અબતક, રાજકોટ
વિકાસના નામે પર્યાવરણ અને આરોગ્ય સાથે ચેડાં કરી માનવના આરોગ્ય અને જીવસૃષ્ટિ સાથે ચેડાં કરી રહ્યા છે. તેવો એક કિસ્સો પડધરી ગ્રામ્પ પંથકમાં આવેલી એરકોન નામની ફેક્ટરીની ચીમનીમાંથી ઉડતી રાખથી ઉશ્કેરાયેલા ટોળા દ્વારા કારખાનામાં તોડફોડ કરી વૃધ્ધ શ્રમિક સહિત ત્રણ લોકોને મારમાર્યાની મહિલા સહિત 13થી વધુ લોકો સામે ગુનો નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.
કર્મચારી સહિત ત્રણને મારમારી કાર અને ઓફિસમાં 10 લાખનું નુકશાન: ત્રણની ધરપકડ
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના લુણસર ગામના વતની અને હાલ રાજકોટના રૈયા ટેલીફોન એક્સચેન્જ પાછળ ગોલ્ડન પાર્કમાં રહેતા તેમજ પડધરી નજીક એરકોન નામના કારખાનામાં નોકરી કરતા બાબુભાઇ પ્રભુભાઇ વસીયાણી નામના વૃધ્ધે કારખાનાની નજીક રહેતા ફાલ્ગુનીબેન ભીમા રાઠોડ, દિલીપ કાનજી રાઠોડ, વિરમ દેવજી રાઠોડ, ગંગાબેન ગોવિંદ રાઠોડ, ચીનો પાલા રાઠોડ, અશ્ર્વિન રાજા રાઠોડની પુત્રી, કાંન્તી મનુની પત્ની, અમૃત જગા રાઠોડની પત્ની, અશ્ર્વિન રાજા રાઠોડની પત્નિ, અશ્ર્વિન રાજા રાઠોડના પુત્ર, ભૂપત ભાણા રાઠોડના પત્ની, ભૂપત રાઠોડનો પુત્ર અને અજાણ્યા શખ્સોએ એરકોન કારખાનામાં ઘુસી ઓફિસોમાં અને કારમાં તોડફોડ કરી રૂા.10 લાખનું નુકશાન કરી મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ તપાસમાં પડધરીના ઉકરડા માર્ગ પર 10 વર્ષથી એરકોન નામનું કારખાનું આવેલું છે. કારખાનામાં સિમેન્ટના બ્લોક બનાવે છે. બાજુમાં 100 ચો.મી. પ્લોટમાં રહેતા 30 થી 40 પરિવાર રહે છે. કારખાનાની નજીક રહેતા પરિવારોની મહિલા સહિત ટોળા સાથે કારખાનામાં ઘૂસી ઓફિસમાં અને કારમાં તોડફોડ કરી બાબુભાઇ પટેલ, સીસીટીવી કેમેરા ફીટ કરવા આવેલા યુવાન સહિત ત્રણ લોકોને મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે તમામ સામે ગુનો નોંધી દિલીપ કાનજી રાઠોડ, વિરમ દેવજી રાઠોડ અને અનિલ પાલા રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ પી.એસ.આઇ. આર.જે. ગોહિલ સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.
તંત્ર દ્વારા પગલાં નહીં લેવાતા કાનૂની લડતના એંધાણ
પડધરી નજીક એરકોન નામના કારખાનામાંથી સિમેન્ટની ભૂકી ઉડતા આસપાસના ખેડૂતો અને રહેવાસી દ્વારા આ મામલે તંત્રને અનેક રજૂઆત કરવા છતા કોઇ પગલાં ન લેવાતા કારખાનાની નજીક રહેતા રહેવાસીઓના ટોળાએ કારખાનામાં તોડફોડ કરી છે. જો તંત્ર દ્વારા આ મામલે પગલાં લીધા હોત તો આ ઘટના સર્જાય ન હોત, તંત્ર જો આ મામલાની ગંભીરતા નહીં લે તો આસપાસના ખેડૂતો અને રહેવાસીઓ દ્વારા અદાલતનું શરણું લેતા અચકાશે નહીં તેવું ચર્ચાઇ રહ્યું છે.