જાહેર જનતાનો આભાર માનતા ગુણવંતભાઈ ડેલાવાળા
સરગમ કલબ દ્વારા નવરાત્રી પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ જાહેર જનતા માટે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની ગઈરાત્રે શાનદાર સમાપ્તી થઈ હતી ગઈરાત્રે સરગમ કલબ એચ.પી.રાજયગુરૂ કંપની અને વૈભવ જીનીંગના સંયુકત ઉપક્રમે યોજાયેલા સરગમી હસાયરામાં હાસ્યની છોળો ઉઠી હતી અને લોકો પેટ પકડીને હસ્યા હતા.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સરગમ કલબના માર્ગદર્શક અને કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતુ કે, સરગમ કલબ જુદી જુદી ૫૧ જેટલી પ્રવૃત્તિનું સંચાલન કરે છે અને લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહે છે.વજુભાઈએ કહ્યું હતુ કે, ગુણવંતભાઈ અને તેમની ટીમ સતત દોડતી રહે છે. સામાજીક પ્રવૃત્તિઓ માટે આર્થિક સહયોગ આપનારા તો ઘણા હોય છે. પણ આયોજનના અભાવે લોકો સુધી લાભ પહોચતા હોતા નથી પણ સરગમ કલબ આયોજનમાં શ્રેષ્ઠ છે.
આ કાર્યક્રમનું ઉદઘાટન રાજયપાલ વજુભાઈ વાળાએ કર્યું હતુ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નરેશભાઈ લોટીયા, નીખિલભાઈ પટેલ, ચેતનભાઈ રોકડ, અનંતભાઈ ઉનડકટ, નાથાભાઈ કાલરીયા, હેતલભાઈ રાજગુરૂ, જીતુભાઈ પટેલ, જીતુભાઈ બેનાણી, સંજયભાઈ સવાણી, ચંદ્રકાંતભાઈ કોટિચા, હરેશભાઈ લાખાણી, અશોકભાઈ ડાંગર, રમણભાઈ વરમોરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ હસાયરામાં જાણીતા હાસ્ય કલાકારો ધીરૂભાઈ સરવૈયા, સુખદેવભાઈ ધામેલીયા, હકાભા ગઢવી અને ગુણવંતભાઈ ચુડાસમાએ હાસ્યની છોળો ઉડાડી હતી. અને લોકોને હાસ્યરસમાં તરબોળ કરી દીધા હતા.