- ચાલુ વર્ષે સળંગ ત્રણ વખત મુદત વધારવામાં આવ્યા પછી 17 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે તેવી શકયતાં
દેશની સેન્ટ્રલ યુનિવર્સિટીઓ, પ્રાઇવેટ, સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં પ્રવેશ માટે લેવાનારી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન કરવાની મુદત 30મીએ પુરી થતાં ફરીવાર મુદત 6 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. આમ, સળંત્ર ત્રીજી વખત રજિસ્ટ્રેશનની મુદત લંબાવવામાં માટે ચાલુવર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થાય તેવી શકયતાં છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા છેલ્લા બે વર્ષથી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું શરૂ કરાયું છે.
ચાલુવર્ષે રજિસ્ટ્રેશન માટે 26મી માર્ચ સુધીની મુદત આપવામાં આવી હતી. આ મુદત લંબાવીને 30મી માર્ચ કરવામાં આવી હતી. જોકે, ગઇકાલે આ મુદત પુરી થયા બાદ ફરી એકવાર મુદત લંબાવીને 6 એપ્રિલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ આગામી 6 એપ્રિલ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. દેશની કેટલાક બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષા લેવામાં આવતી હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકયા ન હોવાની રજૂઆતો આવ્યા બાદ ફરીવાર મુદત લંબાવામાં આવી છે.
રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ આગામી 15મી મેથી 30મી મેની વચ્ચે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. મહત્વની વાત એ કે, નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા રજિસ્ટ્રેશનની મુદત લંબાવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ દેશની અનેક યુનિવર્સિટીઓએ આ ટેસ્ટના માધ્યમથી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી પણ અંદાજે ચાર ખાનગી યુનિવર્સિટીઓએ આ ટેસ્ટના માધ્યમથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે તેવો નિર્ણય કર્યો છે.
ગતવર્ષે આ પરીક્ષામાં અંદાજે 14 લાખથી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચાલુવર્ષે સળંગ ત્રણ વખત મુદત વધારવામાં આવ્યા પછી 17 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે તેવી શકયતાં છે. આગામી દિવસોમાં આ પરીક્ષાને દેશની સૌથી મોટી પરીક્ષા બનાવીને તેના માધ્યમથી જ જુદા જુદા કોર્સમાં પ્રવેશ ફાળવાની તૈયારી પણ યુજીસી દ્વારા શરૂ કરવામાં આવી છે.