ખુશી રાજપુત,રાજકોટ: મહાસુદ-૧૩ એટલે સમગ્ર શ્રૃષ્ઠિના રચયીતા ભગવાન વિશ્વકર્માજીનો મહાપર્વ વિશ્વકર્મા જયંતિ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ધર્મગ્રંથોમાં જણાવ્યા અનુસાર ભગવાન કૃષ્ણની દ્વારકાનગરી, બાર જયોર્તિલીંગ પૈકીનું ભગવાન સોમનાથ દાદાનું મંદિર એટલે કે સોમનાથ ધામ પણ ભગવાન વિશ્ર્વકર્માજી કલાની કમાલ છે.
એમ કહેવાય છે કે એક સમયે વિશ્વામિત્ર ઋષિજીના આમંત્રણથી દરેક મુનિઓ, સન્યાસીઓ વગેરે એક સ્થાન પર એકત્ર થયા હતા. બધાના મનમાં એક જ વિચાર હતો કે વિશ્વામિત્રજીએ બધાને કેમ આમંત્રિત કર્યા હશે? બધા એકઠા થયા બાદ ઋષિ વિશ્ર્વામિત્રજીએ બધાને સંબોધતા કહ્યું કે, મુનિઓ દ્વારા આશ્રમોમાં થતા હવનમાં વિક્ષેપ પાડતા દુષ્ટ રાક્ષસો માનવભક્ષ કરતા હોય આપણે આ બાબતે કંઇક કરવું જોઇએ, કારણ કે રાક્ષસો માનવ ભક્ષણની સાથે સાથે હવનો પણ નષ્ટ કરે છે… જેના કારણે પૂજા, પાઠ, ઘ્યાન વગેરેમાં ખુબ જ મુશ્કેલી પડે છે. જેનાથી બચવા આપણે તુરંત કંઇક ઉપાય કરવો જરુરી છે.
વિશ્વામિત્રજીની આ વાત સાંભળી વરિષ્ઠ મુનીએ કહ્યું અગાઉ પણ એક વખત ઋષિમુનિઓ પર આ પ્રકારનું સંકટ આવ્યું હતું. તે સમયે આપણે સૌ સાથે બ્રહ્માજી પાસે ગયા હતા.ત્યારે બ્રહ્માજીએ આ સંકટમાંથી ઉગરવા માટેનો ઉપાય બતાવ્યો હતો. એકત્ર તમામ ઋષિમુનિઓએ ઘ્યાન પૂર્વક વશિષ્ઠ મુનીની વાત સાંભળી અને કહેવા લાગ્યા કે વશિષ્ઠજીની વાત સાચી છે, આપણે સૌએ બ્રહ્માજીના શરણે જવું જોઇએ. આખરે સૌએ બ્રહ્માજી પાસે જવા પ્રયાણ કર્યુ, બ્રહ્માજી પાસે આવી અને રાક્ષસો દ્વારા થતી પરેશાનીની વાત કરી ત્યારે બ્રહ્માજીએ ઋષિ મુનિઓને કહ્યું કે,રાક્ષસોમાંથી મુકિત અપાવવા માટે ભગવાન વિશ્વાકર્મા સમર્થ છે. તે સમયે પૃથ્વી પર અગ્નિ દેવતાના પુત્ર મુનિ અગીરા યજ્ઞોમાં શ્રેષ્ઠ પુરોહિત છે. તેમજ તે ભગવાન વિશ્વકર્માજીના પરમ ભકત છે. જેથી આપ સૌ તેની પાસે જાઓ જે તમારા દુ:ખોનું નિવારણ કરી શકે.
બ્રહ્માજીના આ શબ્દો સાંભળી મુનિઓ અંગીરાઋષિ પાસે ગયા અને તમામ વાત કહી સંભળાવી ત્યારે અંગીરાઋષિએ કહ્યું કે આપ નિવારણ માટે ભગવાન વિશ્ર્વકર્માજી પાસે જ જાઓ જે આ બધા દુ:ખો દુર કરવા માટે સમર્થ છે. અમાસના દિવસે આપ તમામ કાર્યો બંધ રાખી ભકિતપૂર્વક ભગવાન વિશ્વકર્માની કથા સાંભળો અને ઉપાસના કરો તમામ કષ્ટો તે દુર કરશે. આ સાંભળી તમામ મુનિઓ પોત પોતાના આશ્રમે આવી અમાવષ્યાના દિવસે ભગવાન વિશ્વકર્માજીનું પુજન, અર્ચન, કથા વગેરે કર્યા પરિણામ એ આવ્યું કે તમામ રાક્ષસો ભસ્મ થઇ ગયા. જેથી મુનિઓ વિઘ્ન રહિત થઇ ગયા. તેના તમામ દુ:ખ દુર થયા. જે મનુષ્ય ભકિત ભાવ પૂર્વક વિશ્વકર્મા ભગવાનની પૂજા કરે છે તે દરેક પ્રકારના સુખો ભોગવે છે. તેમ જ તે સંસારમાં ઉચ્ચ પદને પ્રાપ્ત કરે છે. આજ ભગવાન વિશ્ર્વકર્મા જયંતિએ કોટી કોટી વંદન.