ડિઝનીલેન્ડ, મેજીક શો, ફેશન શો, રોબોટીકસ, હોરર હાઉસ, મેથ્સ મેજીક સહિતની ઈવેન્ટોથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ
રાજકોટના પડધરી પાસે આવેલ ક્રિસ્ટલ સ્કુલમાં વિદ્યાર્થીઓની વ્યકિતગત આવડતને ઓળખી આંતરીક શકિતને યોગ્ય દિશા આપવા માટે રાજકોટ બ્રાંચ ખાતે તા.૨૯ અને ૩૦ ડિસેમ્બરે સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ દ્વારા ક્રિસ્ટલ એકસ્પો-૨૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં એક હજારથી વધુ પ્રોજેકટ, ડિઝની લેન્ડ, મેજીક શો, સ્માર્ટ સિટી, પપેટ શો, વૈજ્ઞાનિક રહસ્યો, ગ્રામ્ય સંસ્કૃતિ, પ્રાચીન શિક્ષણ પ્રણાલી, ઈ-કોમર્સ, ફેશન-શો, અંતરીક્ષના રહસ્યો, કોમ્યુનિકેશન સ્કિલ, રોબોટીકસ, શો, વોરર હાઉસ, વર્લ્ડ ટાઈમઝોન, મેથસ મેજીક, ફલાવર શો, ટેકનો સીટી, કિડઝ સર્કસ તેમજ થીમ આધારીત કલ્ચરલ ઈવેન્ટોનું આયોજન ફુડ ઝોન અને ગેમ ઝોન સહિત કરવામાં આવ્યું છે.
શાળાના વાર્ષિક આયોજનમાં અભ્યાસની સાથે સાથે બાળકોના શારીરિક, માનસિક અને બૌઘ્ધિક વિકાસના હેતુસર કરાયેલી આ મેગા ઈવેન્ટમાં અંદાજે ૧ હજારથી પણ વધુ પ્રોજેકટો બનાવવામાં આવ્યા છે. સામાજીક ઉતરદાયિત્વના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું પણ ઉત્કૃષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે.
ક્રિસ્ટલ સ્કુલના ઓર્નર રણજીતસિંહ ડોડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જયાં બાળકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહકારથી બે દિવસના ટુંકાગાળામાં આયોજન સફળતાપૂર્વક શકય બન્યું છે. શાળાનો પ્રયાસ છે કે એકસ્પોની મુલાકાતે આવનાર લોકો પણ અહીંથી કંઈક નવું લઈને જાય. હજારો બાળકો દ્વારા અનેક કૃતિઓની રજુઆત કરવાથી તેમનું કૌશલ્ય ખીલી ઉઠશે. બાળકો દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેકટ પણ બનાવવામાં આવ્યો છે.
ક્રિસ્ટલ સ્કુલના શિક્ષિકા સેજલબેન ગણાત્રાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,
૧૧,૧૨ કોમર્સના વિદ્યાર્થીઓએ ક્રિસ્ટલ બજારનું અદભુત આયોજન કરેલ છે. જેમાં જવેલરી, પર્સ, કપડાથી લઈ નાસ્તા સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. ધો.૧૧,૧૨ના ૨૫ બાળકો દ્વારા બજારનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેથી કોમર્સના વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે પ્રેકટીકલ માર્કેટમાં કેવી રીતે કામ શકાય. વિદ્યાર્થીઓના પ્રયત્નોને ખુબ જ સારો સહકાર મળી રહ્યો છે.
ક્રિસ્ટલ સ્કુલમાં ધો.૬માં અભ્યાસ કરતા જય વિજય માંડેએ અબતક સાથેની વાતચીતમાં
જણાવ્યું હતું કે, તેઓ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવે છે. તેમને પસ્તીમાંથી બાઈક, ફલાવર જેવી વિવિધ વસ્તુઓ બનાવી છે. ખાસ તો શિક્ષકોનો વિદ્યાર્થીઓને સારો સહકાર મળી રહે છે. પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરવાના ભાગરૂપે તેમણે પેપર બેગ તેમજ જયુટ બેગ પણ બનાવી હતી. ન્યુઝ પેપરનો ઉપયોગ આપણે પસ્તીમાં જ કરતા હોઈએ છીએ પરંતુ તેમાંથી શો-પીસ, વોલ ડેકોરેશન જેવી કલાત્મક વસ્તુઓ બનાવી શકાય.