતુ આજે પણ ગુજરાત સોનાની દાણચોરીમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ મધ્યપ્રદેશમાંથી ચોરીછૂપીથી લવાતા સોનાના જથ્થામાં મોખરે છે. પહેલા દરિયાઈ માર્ગે થતી દાણચોરીનું સ્થાન આજે હવાઈમાર્ગે લીધું છે. દુબઈથી સોનું લાવવામાં અમદાવાદ એરપોર્ટનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દેશના અન્ય એરપોર્ટની સરખામણીએ સૌથી વધુ સોનાની દાણચોરી થઈ રહ્યાનું લાગે છે. તાજેતરમાં પકડાયેલા ૧૩૦૦ કરોડના સોનાના જથ્થાથી આ બાબતને સમર્થન મળે છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સના અહેવાલ અનુસાર ભારતમાં ૨૦૧૭-૧૮ દરમિયાન કસ્ટમ્સ વિભાગે ૩,૨૨૩ કિલોગ્રામ સોનું (કિંમત રૂ.૯૭૪ કરોડ) પકડ્યું હતું. જે વર્ષ ૨૦૧૬-૧૭ કરતાં ૧૦૦ ગણુ વધારે છે. ૨૦૧૬-૧૭માં કસ્ટમે ૧,૪૨૨ કિલો (કિંમત રૂ.૪૭૨ કરોડ) સોનું દેશમાંથી પકડ્યું હતું.
ગુજરાતના કસ્ટમ વિભાગમાંથી મળતી માહિતી અનુસાર ગુજરાતમાં એકલા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૨૦૧૮-૧૯માં ૧૩૯ કેસમાં મળી ૬૫ કિલોગ્રામ સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જે ૨૦૧૭-૧૮ કરતા ૨૫૦ ગણો વધારે છે. ૨૦૧૭-૧૮માં ૩૮ કેસમાં ૨૦ કિલોગ્રામ સોનું સીઝ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજો ક્રમ સુરત એરપોર્ટનો આવે છે. ગેરકાયદે સોનું લાવવા માટે કેરિયરો અવનવી તરકીબો અજમાવાતી હોય છે. ઘણી વખત તેમાં એરપોર્ટનો સ્ટાફ પણ સંડોવાયેલો હોય છે. તાજેતરમાં દાણચોરી સાથે સંકળાયેલો એક કેરિયર દુબઈથી સોનું ભરેલી બેગ લઈને આવ્યો હતો. કેરિયરે સોનું ભરેલી આ બેગ એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફમાં લોડર તરીકે કામ કરતાં કર્મચારીને આપી દીધી હતી.જો કે કસ્ટમે તેને ઝડપી લીધો હતો. જેના પગલે ૧૩૦૦ કરોડ રૂપિયાનું સોનાની દાણચોરીનું કૌભાંડ પકડાયું હતું. આરોપી લોડરે ભૂતકાળમાં પણ આ પ્રકારે દાણચોરોને મદદ કરી હોવાની આશંકા કસ્ટમ અધિકારીઓએ વ્યક્ત કરી હતી. તાજેતરમાં કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીના માસ્ટરમાઈન્ડ આરોપીની ધરપકડ કરી હતી. જેણે છેલ્લા પાંચ વર્ષમાં ૪ ટન જેટલો સોનાનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડ્યો હોવાની કબૂલાત કરી હતી. જેમાં તેની સાથે તેની પત્ની અને દુબઈમાં રહેતો ભાઈ પણ સામેલ હતા. સોનાની દાણચોરીમાં પોલીસ હજુ ૫ આરોપીને શોધી રહી છે. આ તમામ આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં છૂપાયા હોવાની આશંકા છે. થોડા સમય અગાઉ કસ્ટમે સોનાની દાણચોરીના ઓપરેશનના ફાયનાન્સર તેમજ રાજકોટના સોના-ચાંદીના એક મોટા વેપારીની ધરપકડ કરી હતી.
અમદાવાદ કસ્ટમ્સના પ્રિન્સીપાલ કમિશ્નર કુમાર સંતોષ જણાવ્યું હતું કે, અમે માહિતીના આધારે સ્પાઈસ જેટની બેંગકોકથી આવતી ફ્લાઈટમાં દિલ્હીના રોબીન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તેણે ગોલ્ડને પ્લેનમાં ખુરસીની નીચે સંતાડી અને પોતે બહાર નીકળી ગયો હતો. અમારી પાસે ચોક્કસ માહિતી હોઈ તપાસ કરતા અમારી ટીમને સોનું પ્લેનમાંથી મળ્યું હતું. અમને શંકા છે કે તેને મદદ કરવામાં સ્પાઈસ જેટના કોઈ કર્મચારીની સંડોવણી પણ હોઈ શકે છે. કસ્ટમ્સ વિભાગના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારે સોનાની આયાત ઉપર ડ્યુટીમાં વધારો કર્યો છે જેના પગલે પાછલા અમુક મહિનાઓમાં દાણચોરીની ઘટનાઓ વધી છે. એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના મામલે સમગ્ર દેશમાં અમદાવાદ ચોથા ક્રમે છે. સૌથી વધુ સ્મગલિંગ મુંબઈ પરથી નોંધાઈ છે. કસ્ટમ્સ અધિકારી કુમાર સંતોશે જણાવ્યું કે, ગુજરાતમાં હવાઈ માર્ગે અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની જે દાણચોરી થાય છે તેમાં સૌથી વધુ સોનું દુબઈથી સ્મગલ કરવામાં આવે છે. આ ઉપરાંત બેંગકોક, કુવૈત અને ઓમાન જેવી જગ્યાઓ પરથી પણ સોનાની દાણચોરી થાય છે.
દુબઇથી સોનું લાવવામાં કેરિયરો તો માત્ર પ્યાદા તરીકે કામ કરતા હોય છે.જેનું તેમને મહેનતાણું મળતું હોય છે. ભારતમાં ગેરકાયદે સોનું લાવવા અને તેને ખરીદનારા લોકો અલગ હોય છે. દાણચોરીની દુનિયામાં ઈમાનદારી હોય છે તે ઉક્તિને સાર્થક કરતા આ ગેરકાયદે ધંધામાં જો કોઈ પકડાય તો તે આગળની વ્યક્તિનું નામ આપતી નથી. દરેકને માત્ર એક કામ સોંપાય છે. માલ આવી ગયા પછી તેનો કબજો લેનારા અલગ, પહોંચાડનારા અલગ અને ખરીદનારા તેમજ પૈસા વસૂલનારા લોકો અલગ અલગ હોય છે. કોઈને તેનું કામ પતી ગયા પછી આગળ કોની પાસે માલ જાય છે તેની માહિતી અપાતી નથી.આ જ કારણ છે કે સોનાના મૂળ ખરીદારો સુધી કસ્ટમ પહોંચી શકતી નથી. એડવોકેટ સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, સરકારી સરક્યુલર હેઠળ ૨૦ લાખ સુધીનું સોનું હોય તો કેસ દાખલ થતો નથી.તેમજ કસ્ટમની કલમ ૧૦૪ હેઠળ એક કરોડથી ઓછી કિંમતનું સોનું હોય તો તે જામીનલાયક ગુનો છે.એક કરોડથી વધુ રકમનું સોનું પકડાય તો જામીન મળતા જ નથી. આમ કેરિયરો આ કલમનો ભરપૂર લાભ ઉઠાવી એક કરોડથી ઓછી રકમનું જ સોનું લાવે છે. આમ દાણચોરીમાં પકડાઈ જાય તો પણ કોર્ટમાંથી જામીન પર છૂટી જાય છે.
આ તકે એ વાત સ્પષ્ટ થાય છે કે, સોનાની દાણચોરી અટકાવવા માટે કસ્ટમસ હવે કાર્યરત છે અને દાણચોરો ઉપર લાલ આંખ કરી છે ત્યારે જે રીતે અમદાવાદ એરપોર્ટ પર એક કરોડની રકમનું જે ૩ કિલો સોનું પકડાયું છે તેનાથી સ્મગલીંગ કરનાર પર કસ્ટમસનો કાળો કહેર વરસ્યો છે. બાકી રહેતા જે સર્ચનાં કેસો છે તેને પણ વહેલાસર અમલી બનાવાશે તે પણ જણાવવામાં આવી રહ્યું છે.