આજે આસો વદ ૯ના રોજ શુકનવંતુ પુષ્યનક્ષત્ર હોય સોની બજારમાં સોનું ખરીદવા ગ્રાહકો ઉમટયા છે. આ પુષ્યનક્ષત્રમાં લોકો સોના-ચાંદીની ખરીદી ઉપરાંત, નવા વાહનો, ઈલેકટ્રીક વસ્તુઓની ખરીદી કરતા હોય છે. આજે ઉપરોકત ખરીદી કરવી ફળદાયી બની રહે છે. આ ઉપરાંત મંત્ર-ઉપાસના કરવા પણ ફળદાયી રહે છે.
લોકો ગુરૂદેવોના શુભ મંત્રોની ઉપાસના કરે છે. આજે શુકનવંતા પુષ્યનક્ષત્રની સાથે શુક્ર-બુધની યુતિ હોવાથી લક્ષ્મીનારાયણનો પણ યોગ થયો છે.
દર વર્ષની સરખામણીમાં આ વર્ષે સોના-ચાંદીની ખરીદીમાં થોડી મંદી પણ જોવા મળી છે. સોનાનો ભાવ રૂા.૪૦૦૦૦ને આંબેલો હોય લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બની ગયું છે.
તેમ છતા શ્રીમંત વર્ગના લોકોએ આજે પુષ્યનક્ષત્રમાં થોડુ ઘણુ સોનું ખરીદી સંતોષ માની લીધો છે. ઘણા લોકો સોનાની તો મધ્યમ વર્ગનાં લોકોએ ચાંદીની ખરીદી કરી છે.
કારણ કે આજે સોનું ચાંદી ખરીદવું ફળદાયી બની રહે છે. જો કે પુષ્યનક્ષત્ર આજે સાંજના ૪.૩૯ કલાક સુધી હોય લોકો બપોરે પહેલા જ શુકનવંતી ખરીદી કરી ચૂકયા છે.