હોટલ સંચાલકોએ બિલમાં સર્વિસ ચાર્જની કોલમ ખાલી રાખવી પડશે
હવે લોકો હોટલમાં જમ્યા બાદ પોતાની ઇચ્છા મુજબનો સર્વિસ ચાર્જ ચૂકવી શકશે. સરકારના નવા નિયમો મુજબ હોટલ સંચાલકોએ બિલમાં સર્વિસચાર્જની કોલમ ખાલી રાખવી પડશે. અને સર્વિસ ચાર્જ કેટલો ચૂકવવો તે નિર્ણય ગ્રાહકોને કરવાનો રહેશે.
હોટલમાં સર્વિસ ચાર્જ ચૂકવવો કે નહીં? કેટલો ચૂકવવો? તે અંગે ઘણા સમયથી સરકાર અને હોટલ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ખેંચતાણ ચાલુ છે. ત્યારે સરકારે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ નવો નિયમ બનાવી આ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે. આ મામલે મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું છે કે, સર્વિસ ચાર્જને કાયદેસર ટેકો નથી. જેથી ગ્રાહકોની સુખાકારી માટે અમે સર્વિસ ચાર્જ અંગે સ્પષ્ટતા કરી છે. હવેથી ગ્રાહકોને હોટેલની સર્વિસ અને તેના ફૂડને આધારિત કેટલો સર્વિસ ચાર્જ ચૂકવવો તેવો હક્ક રહેશે. ગ્રાહક ટીપ પણ આ રીતે આપી શકશે. અત્યાર સુધી હોટેલમાં આટલો સર્વિસ ચાર્જ તો ચૂકવવો જ પડશે તેવો નિયમ ગેરકાયદે હોવાનું લોકો અનુભવી રહ્યા હતા જેથી સરકારે સર્વિસ ચાર્જની ચુકવણી લોકો ઉપર છોડી દીધી છે. વિશ્ર્વમાં ઘણા સ્થળે બિલમાં સર્વિસ ચાર્જની કોલમ ખાલી રાખવામાં આવે છે. જ્યાં ગ્રાહક ઇચ્છા અનુસાર રકમ આપી શકે છે.