રોષે ભરાયેલા શ્રમિકોના ટોળાને પોલીસે વિખેર્યા
સેલવાસ નજીક લવાછા ગામે રહેતા શ્રમિકો કામધંધા અર્થે સેલવાસ આવતા હોય પરંતુ સેલવાસની અંદર પ્રવેશ મનાઈ ફરમાવતા આ શ્રમિકો અકળાઈ જઈ ગઈકાલે લવાછા બોર્ડર પર એકત્રીત થયા હતા અને પોલીસ સાથે હુંસાતુંસી બાદ બઘડાટી બોલાવતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. બનાવને પગલે ૧૫૦થી વધુ લોકોને પોલીસે ઝડપી લીધા હતા.
સેલવાસ નજીક લવાછા ગામે રહેતા પરપ્રાંતી લોકો ચાલીઓમાં ભાડે રહે છે અને સેલવાસ પીપરિયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમા નોકરી કરે છે,હાલમા લોકડાઉનના કારણે લવાછાથી કામદારોને સેલવાસમા પ્રવેશ આપવામા આવતો નથી અને જો કોઈ આવી જાય તો એને સેલવાસથી લવાછા જવા દેવામા આવતા નથી. ત્યારે ગઈકાલે સવારે ૯:૩૦ના સુમારે કામદારોનુ ટોળુ લવાછા બોર્ડર પર ભેગા થઈ ગયા હતા અને પોલીસની પાસે અમને સેલવાસ જવાની પરમીશન આપો એમ કહી રિકવેસ્ટ કરી રહ્યા હતા,ત્યારે અચાનક એક યુવાને આઈઅરબી જવાનના હાથમાંની લાકડી છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તે યુવાનનો કોલર પકડી લેતા મામલો ગરમાયો હતો. બાદમા લવાછા વિસ્તારમા યુવાનો દ્વારા અચાનક પથ્થરમારો શરુ કરી દેવામા આવ્યો હતો. જેમા બે જેટલા પોલીસને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી. આ ઘટનાની જાણ સેલવાસ પોલીસ અને વાપી ડુંગરા પોલીસને થતા તાત્કાલિક પોલીસનો કાફલો પહોંચી ગયો હતો અને જે તોડફોડ અને પથ્થરમારો કરતા હતા તે બધા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામા આવ્યો હતો. મામલો થોડો શાંત થતા ડુંગરા પોલીસની ટીમે અંદાજીત ૧૫૦થી વધુ લોકોને ઝડપી લઈ ડુંગરા પોલીસ સ્ટેશન પર લઈ જવામા આવ્યા હતા.