પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 23મી રાષ્ટ્રકથા શિબીરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરપરસન આદર્શકુમાર ગોયેલ, ભારતીય હવામાનના ડીજીએમ ડો. મૃત્યુંજય મહાપાત્ર સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
પ્રાંસલા મુકામે રાષ્ટ્રકથા શિબીરના આઠમા દિવસના પ્રવચન સત્રને સ્વામી ધર્મબંધુજી ઉપરાંત સુપ્રિમ કોર્ટના પુર્વ જજ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેર પર્સન આદર્શ ગોયેલ, ભારતીય હવામાનના ડીજીએમ ડૉ. મૃત્યુંજય મહાપાત્રા, સીઆરપીએફના ડીજી રામસિંહ, દક્ષિણ પ્રાંતના નિવૃત કમાન્ડર લેફટનન્ટ જનરલ જયસિંહ નૈન એ સંબોધન કર્યુ હતું. સ્વામી ધર્મબંધુજીએ શિબીરાર્થીઓને સંબોધતા જણાવેલ કે, પ્રત્યેક વ્યક્તિએ ગૌરવશાળી જીવન જીવવા માટે પાંચ પ્રકારની શકિત હાંસલ કરવી જોઇએ. સહુ પ્રથમ સ્વાસ્થય જળવાઇ રહે તેવી રીતે આહાર-વિહાર-યોગના નિયમોનું પાલન કરીને બળવાન બનવાની કોશિષ કરવી જોઇએ.
આ સાથે હંમેશા જ્ઞાનવાન -ચારિત્ર્યવાન બનવું જોઇએ. જેની પાસે બુધ્ધિશક્તિ છે એને સમગ્ર દુનિયા આદરથી આવકારે છે. જો તમારી પાસે આર્થિક ઉણપ હોય તો એના માટે સરકાર કે સમાજને દોષિત ઠેરેવીને નિષ્કીય બેસી રહ્યા વિના પોતાની ઉણપોનું વિશ્ર્લેષણ કરીને આર્થિક ઉપાર્જન કરવાની ક્ષમતા કેળવવી જોઇએ. કોઇનશ્ર સાથે જાતિ-ધર્મ કે અન્ય ભેદભાવ રાખ્યા વિના સમાજમાં સહુને સાથે હળી મળીને રહેવું જોઇએ. અને આ રીતે સામાજિક -રાષ્ટ્રીય એકતા નિર્માણ કરવી જોઇએ. વ્યક્તિના આચારણ, વ્યક્તિત્વમાં આધ્યાત્મિકતા પણ જોવા મળવી જોઇએ. જે વ્યક્તિ આ પાંચ પ્રકારની શક્તિ પ્રાપ્ત કરે છે તે સામર્થ્યવાન વ્યકિત તરીકે આદરપાત્ર બને છે.
સીઆરપીએફના ડીઆઇજી રામસિંહ એ જણાવ્યું હતું કે, સંવિધાનની ભાવના અનુસાર રાષ્ટ્રીય એકતા અને અખંડતિતા જાળવી રાખવા આંતરિક સુરક્ષા વ્યવસ્થા અને શાંતિ જાળવી રાખવામાં સીઆરપીએફ પ્રશાસનને સહાયરૂપ થાય છે કે જેથી સામાજિક સદભાવ જળવાઇ રહે અને રાષ્ટ્રના વિકાસને બળ મળે. દેશમાં ચુંટણી વિનાવિધ્ને પાર પાડવી, મહત્વની સરકારી ઓફિસો, ધાર્મિક સ્થાનોને સુરક્ષા પુરી પાડવી, દેશમાં કયાંય પણ કુદરતી કે માનવ સર્જિત આપદામાં લોકોના જાનમાલનું રક્ષણ કરવું, કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી જેવા અનેકવિધ કાર્યોમાં સીઆરપીએફ મહત્વની ભુમિકા નિભાવે છે.
તેમણે સીઆરપીએફ વિશે માહિતી આપતાં જણાવેલ કે, આઝાદીના 10 વર્ષ પુર્વે ક્રાઉન રિપ્રેઝેન્ટીટવ પોલિસ તરીકે સ્થાપના કરવામાં આવી હતી. જે આઝાદી પછી સરદાર પટેલની દુરંદેશીથી તેને સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ તરીકે 28 ડિસેમ્બર 1949ના સ્થાપના કરવામાં આવી. બે બટાલિયનથી શરૂ થયેલ આ કેન્દ્રિય અનામત પોલિસ દળ આજે 6 મહિલા બટાલિયન સાથે કુલ 240 બટાલિયનની વિશાળ ફોજ ધરાવે છે. જે પૈકી 15 રેપીડ એકશન ફોર્સ, 10 કોબ્રા બટાલિયન કે જે નકસલવાદીઓ અને આંતકવાદીઓ સામે લડે છે, 5 બટાલિયન વડાપ્રધાન કાર્યાલય, સંસદ તેમજ વીઆઇપીની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે.
હવામાન શાસ્ત્ર જીવનના દરેક ક્ષેત્રને અસર કરે: ડો. મૃત્યુંજય મહાપાત્ર
નવી દિલ્હીથી આવેલ ભારતીય હવામાન વિભાગના ડીજીએમ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ અત્રે સંબોધન કરતાં જણાવેલ કે, હવામાન શાસ્ત્ર જીવનના દરેક ક્ષેત્રેને અસર કરે છે અને તેનાથી માહિતગાર થવું સહુ માટે આવાશ્યક બની ગયું છે. ભારતમાં હવામાનશાસ્ત્રનો ઉદ્ભવ પ્રાચીન કાળથી થયો છે. વર્તમાન સમયમાં હવામાન શાસ્ત્ર દ્વારા પુરી પાડવામાં માહિતીથી એકતરફ ખેતી, માછીમારી વિગેરેની આવકમાં અનેકગણી વૃધ્ધિ જોવા મળે છે, તો બીજી તરફ કુદરતી આપદાઓ સામે જાનમાલની મોટા પાયે થતી હાનિ નિવારી શકાય છે. કુદરતી આપદાથી ભારતમાં કુલ જીડીપીના 5% જેટલું નુકશાન થાય છે.
નીતિમતા અને મૂલ્ય આધારિત જીવન જીવો: આદર્શકુમાર ગોયેલ
સુપ્રિમ કોર્ટના પુર્વ જજ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેર પર્સન આદર્શકુમાર ગોયેલ શિબીરાર્થીઓને પ્રેરક સંબોધન કરતાં નીતિમત્તા અને મુલ્ય આધારીત જીવન જીવવાની સલાહ આપતા જણાવેલ કે, માનવીના જીવનનો ઉદ્દેશ માત્ર ખાવા, પીવું, સુવું, સુરક્ષા વિગેરે શારિરીક જરૂરિયાત પુરૂ કરવા પુરતો જ નથી. ભારતીય સંસ્કૃતિમાં માનવીના જીવનની સાર્થકતા માટે, માનવીય અધિકારો, અન્ય પ્રત્યેની સંવેદનશીલતા અને આધ્યાત્મિક વિકાસના લીધે જ ભારતને વિશ્ર્વ ગુરૂ તરીકે જોવામાં આવે છે. વધુમાં તેમણે વિશ્ર્વના વિવિધ દેશોમાં થયેલ ક્રાંતિના કારણો તેમજ મુડીવાદ, સામ્યવાદ વિશે વાત કરી હતી.