યુનિવર્સિટીને સંલગ્ન રાજદિપ એજન્સીમાંથી કર્મચારીઓની ભાઈબીજના દિવસે ફોન આવ્યો “સોમવારથી યુનિવર્સિટીએ ન આવતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાકટ બેઈઝ કામ કરતા ચાર કર્મચારીઓ યુનિવર્સિટી સામે હાઈકોર્ટમાં લડતના મંડાણ કરતા ચારેય કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજદીપ એજન્સીમાંથી કર્મચારીઓને ભાઈબીજના દિવસે ફોન આવ્યો હતો કે, સોમવારથી તમે યુનિવર્સિટીએ ન આવતા. નાના કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ જતા તેઓ ખૂબજ મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, આ બાબતે સત્તાધીશોએ પણ એકરાર કર્યો છે કે, હા બે કર્મચારીઓ હાઈકોર્ટમાં ગયા એટલે જ તેમને છુટા કર્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારીત કામ કરતા હસમુખભાઈ દલસાણીયા, જયશ્રીબેન દલસાણીયા, મીતુલભાઈ ચંદીભમર અને મહાવિરસિંહ જાડેજાએ ગત મે ૨૦૧૮માં હાઈકોર્ટમાં રીટ કરી હતી. તેમાં યુનિવર્સિટી અમને કાયમી કરે, આઉટ સોર્સીંગ બંધ કરે, સમાન કામ સમાન વેતન અને જાણ બહાર યુનિવર્સિટીના કર્મચારીઓને એજન્સીમાં મુકવાનો નિર્ણય કઈ રીતે લઈ શકે સહિતના તમામ મુદ્દાઓ ઉપર હાઈકોર્ટમાં લડત ચલાવી હતી.
હાઈકોર્ટમાં રી-પીટીશન બાદ આ ચારેય કર્મચારીઓને છૂટા કરવા માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ તખતો ઘડી દીધો હતો. જો કે, સમગ્ર મામલો શાંત ન પડે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવા માંગતી ન હતી. દરમિયાન આ ઘટનાને પાંચ માસ વિત્યા બાદ આ ચારેય કર્મચારીઓને તાત્કાલીક છૂટા કરવાનો અસંવેદનશીલ નિર્ણય લીધો છે. ગત ભાઈબીજના દિવસે આ ચારેય કર્મચારીઓને યુનિવર્સિટી સંલગ્ન રાજદિપ એજન્સીમાંથી ફોન આવ્યો હતો કે, સોમવારથી નોકરીએ ન આવતા તેવી ટેલીફોનીક જાણ કરી કર્મચારીઓને છૂટા કરી દેતા કરાર આધારીત નાના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
યુનિવર્સિટીના સત્તાધીશોએ પણ પોતાની સત્તાનો રંગ બતાવ્યો હોય તેમ નાના કર્મચારીઓ પાસેથી નોકરી છીનવી લીધી છે. હાલ આ ચારેય કર્મચારીઓ રજિસ્ટ્રાર ડો.ધિરેન પંડયા અને કુલપતિ ડો.નિલાંબરીબેન દવેની કચેરીની બહાર ધરણા પર ઉતરી ગયા છે. જયાં સુધી એજન્સી નોકરીમાંથી છૂટા કરવાની લેખીત જાણ કરતો પત્ર નહીં આપે ત્યાં સુધી આ તમામ કર્મચારીઓ પોતાની નૈતિક ફરજ સમજી પગાર વીના ફરજ ઉપર હાજર રહેશે.