છઠના દિવસે ઘેર ઘેર નવા વ્યંજનો બનાવવામાં આવે છે. જ્યારે આ વ્યંજનો શીતળા સાતમના દિવસે શીતળામાતાની પૂજા કર્યા પછી ઠંડા જ આરોગવામાં આવશે.
લોકમાન્યતા મુજબ છઠના દિવસે શીતળા માતાજી ઘરે-ઘરે ફરે છે અને ચુલામાં આળોટે છે. જેથી લોકો રાંધણ છઠની રાત્રે ઘરના ચુલાની સાફ-સફાઈ અને પૂજા કરીને ચૂલો ઠારી દે છે. ત્યારબાદ સાતમના દિવસે છઠનું જ ઠંડુ ભોજન લેવાનું હોય છે.શીતળા સાતમના શુભ દિવસે શ્રદ્ધાળુઓ ખાસ પ્રકારે પૂજા-વિધિથી સંપૂર્ણ વર્ષ માટે સુખી અને રોગમુક્ત રહેવા માટે પ્રયાસો કરે છે. છઠ્ઠના દિવસે સાંજે સાતમની વિધિ અને રસોઈ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.
છઠ્ઠના દિવસે રાત્રે બધી રસોઈ પૂરી કર્યા બાદ ચૂલાને ઠારી-બંધ કરી તેના પર કન્કોલા તથા ફૂલની માળા, કંકુ, ચંદન, ચોખા વગેરે દ્વારા તેનું પૂજન કરવામાં આવે છે. સાતમની સવારે સાંજે બનેલી વાનગીને એક થાળમાં લઈ ઠંડું દૂધ, જળ,ચંદન, ચોખા, કંકુ વગેરે સુગંધિત દ્રવ્યો દ્વારા શીતળા માતાની પૂજન કરવામાં આવે છે. પછી ફૂલહાર ચઢાવી પોતાની મનોકામના મનમાં વ્યક્ત કરી નમસ્કાર કરવા. આ પૂજન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, સંતાન હોય પણ જો તે રોગગ્રસ્ત રહેતું હોય તો તેને ફાયદો મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ વ્રત જરૂર કરવું જોઈએ.
કથા એવી છે કે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા. રાત્રે સૂમસામ શાંતિમા શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં, તેથી શાપ આપ્યો: “જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો…”
બીજા દિવસે સવારે જોયું બાળક દાઝેલું હતું, આ જોઈને નાની વહું કલ્પાંત કરવા લાગી. કોઈ એ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે. આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ અને વન-વન ભટકવા લાગી. વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા, ડોશીએ તેને બોલાવી. તે ત્યાં ગઈ, તે ડોશીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું. આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશીએ કહ્યું ‘‘ જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો. ’’ એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થાઈ.
આપણા ઘણા ઉત્સવ પ્રાદેશિક હોય છે. આ ઉત્સવ પણ આપણા વડીલોએ ઘણી બાબતો વીચારીને કરી છે. પહેલાના જમાનામાં શિતળાનામનો રોગ થતો હતો. વળી, આ સમય શ્રાવણનો છે, જે વરસાદનો સમય છે. આ સમયમાં શરીરને રોગપ્રતિકારક શક્તિની ખાસ જરૂર હોય છે. તેથી એક દિવસ ભોજનમાં રુખુ-સુકુ ચલાવીને શરીરને આરામ આપવાની વાત છે.
જો કે હાલ તો અનેક વાનગીઓ માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. વળી, વ્યાવહારિક કારણ એવું છે કે રાંધણ છઠ્ઠના દિવસે રસોઈ કરી સાતમના દિવસે સ્ત્રીઓ રસોઈના કામમાંથી મુક્ત રહી શકે જેથી કરીને આવનારા બે દિવસ જન્માષ્ટમી અને પારણાનોમની તૈયારી થઈ શકે છે. આ ઉપરાંત ધાર્મિક મહત્વ એવું છે કે આપણું પાલન-પોષણ કરનાર અન્નને જેમ શાસ્ત્રઓએ દેવતા કહ્યા છે તે રીતે અગ્નિને પણ દેવતા કહ્યા છે. તેના પૂજનની પણ આ એ પ્રચલિત વિધિ છે. શીતળા માતા ઘરમાં બધા પ્રકારના તાપ-સંતાપ અને ઉત્તાપને શાંત કરનાર દેવી છે. આવા કારણો છે જે આપણને આ તહેવારોથી જોડી રાખે છ.
આંજે રાંધણ છઠ્ઠ: જાણો ધાર્મિક મહિમા અને ચુલો ઠારવાનું મૂહર્ત
વૈજ્ઞાનિક કારણ :