ક્રાઈમ બ્રાન્ચ પાસે જ રાત્રીના 11 વાગ્યે ડાન્સિંગ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર કર્યો પોસ્ટ
કોરોનાની મહામરીને કારણે સરકાર દ્વારા રાત્રી કરફ્યુ પાડવાની ફરજ પડી છે અને કામ સિવાય બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તે દરમિયાન શહેરના હાર્દ સમા વિસ્તાર અંડરબ્રિજ પર ક્રાઈમ બ્રાન્ચની શાખા પાસે જ એક યુવતીએ રાત્રીના 11 વાગ્યાની આસપાસ ડાન્સિંગ વિડીયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. થોડી જ ક્ષણોમાં વિડીયો વાયરલ થઈ જતા યુવતી સામે ગુનો નોંધાતા જાહેરમાં ઠુમકા મારવાનું મોંઘુ પડ્યું હતું.
રાત્રિ કર્ફ્યૂ દરમિયાન મહિલા કોલેજ ચોક અંડરબ્રિજ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ નજીક પાયલબા ઉર્ફે પ્રિશા રતનસિંહ રાઠોડ નામની યુવતીએ પોતાનો ડાન્સિંગ વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે ગણતરીના કલાકોમાં વીડિયો પોતાનો હોવાનો દાવો કરતી યુવતીને વીડિયો ડિલિટ કરવાની ફરજ પડી હતી. આ અંગે એ ડિવીઝન પોલીસે યુવતી વિરદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ વીડિયો 12 એપ્રિલની રાત્રિના 11 વાગ્યા આસપાસ બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
એક મહિના પહેલાં રાજકોટના કોટેચા ચોકમાં આવી રીતે બે યુવાનોએ રાજકોટ રાજા ગીત પર વીડિયો બનાવ્યો હતો. બંને યુવાનોએ ટ્રાફિકથી ધમધમતા રસ્તા વચ્ચોવચ્ચ કાર ઊભી રાખી દીધી હતી. બાદમાં બંને યુવાનો નીચે ઊતરી ડાન્સ કરવા લાગ્યા હતા, આથી રસ્તા પર ટ્રાફિકજામ થતાં વાહનચાલકો પરેશાન થયા હતા.