કોની સાથે રડું બધા ખુશ દેખાય છે,
ખુશી છીનવી ને હવે , આ આંસુ પણ મલકાય છે.
કોની સાથે રહું, હર એક દૂર થતાં દેખાય છે,
વળી ને આવ્યા નહીં, જેની રાહ હજી જોવાય છે.
કોનો સથવારો કરું, સુંદર તો સૌ દેખાય છે,
એ સુંદરતામાં જ તો, લાગણીઓ છેતરાય છે.
કોની વ્યથા વર્ણવું, આંસુ તો એના પણ દેખાઈ છે,
આ આંસુની માયાજાળમાં, હાસ્ય પણ મુંજાય છે.
કોને લાગણીઓ બતાવું, દરેક ચહેરો જૂઠો વંચાય છે,
સાચા – જૂઠાના જતનમાં, ભાવનાઓ વેચાય છે.
કોની સાથે હસુ, સૌ અંદરથી રડતા દેખાય છે,
સમય નથી એમ કહે, પણ સૌ નવરા દેખાય છે.
કોની સાથે રડું, બધા ખુશ દેખાય છે,
ખુશી છીનવી ને હવે, આ આંસુ પણ મલકાય છે .
– આર. કે. ચોટલીયા