Abtak Media Google News
  • NTA એ સંયુક્ત CSIR-UGC-NET પરીક્ષા જૂન 2024ને મુલતવી રાખી છે, જે 25 થી 27 જૂન વચ્ચે યોજાનારી હતી
  • નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી

Education News : દિલ્લી આ વર્ષે લેવામાં આવેલી નીટની પરીક્ષાનુ પેપર લીક થયાના આરોપો બાદ દેશમાં વિવાદ વધી રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું અને સાથે જ ધરણા પ્રદર્શન કર્યા હતા. નીટનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે તેનું આયોજન કરનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા વધુ એક પરીક્ષા સીએસઆઇઆર-યુજીસી નેટને રદ કરવામાં આવી છે. દરમિયાન સુપ્રીમે નીટ કાઉન્સેલિંગ એટલે કે એડમિશન પ્રક્રિયાને રદ કરવાની માગ ફગાવી દીધી છે.

Csir-Ugc-Net Exam Canceled Amid Protests Over Neet Paper Leak
CSIR-UGC-NET exam canceled amid protests over NEET paper leak

આગામી 25થી 27 તારીખે સીએસઆઇઆર-યુજીસી-નેટ યોજાવાની હતી, જોકે નીટના વિવાદ વચ્ચે નેટની વધુ એક પરીક્ષાને રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રદ કરવાની માહિતી એનટીએ દ્વારા આપવામાં આવી હતી, સાથે કહ્યું હતું કે સંસાધનોની અછતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પહેલા યુજીસી નેટની પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી હતી, જોકે હાલ મેડિકલ ક્ષેત્ર માટે લેવાયેલી નેશનલ એલિજિબિલિટી-એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટને રદ કરવાનો કોઇ નિર્ણય નથી લેવાયો.

નીટને લઇને સુપ્રીમમાં અનેક અરજીઓ થઇ છે. જેમાંની એક અરજીમાં માગ કરાઇ છે કે આ પરીક્ષામાં મોટા છબરડા થયા છે, માટે હવે આગળની એડમિશન પ્રક્રિયા એટલે કે કાઉન્સેલિંગ 6 જૂલાઇના રોજ યોજાવાની છે જેને અટકાવવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટે આ માગણીને ફગાવી દીધી હતી. જ્યારે નીટમાં ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 ઉમેદવારો માટે રવિવારે છ કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે. દરમિયાન નીટને રદ કરવાની માગણી સાથે ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એવામાં કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા અને આ પરીક્ષા ફરી યોજવાની સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરવામાં આવી હતી. વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હી યુનિવર્સિટીની યોગ ઇવેન્ટમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પેપર લીક થવાનો મુદ્દો દેશવ્યાપી બની ગયો છે. ભાજપના શાસનમાં કરોડો યુવાઓનું ભવિષ્ય બરબાદ થયું છે.

એક દિવસ અગાઉ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટને રદ કરવાની ના પાડી દીધી હતી, જે બાદ વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. નીટ-યુજી પાંચ મેના રોજ યોજાઇ હતી, 4750 કેન્દ્રો પર 24 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ચાર જૂનના પરીણામ જાહેર કરાયું હતું. જે બાદ પેપર લીકના આરોપો થયા હતા અને બિહારમાં કેટલાકની ધરપકડ થઇ હતી. હાલ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.