ઓપેક પ્લસ દેશોએ ક્રૂડના ઉત્પાદનમાં કાપ મુક્યો, ક્રૂડ 100 ડોલરની સપાટી વટાવે તેવી શક્યતા
ક્રૂડના ભાવમાં ઉછાળો આવી રહ્યો હોય, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની બદલે વધે તેવા સંજોગો ઉભા થયા છે. જેની પાછળનું કારણ ઓપેક પ્લસ દેશોએ ક્રૂડના ઉત્પાદનમાં મુકેલો કાપ છે.ઓપેક પ્લસ દેશોના ઉત્પાદનમાં ઘટાડો કરવાના અચાનક નિર્ણયથી સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો એક દિવસીય ઉછાળો જોવા મળ્યો હતો. આવનારા સમયમાં તે બેરલ દીઠ 100 ડોલરના સ્તરને સ્પર્શી શકે છે.
કાપની જાહેરાતને પગલે, ગોલ્ડમેન સેક્સે 2023ના અંત સુધીમાં ઓપેક પ્લસ દેશો માટે ઉત્પાદન અનુમાન ઘટાડીને 1.1 મિલિયન બેરલ પ્રતિ દિવસ કર્યું હતું. સાથે જ કહ્યું કે બ્રેન્ટ ક્રૂડ 2023માં 95 ડોલર પ્રતિ બેરલ અને 2024માં 100 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી શકે છે. ઓપેક પ્લસના ક્રૂડના કાપના નિર્ણયથી પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાથી ભારતમાં આયાતી ક્રૂડમાં નરમાઈની સ્થિતિ સામે આવશે. જે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનું કારણ બની શકે છે. ઈંધણની કિંમતોની સમીક્ષામાં પણ વિલંબ થઈ શકે છે. ભારત 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે.
ભારતમાં ગયા મહિનાના બીજા પખવાડિયામાં આયાતી ક્રૂડ હવે પ્રતિ બેરલ 73 થી 74 ડોલરની રેન્જમાં છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના હતી. એક ઉદ્યોગ અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારી ઓઇલ કંપનીઓ હવે ક્રૂડના ભાવમાં ઉછાળો હોવા છતાં સ્થિર રાખવાને કારણે થયેલા નુકસાનમાંથી વસૂલી રહી છે. હવે ફરીથી ભાવ વધવા લાગ્યા છે.
ઓઇલ માર્કેટ એનાલિસિસ સર્વિસ પૂરી પાડતી કંપની વાન્ડા ઇનસાઇટ્સના વંદના હરીએ જણાવ્યું હતું કે, ઓઇલ માર્કેટને સ્થિર કરવા માટે ઉત્પાદનમાં કાપ મૂકવાનો ઓપેક દેશોનો સાવચેતીનો તર્ક સમજની બહાર છે. તે પણ, જ્યારે બેંકિંગ કટોકટી ટળી ગઈ છે અને બ્રેન્ટ ક્રૂડ તેના 15 મહિનાના નીચલા સ્તરેથી 80 ડોલરના સ્તરે પાછું આવ્યું છે.ક્ધસલ્ટન્સી રાયસ્ટાડ એનર્જીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જ્યોર્જ લિયોને જણાવ્યું હતું કે ઓપેક પ્લસ દેશોએ વૈશ્વિક આર્થિક અસ્થિરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોઈ શકે છે. તે પણ એક સંકેત છે કે બજારમાં પર્યાપ્ત બેરિશ સૂચકાંકો છે.