ચોરીની શંકા સાથે એક સપ્તાહ સુધી ગોંધી રાખી બેરહેમીથી માર માર્યાના આક્ષેપ
ગઢવી સમાજ મોટી સંખ્યામાં પોલીસ મથકે એકઠો થતા ગુનો નોંધવાની ફરજ પડી
મુન્દ્રા પોલીસ મથકમાં ચોરીની શંકા સાથે એક સપ્તાહ સુધી ગોંધી રાખી બેરહેમીથી મારના કારણે ગઢવી યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ટોળુ પોલીસ મથકે ઘસી જતા યુવકના મોત અંગે ત્રણ પોલીસમેન સામે હત્યાનો ગુનો નોંધાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુન્દ્ર તાલુકાના સમાઘોઘા ગામના અરજણભાઇ ખેરાજભાઇ નામના ગઢવી યુવકનું મુન્દ્ર પોલીસ કસ્ટડીમાં મોત નીપજતા અરજણભાઇ ગઢવીને માર મારી તેની હત્યા કર્યા અંગેની મુન્દ્ર પોલીસ મથકના શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ અજીતસિંહ ઝાલા અને અશોક કન્નડ સામે એડવોકેટ દેવરાજભાઇ રતનભાઇ ગઢવીએ ફરિયાદ નોંધાવી છે.
અરજણભાઇ ગઢવી ગત તા.૧૨મીએ સાંજ પાંચેક વાગે પ્રાગપર પાટીયા પાસે હતા ત્યારે મુન્દ્રા પોલીસ સ્ટાફે તમારૂ પાર્સલ આવ્યું છે કહી મુન્દ્રા પોલીસ મથકે લઇ ગયા બાદ અરજણભાઇ ગઢવીના મોટા ભાઇ હરીભાઇ ખેરાજભાઇ ગઢવીને જાણ થતા તેઓ પોતાના સંબંધી દેવરાજભાઇ ગઢવીને જાણ કરી હતી. આથી દેવરાજભાઇ ગઢવી, વિજયસિંહ જાડેજા, હરીભાઇ ખેરાજભાઇ અને મેઘરાજભાઇ ખેરાજભાઇ મુન્દ્રા પોલીસ મથકે તપાસ કરવા ગયા ત્યારે પોલીસ મથકે શક્તિસિંહ ગોહિલ બેઠા હતા અને તેઓએ ચોરી અંગે વાત કરી તમો અરજણભાઇ ગઢવીને પૂછપરછ કરવા જણાવતા તમામે અરજણભાઇ ગઢવીની પૂછપરછ કરતા તેઓએ કોઇ ચોરી કરી ન હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતાને શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા અને અશોક કન્નડે પગમાં માર માર્યાનું અને પુઠમાં પેટ્રોલના પોતા મુકી અત્યાચાર ગુજારી ચોરીનો ગુનો કબુલ કરાવવા ફરજ પાડતા હોવાનું કહ્યું હતું તેમજ એક પોલીસમેન માર મારી થાકે એટલે બીજા પોલીસમેન માર મારતો હોવાનું અરજણભાઇ ગઢવીએ પોતાના ભાઇ અને સમાજના આગેવાન સમક્ષ પોતાને જમવાનું પણ આપ્યું ન હોવાનું જણાવ્યું હતું.
શક્તિસિંહ ગોહિલે સાંજે છોડી મુકશે તેવું જણાવી તમામને પોલીસ મથકેથી રવાના કર્યા બાદ ફરી માર માર્યો હતો અને ગઇકાલે સાંજના અરજણભાઇ ગઢવીની પોલીસ મારના કારણે તબીયત લથડતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવતા ત્યાંના ફરજ પરના તબીબ પઢીયારે મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યુ હતું.
અરજણભાઇ ગઢવીનું મોત નીપજ્યાની જાણ ગઢવી સમાજને થતા હોસ્પિટલ ત્યાંથી પોલીસ મથકે મોટી સંખ્યામાં એકઠા થઇ જતા પોલીસ મથકના દરવાજા બંધ કરવા પડયા હતા અને પોલીસ કસ્ટડીમાં થયેલા મોત અંગે ગઢવી સમાજ દ્વારા એસડીએમને રજૂઆત કરાયા બાદ ડીવાય.એસ.પી. જે.એ.પંચાલ અને વી.એન.યાદવ સહિતના સ્ટાફે મુન્દ્ર પોલીસ મથકના કોન્સ્ટેલ શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા અને અશોક કન્નડ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.