હવે ક્રુઝની મજા લેવા ગુજરાતની બહાર નહીં જવું પડે
૨૫૦૦ની ક્ષમતાવાળા ફાઈવ સ્ટાર હોટલ જેવા ક્રુઝમાં સ્વિમીંગ પુલ, કેશીનો, જીમ, ઓડિટોરીયમ, લાઈબ્રેરી, વાઈફાઈ સહિતની સુવિધાઓ
દીવી મુંબઈ વચ્ચેની ક્રુઝનો આજથી આરંભ થઈ ચૂકયો છે. કેન્દ્ર સરકાર દ્વારા દરિયાઈ પ્રવાસનને ઉત્તેજન આપવા માટે ક્રુઝનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ક્રુઝની ઘણીબધી વિશેષતાઓ છે. ક્રુઝમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં હોય તેવી તમામ સુવિધાઓ સાથે પ્રવાસીઓને મુંબઈથી દીવ વચ્ચે દરિયાઈ સફર ઉપરાંત દીવ એક દિવસ રોકાઈને સહેલાણીઓ દીવનો આનંદ માણી શકે તેવી રીતે ક્રુઝની ટ્રીપ ગોઠવવામાં આવી છે. મુંબઈ પોર્ટથી દીવ વચ્ચે ક્રુઝનો આરંભ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરાવ્યું હતું. મુંબઈથી રાત્રે ૮:૩૦ કલાકે ૩૭૨ પ્રવાસીઓ સાથે નિકળેલી ક્રુઝ આજે સવારે ૯:૩૦ વાગ્યે દીવ પહોંચી ગઈ હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ક્રુઝને લીલી ઝંડી આપતા જણાવ્યું હતું કે, દરિયાઈ માર્ગે રોજગારીની વ્યાપક તક છે. આ સાથે પ્રાદેશીક કનેકટીવીટી પણ વધશે અને દરિયાઈ ક્ષેત્રનો ખુબજ વિકાસ થશે.
ક્રુઝની સુવિધા વિશે જણાવીએ તો એક મોટી ફાઈવ સ્ટાર હોટલમાં જે સુવિધા હોય તેવી તમામ પ્રકારની સુવિધાઓ આ ક્રુઝમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમા સ્વીમીંગ પુલ, કેશીનો, જીમ, ઓડિટોરીયમ, લાઈબ્રેરી, વાઈફાઈ અને સ્પા સહિતની સુવિધાઓ ક્રુઝમાં રાખવામાં આવી છે. ઉપરાંત જમવા માટે તમામ પ્રકારની વાનગી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ક્રુઝમાં ૨૫૦૦ વ્યક્તિને લઈ જવાની ક્ષમતા છે. આ પૈકી ૧૮૦૦ પેસેન્જર અને બાકીના ૭૦૦ વ્યક્તિનો સ્ટાફ હોય છે.
૨૦૨૦ સુધીમાં ૧૭ જેટલી ટ્રીપ એટલે કે મુંબઈ થી દીવ અને દીવથી મુંબઈની ક્રુઝ ટ્રીપ મારશે અને મુંબઈથી માત્ર ૮ કલાકમાં જ ક્રુઝ દીવ સુધી મુસાફરોને લઈ જશે. દરેક મહિને ૨ થી ૩ ટ્રીપ ક્રુઝ મારશે. આગામી દિવસોમાં પોરબંદર અને મુંદ્રામાં પણ ક્રુઝ શરૂ કરવાની વિચારણા સરકાર કરી રહી છે.